ચાંગા ચારુસેટ હોસ્પિટલમાં નેત્રરોગ નિદાન વિભાગનો પ્રારંભ

Wednesday 24th May 2017 08:20 EDT
 

આણંદઃ ચાંગામાં ૭મી મે, ૨૦૧૫માં નિર્માણ પામેલી ચારુસેટ હોસ્પિટલને બે વર્ષ પૂરા થયા અને ત્રીજા વર્ષમાં પદાર્પણ કરી રહી છે. ટૂંકા ગાળામાં એક લાખથી પણ વધારે દર્દીઓને હોસ્પિટલમાં સારવાર અપાઈ છે. આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના ગ્રામજનોને પોષાય તેવા દરે મેડિકલ સેવા ઉપલબ્ધ કરવાના આશયથી નિર્માણ થયેલી ચારુસેટ હોસ્પિટલમાં એક વધુ સેવાનો ઉમેરો થયો છે. ૧૯મી મેના રોજ અદાણી ડિપાર્ટમેન્ટ ઓફ ઓફથેલ્મોજીનો શુભારંભ ડો. પ્રીતિબહેન ગૌતમભાઈ અદાણીના હસ્તે થયો હતો.
આ પ્રસંગે ચારુસેટ હેલ્થકેર એન્ડ રિસર્ચ ફાઉન્ડેશન અને માતૃસંસ્થાના પ્રમુખ નગીનભાઈ એમ. પટેલ, પાટીદાર કેળવણી મંડળ અને ચારુસેટ હેલ્થકેર એન્ડ રિસર્ચ ફાઉન્ડેશનના ટ્રસ્ટી સુરેન્દ્રભાઈ એમ. પટેલ તથા ચારુસેટ યુનિ.ના ડો. બી. જી. પટેલ ઉપસ્થિત હતા. અદાણી ડિપાર્ટમેન્ટ ઓફ ઓફથે. ના આંખના દર્દો, મોતિયો, ગ્લુકોમા, ઝામર વગેરેના નિદાન તથા સારવાર માટે અદ્યતન સાધનોથી સુસજ્જ છે. મુખ્ય મહેમાન અને મુખ્ય દાતા ડો. પ્રીતિબહેન ગૌતમભાઈ અદાણીએ આ પ્રસંગે જણાવ્યું કે, ચારુસેટ હોસ્પિટલ ચાંગાનું અત્યાધુનિક સુવિધા સજ્જ હોસ્પિટલનું નિર્માણ તથા કાયમી નિષ્ણાત ડોક્ટરો દ્વારા ચરોતરના લોકોને સ્વાસ્થ્યલક્ષી ભેટ પ્રાપ્ત થઈ રહી છે જેનું ભવિષ્ય ખૂબ જ ઉજવળ છે.
આ ઉદઘાટન સમારોહ દરમિયાન કેળવણી મંડળના ઉપપ્રમુખો ચીમનભાઈ એ. પટેલ કીરણભાઈ પટેલ (કમ્ફી), જોઇન્ટ સેક્રેટરી ધીરુભાઈ સી. પટેલ, મધુબહેન પટેલ, ગિરીશભાઈ પટેલ (મહુધા), માતૃસંસ્થાના ઉપપ્રમુખ નવનીતભાઈ પટેલ (અજરપુરા), ચારુસેટના રજિસ્ટાર દેવાંગ જોશી સહિત મોટી સંખ્યામાં માતૃસંસ્થાના કેળવણી મંડળ તથા ચારુસેટ હેલ્થકેરના સભ્યો ઉપસ્થિત હતા.


comments powered by Disqus