લંડનઃ ભારતના ૭૦મા સ્વાતંત્ર્ય દિન તેમજ યુકે-ઈન્ડિયા યર ઓફ કલ્ચરની ઉજવણી માટે પાર્લામેન્ટ સ્ક્વેરથી ફ્રીડમ રન યોજાઈ હતી. રનમાં ભાગ લેવા માટે સેંકડોની સંખ્યામાં ભારતીયો એકત્ર થયા હતા. ભારતીય હાઈ કમિશન દ્વારા યોજાયેલી પ્રથમ ઐતિહાસિક ફ્રીડમ રનને ભારતના હાઈ કમિશનર વાય કે સિંહા અને તેમના પત્ની ગિરીજા સિંહા, ડેપ્યુટી હાઈ કમિશનર દિનેશ પટનાયક અને તેમના પત્ની પૂનમ પટનાયક તેમજ યુકે ખાતેના ભારતના પૂર્વ ડેપ્યુટી હાઈ કમિશનર રાજેશ એન પ્રસાદે પ્રસ્થાન કરાવ્યું હતું.
રેલીમાં ભાગ લેવા એકત્ર થયેલા લોકોએ પાર્લામેન્ટ સ્ક્વેરને ' વંદેમાતરમ', 'જય હિંદ અને 'ભારત માતાકી જય'ના બુલંદ નારાથી ગજવી મૂક્યું હતું. ત્યાંથી પસાર થતા લોકોએ પણ આનંદની લાગણી વ્યક્ત કરી હતી અને કાર તથા ટેક્સીમાં પસાર થતા ઘણાં લોકોએ 'ચક દે ઈન્ડિયા' અને 'ઈન્ડિયા ઝિંદાબાદ'ના સૂત્રો પોકાર્યા હતા.
૧૫મી ઓગસ્ટના બરાબર ૧૨ના ટકોરે પાર્લામેન્ટ સ્કવેરમાં આવેલી મહાત્મા ગાંધીની પ્રતિમાથી શરૂ થયેલી આ ફ્રીડમ રન વેસ્ટમિન્સ્ટર (બ્રિટિશ પાર્લામેન્ટ), બીગ બેન, લંડન આઈ, વેસ્ટમિન્સ્ટર અને મિલેનિયમ બ્રીજ, સ્કોટલેન્ડ યાર્ડ, સ્ટ્રેન્ડ જેવા મહત્ત્વના સ્થળોએ થઈને ઈન્ડિયા પ્લેસ પહોંચી હતી. આ ખાસ પ્રસંગ નિમિત્તે ઈન્ડિયા પ્લેસ પર રાષ્ટ્રીય ધવ્જના રંગોની રોશની કરવામાં આવી હતી. ઐતિહાસિક રનમાં ઉત્સાહપૂર્વક સામેલ ૫૦૦થી વધુ રનર્સે હાથમાં ત્રિરંગી બેકન સાથે India@70ના લોગોવાળી ટી શર્ટ પહેરી હતી.
ડેપ્યુટી હાઈ કમિશનર દિનેશ પટનાયકે કહ્યું હતું કે આ વર્ષે ભારતની વૈવિધ્યપૂર્ણ સંસ્કૃતિની ઉજવણી કરવાનો વિચાર હતો. હવે તેઓ આ રનને વાર્ષિક કાર્યક્રમ બનાવવા માગે છે. તેમણે આશા વ્યક્ત કરી હતી કે આવતા વર્ષે હજારો લોકો આમાં જોડાશે. તમિળો, ગુજરાતીઓ અને પંજાબીઓ સહિત વિવિધ સમાજના લોકો અને ધર્મના પ્રતિનિધિ દોડમાં જોડાયા હતા. તેમણે ઉમેર્યું હતું કે ફ્રીડમ રનનું આયોજન દેશની આઝાદીના ૭૦ વર્ષની ઉજવણી માટે જ નહીં પરંતુ, ૨૦૨૨ સુધીમાં દેશને ગરીબી, ભ્રષ્ટાચાર, ત્રાસવાદ, કોમવાદથી મુક્ત કરાવવાના વડા પ્રધાન મોદીએ આપેલા વચનને પૂર્ણ કરવાની દિશામાં આગળ ધપાવવા માટે કરાયું હતું.
દોડવીરો ઈન્ડિયા પ્લેસ ખાતે પહોંચતા હાઈ કમિશનર સિંહાએ તેમનું સ્વાગત કર્યું હતું. તેમણે યુકેમાં વસતા તમામ ભારતીયોને સ્વાતંત્ર્ય દિનની શુભેચ્છા પાઠવી હતી. મધરાતે શરૂ થયેલી ફ્રીડમ રનમાં જોડાવા બદલ દોડવીરોનો આભાર માન્યો હતો. તેમણે છેલ્લાં સાત દાયકામાં ભારતે કરેલી પ્રગતિની માહિતી આપી હતી. તેમણે ઉમેર્યું હતું કે તેઓ આ પ્રસંગને પ્રતીકાત્મક અને યાદગાર બનાવવા માગતા હતા. પાર્લામેન્ટ સ્ક્વેરથી ભારતીય હાઈ કમિશન સુધીની દોડ સિવાય બીજું શું યાદગાર હોઈ શકે ? તેમણે ઉમેર્યું હતું કે ફ્રીડમ રન ભ્રષ્ટાચાર અને ગરીબીથી સ્વાતંત્ર્ય માટેની ભારતની લડતનું પ્રતીક છે.
આ અદભૂત કાર્યક્રમને માત્ર હાઈ કમિશન ઓફ ઈન્ડિયા અને ભારતીય કોમ્યુનિટીઝનું જ નહીં પરંતુ, લંડન મેયર ઓફિસ અને ઈન્ડિયા ટુરિઝમ ઓફિસનો સહયોગ મળ્યો હતો.

