ભારતીય વાયુ દળ અને ભારતીય નૌકાદળ સહિત ભારતીય લશ્કર બન્ને દેશો વચ્ચે માત્ર વેપાર ઉપરાંત આપણા ખાસ સંબંધોને વધુ મજબૂત બનાવવા માટે પૂરતો અવકાશ હોવાનું દર્શાવે છે. ભારત અને બ્રિટનના ઓફિસરો એકબીજાને કોલેજીસ ઓફ ડિફેન્સમાં તાલીમ આપે છે. બ્રિટિશ અને ઈન્ડિયન આર્મ્ડ ફોર્સીસમાં એકસમાન રેજિમેન્ટલ સિસ્ટમ છે અને બન્ને લશ્કરે સંખ્યાબંધ સંયુક્ત કવાયત હાથ ધરી છે, પરંતુ હજુ પણ તેમાં અવકાશ છે. - લોર્ડ કરણ બિલિમોરીયા
હું ભારતના લોકો, યુકેમાં તથા વિશ્વભરમાં વસતા ભારતીયોને સ્વાતંત્ર્ય દિવસની શુભેચ્છા પાઠવું છું. દુનિયાની સૌથી મોટી લોકશાહી તરીકે ભારત ઉભર્યું છે. બ્રિટન હંમેશા ભારતની પડખે જ ઉભું રહેશે અને ભારત વિશ્વની અગ્રણી સત્તા બને તે માટે પોતાનું સમર્થન આપશે. ભારત સાથે સંકળાયેલા તમામ માટે સ્વાતંત્ર્ય દિવસ માત્ર ઈતિહાસની યાદગાર તારીખ નથી. પરંતુ, તે આપણને આપણા સમૃદ્ધ ઈતિહાસ દ્વારા પ્રેરણા પૂરી પાડે છે અને સ્વાતંત્ર્ય દિન આપણા ઉજ્જવળ ભવિષ્ય માટે ગૌરવ લેવાની વાત છે. - પ્રીતિ પટેલ, સેક્રેટરી ઓફ સ્ટેટ ફોર ઈન્ટરનેશનલ ડેવલપમેન્ટ
ભારતની આઝાદીને ૭૦વર્ષ થયા છે ત્યારે તેની સિદ્ધિઓ અને નિષ્ફળતાઓ વિશે પ્રશ્ર થાય તે યોગ્ય છે. સિદ્ધિઓ તો નજરે પડે તેવી છે જેમાં ભારતીય લોકશાહી, અર્થતંત્ર અને ડાયસ્પોરાનો સમાવેશ થાય છે. નિષ્ફળતામાં ગરીબી, ઉચ્ચ શિક્ષણ અને પ્રજાની નબળી નૈતિકતા સામેલ છે. એકંદરે, ભારતે ગૌરવ લેવા જેવી ઘણી બાબતો છે, પરંતુ કેટલીક વાતે શરમ અનુભવવા જેવું છે. આશા રાખીએ કે હાલના શાસન હેઠળ પરિસ્થિતિમાં સુધારો થાય. - લોર્ડ ભીખુ પારેખ
સ્વાતંત્ર્ય દિવસ નવા સ્વતંત્ર ભારતના ઉદભવનું સૂચક છે. આઝાદ થવાની અને સારી પરિસ્થિતિમાં જીવન જીવવાની લાખો લોકોની ઈચ્છા તેમાં વણાયેલી છે. વ્યક્તિ પોતાની મરજી મુજબ જીવી શકે અને પોતાના ધર્મનું પાલન કરી શકે તે માટે સમાનતા, સહિષ્ણુતા અને બિનસાંપ્રદાયિકતાના સિદ્ધાંતો પર ભારતની સ્થાપના થઈ હતી. આજના દિવસે આઝાદી માટે જેમણે પોતાના પ્રાણ ગુમાવ્યા તેમને યાદ કરીએ. સ્વાતંત્ર્ય દિવસની સૌને શુભેચ્છા. - વીરેન્દ્ર શર્મા MP
સ્વાતંત્ર્ય દિવસ એટલે આપણું મૂળ જ્યાં છે તે અને જ્યાં જીવન જીવીએ છીએ તે બન્નેની ઉજવણી કરવાનો દિવસ. તે આ દિવસ આપણને બે ઉત્તમ લોકશાહી વચ્ચે સેતુરૂપ હોવાનું અને આપણે ભારતીય અને બ્રિટિશ બન્ને છીએ તેનું ગૌરવ અપાવે છે. આ વર્ષે આપણામાંથી ઘણાં લોકોએ પૂ. મોરારી બાપૂની કથા દરમિયાન વેમ્બલી અરેનામાં સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી કરી. ૧.૫ મિલિયન બ્રિટિશ ભારતીયો પોતાના બન્ને દેશ માટે ગૌરવ અનુભવે છે તેના પ્રતીક રૂપે પૂ.મોરારીબાપૂએ ૭૦મા સ્વાતંત્ર્યદિવસની ઉજવણીનું નેતૃત્વ કર્યું હતું. - લોર્ડ ડોલર પોપટ

