કંડલાઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે દેશના પ્રથમ કક્ષાના બંદર કંડલા ખાતે રૂ. ૯૯૬ કરોડના ખર્ચે તૈયાર કરાયેલા વિકાસ પ્રોજેક્ટનો પ્રારંભ કરાવતાં કંડલા બંદરને ઈરાનના ચાબહાર બંદર સાથે કનેક્ટિવિટી આપવાની જાહેરાત કરી હતી. આગામી દિવસોમાં કંડલા પોર્ટ પર રૂ. ૧૦૦૦ કરોડનાં રોકાણો આવી રહ્યાં હોવાની જાહેરાત કરીને વડા પ્રધાને કહ્યું હતું કે અન્ય રાજ્યો સાથે આ બંદરને જોડવાથી વિશ્વભરમાં વેપાર માટે તેને મોટું સ્થાન મળશે.
સમગ્ર દેશ પંડિત દીનદયાલ ઉપાધ્યાયની જન્મશતાબ્દિ ઉજવી રહ્યો છે ત્યારે કંડલા બંદરનું નામાભિધાન ‘પંડિત દીનદયાલ કંડલા પોર્ટ’ તરીકે કરવા વડા પ્રધાન મોદીએ સૂચન કર્યું હતું. તેમણે કંડલાને ‘મિની ભારત’નું બિરુદ આપીને એવી આશા પણ વ્યક્ત કરી હતી કે આ બંદર વૈશ્વિક વ્યાપાર અને દરિયાઈ અર્થતંત્રને નવી દિશા આપવા સક્ષમ છે. ૨૦૨૨ની સાલમાં દેશની આઝાદીનાં ૭૫ વર્ષ નિમિત્તે દેશને નવી ઊંચાઈ પર લઈ જવાનું પણ આહવાન કરી આજથી જ સંકલ્પબદ્ધ થઇ જવા વડા પ્રધાને આ પ્રસંગે જણાવ્યું હતું.
વડા પ્રધાન મોદીએ કંડલામાં રૂપિયા ૯૯૬ કરોડના વિવિધ પ્રોજેક્ટનું લોકાર્પણ કર્યું હતું. કંડલામાં આંબેડકર કન્વેન્શન સેન્ટરનું ઉદ્ધાટન કર્યું હતું. આ ઉપરાંત મોબાઈલ હાર્બર ક્રેન, રેલવે બ્રિજ સહિતના પ્રોજેક્ટનું લોકાર્પણ કર્યું હતું.
તો કલ્પનાતીત લાભ મળી શકે
ગુજરાતના મુખ્ય પ્રધાન તરીકેના કાળથી જ કચ્છ પર ઓવારી ગયેલા નરેન્દ્ર મોદીએ વડા પ્રધાન બન્યા બાદ બીજી મુલાકાતમાં કચ્છને દેશમાં સૌથી વધુ ઝડપે આગળ વધતો જિલ્લો ગણાવ્યો હતો. ગુજરાતની બે દિવસની મુલાકાતે આવેલા વડા પ્રધાન ત્રણ વાગ્યે ભુજ પહોંચીને હેલિકોપ્ટરમાં સવાર થઈ સીધા કંડલા પહોંચ્યા હતા.
કંડલામાં જાહેર સભાને સંબોધતા વડા પ્રધાને જણાવ્યું હતું કે, આપણી પાસે હજુ પાંચ વર્ષ છે. ૨૦૨૨માં દેશને નવી ઉંચાઈએ લઈ જવો છે. કંડલા પોર્ટે એશિયાના મુખ્ય બંદરોમાં પોતાનું સ્થાન બનાવી લીધું છે. કંડલા પોર્ટનો વિકાસ આશ્ચર્યચકિત કરી દે તેવો છે. આપણે બધાં સાથે મળીને તેની તાકાત વધારીએ તો તેનાથી દેશને કલ્પનાતીત લાભ મળી શકે છે. વડા પ્રધાન સાથે પરિવહન પ્રધાન નીતિન ગડકરી, મુખ્ય પ્રધાન વિજય રૂપાણી, નાયબ વડા પ્રધાન નીતિન પટેલ સહિતના અગ્રણીઓ હાજર રહ્યાં હતા.
કંડલા પોર્ટ ગુજરાતની શાનઃ મુખ્ય પ્રધાન
મુખ્ય પ્રધાન વિજય રુપાણીએ જણાવ્યું હતું કે, કંડલા પોર્ટ એ માત્ર ભારતનું નહીં, સમગ્ર વિશ્વનો ચળકતો સિતારો છે. દરિયાઈ માર્ગે ગુજરાતનો આફ્રિકા અને મિડલ ઈસ્ટ સાથે વેપારનો સંબંધ વર્ષો જૂનો છે. હવે પોર્ટના વિકાસને જોતાં ગુજરાતને ભારતના વિકાસનો પ્રવેશદ્વાર કહેવું ખોટું નથી કારણ કે ગુજરાતમાં ૪૮ પોર્ટ અને એક ઈન્ટરનેશનલ કક્ષાનું શીપબ્રેકિંગ યાર્ડ છે. તેમણે કહ્યું હતું કે કંડલા પોર્ટ ગુજરાતની શાન છે.
સૌથી પ્રગતિશીલ બંદરઃ ગડકરી
પરિવહન પ્રધાન નીતિન ગડકરીએ જણાવ્યું હતુ કે, કંડલા પોર્ટ દેશનું સૌથી પ્રગતિશીલ બંદર છે. દરિયાઈ પટ્ટીનો વિકાસ એ જ દેશનો વિકાસ છે. કંડલા પોર્ટમાં કાર્ગો હેન્ડલિંગની ક્ષમતામાં વધારો થયો છે.
સાગર માલા પ્રોજેક્ટ અંગે જણાવ્યું હતું કે માછીમારો પણ સાગરમાલા યોજનાનો લાભ લઈ શકે છે. આ યોજનાથી સ્થાનિક લોકોની રોજગારીમાં વધારો થયો છે. સિરામીક ઉદ્યોગોનો વિકાસ થશે. કચ્છ આજે ઔદ્યોગિક ક્રાંતિનું કેન્દ્ર બન્યું છે. ગુજરાત પાસે પાંચ મોટા એરપોર્ટ છે. હવે કચ્છ દેશની તાકાત બની ઊભરી રહ્યું છે.

