ટીચર અને તે પછી હેડ માસ્ટર બનવા માટે નોર્ટન રોઝ ફુલબ્રાઈટની નોકરીનો છ આંકડાનો પગાર જતો કરનારા ૩૮ વર્ષીય વકીલ મોહસીન ઈસ્માઈલે અભ્યાસ માટે પોતાના ૯૫ ટકા વિદ્યાર્થીઓને વિશ્વની ટોચની યુનિવર્સિટીઓમાં મોકલ્યા છે. ઈસ્ટ લંડનમાં ન્યૂહામ કોલેજિએટ સીક્સ્થ ફોર્મમાં ટીચર તરીકે જોડાયા બાદ હવે તેઓ તેના હેડમાસ્ટર બન્યા છે.
તેમના ૨૦૦માંથી ૧૯૦ વિદ્યાર્થીઓએ પહેલા જ વર્ષે રસેલ ગ્રૂપ યુનિવર્સિટીઓમાં સ્થાન મેળવ્યું હતું. ૯ વિદ્યાર્થીઓએ ઓક્સફર્ડ અને કેમ્બ્રીજમાં જ્યારે એક વિદ્યાર્થી તફસીયા શીકદર અમેરિકામાં MITમાં જોડાશે.
ઈસ્માઈલે જણાવ્યું હતું કે સમાજ પ્રત્યેનું રુણ અદા કરવા અને પોતે જે મેળવ્યું તે હાંસલ કરવા માટે વિદ્યાર્થીઓને મદદરૂપ થવા તેઓ વકીલાત છોડીને શિક્ષક બન્યા હતા. બાળકો અને તેમના પેરન્ટ્સ તેમને ઉત્તમ શિક્ષણ અપાવવા અને વ્યાવસાયિક બનાવવા માગતા હોય છે પરંતુ, ત્યાં તેમના કોઈ સંપર્ક અથવા તો તેમાં આગળ કેવી રીતે વધવું તેની માહિતી હોતી નથી.
તેમણે ઉમેર્યું હતું કે મારી ઈચ્છા બને તેટલા વધુ યુવકોને રસેલ ગ્રૂપ, અક્સબ્રીજ અને આઈવી લીગ યુનિવર્સિટીઓમાં મોકલવાની છે. તમે પછાત વિસ્તારમાંથી આવતા હો તો તમારે જે બનવું હોય તેને માટેની તકો મર્યાદિત હોય છે એવું સામાન્યપણે જોવા મળે છે. પરંતુ, હું જાણું છું કે ઈસ્ટ લંડનમાં ઘણાં પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ છે અને તેમને આગળ લાવવા માટે સ્કૂલ કામ કરે તે મહત્ત્વનું છે.

