ધાર્મિક સ્થળોની સંખ્યા પર નિયંત્રણ મૂકવા કાઉન્સિલર રીટા પટેલની માગ

Wednesday 23rd August 2017 06:56 EDT
 
 

લંડનઃ ધાર્મિક સ્થળો કોમ્યુનિટીઝમાં વિખવાદ ઉભો કરાવી શકે તેમ હોવાનું જણાવીને કાઉન્સિલર રીટા પટેલે બિન-સાંપ્રદાયિક લેસ્ટરમાં ધાર્મિક સ્થળોની સંખ્યા પર નિયંત્રણ મૂકવાની માગ કરી હતી. તાજેતરમાં મળેલી સિટી કાઉન્સિલની પ્લાનિંગ પોલીસીની બેઠકમાં તેમણે જણાવ્યું હતું કે ધાર્મિક હેતુ માટે કાઉન્સિલની માલિકીના બિલ્ડીંગો વેચાય છે તેનાથી તેઓ ચિંતિત છે.
તેમણે ઉમેર્યું હતું કે ધાર્મિક બિલ્ડીંગો બંધાય તેની સામે તેમને કોઈ વાંધો નથી. પરંતુ, બિનસાંપ્રદાયિક શહેરમાં જેના પર તમામ નાગરિકોનો અધિકાર છે તેવી કાઉન્સિલની માલિકીની પ્રોપર્ટીઓ ઘટતી જાય છે. તેમણે જણાવ્યું હતું કે લોકોની શ્રદ્ધા અને આધ્યાત્મિકતા ખૂબ મહત્ત્વના છે પરંતુ, ખુલ્લી જગ્યાઓ અને બિલ્ડીંગોનો સૌ લોકો ઉપયોગ કરી શકતા હોય તે તેનાથી વધારે મહત્ત્વનું છે. લોકલ કોમ્યુનિટીઓમાં વિખવાદની શક્યતા ઉભો થાય તે રીતે બિલ્ડીંગો માટે પરવાનગી અપાઈ છે તેથી જ હવે વિચારવાની જરૂર છે.
જોકે, પ્લાનિંગ કાઉન્સિલના વડા ગ્રાન્ટ બટરવર્થે જણાવ્યું હતું કે હાલની પ્લાનિંગ પોલીસીમાં ધાર્મિક ઈમારતો કોમ્યુનિટી એન્ડ લેઝર કેટેગરીમાં આવે છે અને તેના પર નિયંત્રણ મૂકવાનું શક્ય નથી.


comments powered by Disqus