લંડનઃ બ્રિટનના પ્રથમ કહી શકાય તેવા આંતરધર્મીય લગ્નમાં કલાવતી મિસ્ત્રી નામની એક હિન્દુ ગુજરાતી મહિલાએ યહૂદી ધર્મ પાળતી મિરિયમ જેફરસન નામની એક મહિલા સાથે સમલિંગી લગ્ન કર્યાં છે. લેસ્ટરનાં કલાવતી અને ટેક્સાસના મિરિયમે શનિવારે લગ્ન કર્યાં હતાં. તેઓ છેલ્લાં ૨૦ વર્ષથી એકબીજાંનાં પ્રેમમાં હતાં.
પરંપરાગત હિન્દુ વિધિ પ્રમાણે યોજાયેલાં લગ્નમાં બંનેએ પરંપરાગત લાલ અને વ્હાઈટ રંગનું ચોળું પહેર્યું હતું. તેમણે ફૂલહાર પણ કર્યા હતા અને મંગલસૂત્ર પણ પહેર્યું હતું. ૪૮ વર્ષનાં કલાવતીને આ લગ્ન માટે કોઈ હિન્દુ મહારાજ મળતો નહોતો.
જોકે, તે પછી તેમણે લેસ્ટર સિટીના આઈવી રેસ્ટોરાંમાં મિત્રો અને પરિવારની હાજરીમાં લગ્નવિધિ સંપન્ન કરી હતી. બંને લગ્ન બાદ મિરિયમના વતન ટેક્સાસ ગયાં છે અને હવે થોડોક સમય ત્યાં જ વીતાવશે એમ એક અહેવાલમાં જણાવાયું હતું.
કલાવતીએ જણાવ્યું હતું કે, તે જ્યારે ૨૬ વર્ષની હતી ત્યારે મિરિયમને મળી હતી. એક ટ્રેનિંગ કોર્સમાં તે અમેરિકા ગઈ ત્યારે તેમનો બન્નેનો પરિચય થયો હતો.
કલાવતીને શરૂઆતમાં તેમના આ સંબંધો વિશે પરિવારજનોને કહેવામાં ખચકાટ થતો હતો પણ જ્યારે તેણે વાત કરી ત્યારે મિરિયમને તે લોકોએ સ્વીકારી લીધી હતી.

