લંડનઃ અગાઉ તમામ પ્રશ્રોના સાચા જવાબ આપીને રાતોરાત પ્રસિદ્ધ થયેલો ભારતીય મૂળનો ૧૨ વર્ષીય રાહુલ દોશી પ્રતિષ્ઠિત ટીવી ક્વિઝ સ્પર્ધામાં યુકેનો 'ચાઈલ્ડ જિનિયસ' બન્યો હતો. નવ વર્ષીય હરિફ રોનનને ૧૦-૪થી હરાવીને રાહુલ ચેનલ 4ના શોનો વિજેતા બન્યો હતો. વિજયી બન્યા બાદ રાહુલે જણાવ્યું હતું કે સીધેસીધો વિજય મળ્યો ન હતો પરંતુ, સ્પર્ધામાં ખૂબ મઝા આવી.
નોર્થ લંડનમાં રહેતા સ્કૂલબોય દોશીએ ૧૯મી સદીના કલાકારો વિલિયમ હોલમેન હન્ટ અને જહોન એવરેટ મિલાઈસ વિશેના પ્રશ્રનો સાચો જવાબ આપીને ટાઈટલ જીતી લીધું હતું. રાહુલની ઈચ્છા ફાયનાન્સિયલ એડવાઈઝર બનવાની છે.
રાહુલનો આઈક્યુ ૧૬૨ છે જે આલ્બર્ટ આઈન્સ્ટાઈન અને સ્ટીફન હોકિંગ બન્ને કરતાં ઉંચો છે. તે મેન્સા ક્લબનો પણ સભ્ય છે. છ વર્ષની વયે તેણે એક્સ્ટ્રા મેથ્સ અને ઈંગ્લિશ માટે કુમોન સ્ટડી ક્લાસમાં પ્રવેશ મેળવ્યો હતો. ૧૦ વર્ષની વયે તો રાહુલ GCSEના મેથ્સના દાખલા ગણતો હતો. ગ્રામર સ્કૂલમાં પ્રવેશ મેળવવા માટે તેણે સરળતાથી 11+ પાસ કર્યું હતું.
રાહુલને વાંચનનો ખૂબ શોખ છે. તેને ખાસ ગમતા પુસ્તકોમાં ધ સિક્રેટ ગાર્ડન અનેહેરી પોટર સિરિઝનો સમાવેશ થાય છે. પિયાનોમાં તે ગ્રેડ 5 સુધી પહોંચ્યો છે. તેને જાહેર વક્તવ્ય, ચેસ અને ટેબલ ટેનીસ ગમે છે.
પિતા અને આઈટી મેનેજર મીનેશભાઇ તથા ફાર્માસિસ્ટ માતા કોમલબહેને જણાવ્યું હતું કે રાહુલના વિજયથી તેમને ગૌરવની લાગણી થાય છે. મીનેશભાઇએ રાહુલને મેન્સા ટેસ્ટ આપવા પ્રોત્સાહિત કર્યો હતો. સ્પર્ધાની ફાઈનલમાં રાહુલે પસંદ કરેલા વિષય 'એડવર્ડ જેનર્સ મેડિકલ ઈનોવેશન એન્ડ મેથોડોલોજી ઈન 18th સેન્ચુરી' પર પોતાના જ્ઞાનથી દર્શકોને પ્રભાવિત કરી દીધા હતા.
ચેનલ 4ના રિચાર્ડ ઓસ્માન દ્વારા આયોજિત 'ચાઈલ્ડ જિનિયસ' સ્પર્ધામાં ૮થી ૧૨ની વયના ૨૦ સ્પર્ધકો ભાગ લે છે અને દર અઠવાડિયે એક પછી એક સ્પર્ધકો બહાર નીકળતા છેલ્લે બાકી રહેલ સૌથી હોંશિયાર સ્પર્ધક વિજેતા બને છે. ૨૦૧૭ની સિરીઝના ફાઈનલ રાઉન્ડમાં મેથ્સ, ઈંગ્લિશ, સ્પેલિંગ, હિસ્ટ્રીની સ્કીલ તેમજ યાદશક્તિમાં સ્પર્ધકો વચ્ચે તીવ્ર સ્પર્ધા જોવા મળી હતી.

