અમદાવાદઃ અનેક પ્રોડક્ટ પર GSTના દર હાલમાં જ દેશમાં લાગુ થયા છે. આ દર ૫%, ૧૨%, ૧૮% અને ૨૮% રખાયા છે. GSTના દર પ્રમાણે શાકભાજી સસ્તા થશે તો ઘણાં કોસ્મેટિક પર ૧૮% GST લાગતાં તે મોંઘા થશે. હેલ્થ અને એજ્યુકેશન GST દાયરાની બહાર છે. તે રાહતના સમાચાર છે. મૂવિ થિયેટરમાં ફિલ્મ જોવી સસ્તી પડશે કે મોંઘી એ પણ અઘરો પ્રશ્ન છે. કારણ કે GSTતો તેના પર ૨૮ ટકા લાગશે, પરંતુ રાજ્યને પાછો મનોરંજન કર નક્કી કરવાનો હક આપી રાખ્યો છે. GSTના માળખામાં પહેલી નજરે એવું દેખાય છે કે અમીરો જે ચીજ-વસ્તુઓ વાપરે છે. તેના પર વધુ ટેક્સ છે. મધ્યમ વર્ગ જે વસ્તુ વાપરે છે તેના પર ઓછો છે અને ગરીબો જે ચીજ વસ્તુઓ વાપરે છે તેના પર સૌથી ઓછો GSTનો દર છે, પરંતુ આ પહેલી નજરની વાત છે. ઊંડા ઊતરીએ તો સચ્ચાઈ સામે આવે છે. જેમ કે, ચા, પનીર, પિત્ઝા બ્રેડ, જેવી વસ્તુઓ પર ૫ ટકા GST છે. જ્યારે કાર, એસી, ફ્રિઝ, ઓટોમોબાઈલ, હેર શેમ્પુ હેર ડાઈ, જેવી વસ્તુઓ સૌથી મોંઘા ૨૮ ટકાના સ્લેબમાં આવે છે. આ સ્લેબ પ્રમાણે જો રાજ્યને મેન્યુફેક્ચરિંગ સ્ટેટ તરીકે જોઈએ તો ગુજરાતને રૂ. ૧૦૮૦૦ કરોડનું નુક્સાન જવાની વકી દેખાઈ રહી છે.
