ભૂજઃ એમએસયુના જીઓલોજી ડિપાર્ટમેન્ટના બે પ્રદ્યાપકોએ સરસ્વતી નદી અંગેનું મહત્ત્વનું સંશોધન કર્યું છે અને એ પુરવાર કર્યું છે કે વેદ અને પુરાણોમાં જેનો ઉલ્લેખ જોવા મળે છે તે સરસ્વતી નદીનું ખરેખર અસ્તિત્વ હતું અને તે હિમાલયમાંથી નીકળીને ગુજરાતના કચ્છના રણમાં સમાઈ જતી હતી અને કચ્છના સફેદ રણનો પ્રદેશ સરસ્વતી નદીના કાંપમાંથી જ બનેલો છે. આ સંશોધન પેપરને તાજેતરમાં જ પ્રખ્યાત આંતરરાષ્ટ્રીય જર્નલમાં પણ સ્થાન મળ્યું છે.
જીઓલોજી ડિપાર્ટમેન્ટના બે વરિષ્ઠ પ્રધ્યાપકો પ્રો. ડી. એમ. મૌર્ય અને પ્રો. એલ. એસ. ચામ્યાલ સરસ્વતી નદીના અસ્તિત્વ અંગે છેલ્લા ૭ વર્ષથી સંશોધન કરી રહ્યા છે. તેમણે આ અંગે કહ્યું છે કે પ્રાચીન સાહિત્યમાં હિમાલયમાંથી નીકળતી ત્રણ મહાનદીઓ ગંગા, યમુના અને સરસ્વતીનો ઉલ્લેખ છે જેમાંથી ગંગા અને યમુનાનાં જળ દેખાય છે જ્યારે સરસ્વતી અંગે વર્ષોથી સંશોધન ચાલે છે. પાછલા ૩ દાયકામાં આ અંગે થયેલા સંશોધનો સરસ્વતી નદીનું અસ્તિત્વ હોવાના પુરાવા આપી રહ્યા છે, પરંતુ વૈશ્વિક સ્તરે એ દલીલ થઇ રહી હતી કે જો આવડી મોટી નદી અસ્તિત્વમાં હતી તો તેનો કાંપ આખરે ક્યાં છે? આખા વિશ્વમાં નદીના કાંપના આધારે જ તેના અસ્તિત્વના પુરાવા મળે એટલે આ પડકાર અમે ઝીલી લીધો હતો. અમે કચ્છના સફેદ રણના વચ્ચેથી ૬૦ મીટર ઉંડે સુધી ડ્રીલ કરીને સેમ્પલ લીધા હતા અને તેના પર છેલ્લા ૭ વર્ષથી સંશોધન ચાલી રહ્યુ હતું. સંશોધનના અંતે એ સાબિત થયું છે કે આ સેમ્પલમાં હિમાલયના તત્ત્વો પુષ્કળ પ્રમાણમાં છે જેનાથી નક્કી થાય છે કે સરસ્વતીનો કાંપ અહીં ઠલવાતો હતો અને તે કાંપથી જ કચ્છના સફેદ રણનો પ્રદેશ બન્યો છે.

