લંડનઃ પ.પૂ.પ્રમુખસ્વામી મહારાજે ૨૦ ઓગસ્ટ, ૧૯૯૫ના રોજ ભારત બહાર લંડનના નીસડનમાં પ્રથમ પરંપરાગત હિંદુ મંદિરનું ઉદઘાટન કર્યું હતું. ત્યારથી યુકે અને અન્ય દેશોમાંથી આવેલા લાખો મુલાકાતીઓએ તેની શાંતિ અને આધ્યાત્મિકતામાંથી પ્રેરણા મેળવી છે. ગઈ તા. ૨૦ ઓગસ્ટને રવિવારે સ્વામિનારાયણ મંદિરનો ૨૨મો પાટોત્સવ યોજાઈ ગયો. સવારે સંતોએ વેદિક વિધિ સાથે તેનો મંગળ પ્રારંભ કર્યો હતો. પાટોત્સવનો દિવસ સ્વામિનારાયણ મંદિર ખૂલ્લું મૂકાયું હતું તેની વાર્ષિક તિથિ તથા મૂર્તિઓની પ્રતિષ્ઠા કરવામાં આવી હતી તે નિમિત્તે દર વર્ષે યોજાય છે. મંદિરમાં ભગવાનની મૂર્તિઓ પાસે કલાત્મક રીતે અન્નકૂટ ગોઠવવામાં આવ્યો હતો. તેના દર્શન ઉપરાંત ભક્તો અને મુલાકાતીઓને આખો દિવસ નીલકંઠવર્ણીને અભિષેક કરવાનો લહાવો મળ્યો હતો.
ભગવાનના ગુણગાન ગાવા અને વિશ્વભરમાં સૌની સુખાકારી અને શાંતિ માટે આશીર્વાદ મેળવવા માટે બપોરે મહાપૂજાનું આયોજન કરાયું હતું. સાંજે ભારતથી આવેલા સંતોની ઉપસ્થિતિમાં હવેલીમાં ખાસ સાંધ્ય સભા યોજાઈ હતી. યુવકોએ ભક્તિસંગીત રજૂ કર્યું હતું. સંતોએ મંદિરના માધ્યમથી વ્યક્તિ, પરિવાર અને સમાજને મળતી પ્રેરણા તેમજ એકંદરે રાષ્ટ્ર પર થતી સકારાત્મક અસર વિશે પ્રવચનો આપ્યા હતા.
BAPS મંદિરોનો એક વિશિષ્ટ ઈતિહાસ છે. ભગવાન સ્વામિનારાયણે લગભગ ૨૦૦ વર્ષ પહેલા આ સંપ્રદાયની સ્થાપના કરી હતી. ભગવાન સ્વામિનારાયણના બાળજીવન વિશેના પ્રવચનથી તેમના દિવ્ય વ્યક્તિત્વ અને સૌ માટે તેમણે દર્શાવેલી કરુણાની ઝાંખી થાય છે. આ પ્રસંગે રજૂ કરાયેલા ખાસ વીડિયો પ્રેઝન્ટેશનથી ભક્તોને મંદિર સાથેની પ્રમુખસ્વામીની સ્મૃતિઓ નિહાળવાની તક મળી હતી.

