લંડનઃ બાળકીઓને બળજબરીપૂર્વક ડ્રગ્સ અને શરાબપાન કરાવીને જાતીય સંબંધ બાંધવાના મામલામાં ન્યૂ કેસલ ક્રાઉન કોર્ટે એક મહિલા સહિત ૧૮ લોકોને ગુનેગાર ઠેરવ્યા હતા. કોર્ટે બળાત્કાર, ડ્રગ્સ સપ્લાય અને વેશ્યાવૃત્તિને પ્રોત્સાહન આપવાનું ષડયંત્ર ઘડવા બદલ તેમને દોષી જાહેર કર્યા હતા. આ ગુનેગારો બાંગ્લાદેશ, પાકિસ્તાન, ભારત અને ઈરાન સહિત એશિયન દેશોના છે. તેમને આવતા મહિને સજા સંભળાવવામાં આવશે. બાળકી પર દુષ્કર્મના એક ગુનેગારને પોલીસે માહિતી આપવા બદલ ૧૦,૦૦૦ પાઉન્ડ પણ ચૂકવ્યા હતા. વર્ષ ૨૦૧૧થી ૨૦૧૪ સુધી ચાલેલી ચાર ટ્રાયલમાં આ ટોળકીનો પ્રથમ ભોગ બનેલી ૨૦ યુવતીઓની જુબાની લેવામાં આવી હતી. આ પુરુષોએ તેમની સાથે મિત્રતા કેળવી હતી. તેમને ડ્રગ અને શરાબ આપવાના વચન સાથે 'સેશન' તરીકે ઓળખાતી પાર્ટીમાં લઈ જવાની લાલચ આપી હતી. તેઓ કોફી ટેબલ પર આ યુવતીઓ માટે M-Kat બેગ પણ મૂકતા હતા.
એક તરુણીએ કોર્ટને જણાવ્યું હતું કે વેસ્ટ એન્ડની આજુબાજુના બિલ્ડીંગોમાં યોજાયેલી પાર્ટીઓમાં તેના પર ત્રણ વખત બળાત્કાર થયો હતો. કેટલીક યુવતીઓએ ખૂબ ઘેનની હાલતને લીધે પોતે પ્રતિકાર કરી શકી ન હોવાનું જ્યારે અન્ય યુવતીઓએ નશાની બંધાણી બની ગઈ હોવાથી ડ્રગ્સના બદલામાં જાતીય પ્રવૃત્તિમાં જોડાતી હોવાનું જણાવ્યું હતું.

