પાકિસ્તાન આર્મી અને સરકાર સંયુક્ત રીતે ICJમાં જાધવનો કેસ લડશે

Wednesday 24th May 2017 09:01 EDT
 
 

નવી દિલ્હીઃ ભારતીય નાગરિક કુલભૂષણ જાધવ પર જાસૂસીનો આરોપ લગાવીને પાકિસ્તાનનાં આર્મીએ પહેલાં તેને ફાંસીને માંચડે લટકાવવાનો પ્રયાસ કર્યો, પણ ભારતે આ કેસને ICJમાં પડકારીને પાક.ની નાપાક ચાલને નિષ્ફળ બનાવી હતી. હવે પાકિસ્તાનનું આર્મી અને ત્યાંની સરકાર ICJમાં સંયુક્ત રીતે જાધવનો કેસ લડશે તેવું જાણવા મળ્યું છે. પાકિસ્તાન રેડિયો દ્વારા પાકિસ્તાનની નેશનલ એસેમ્બ્લીના સ્પીકરને ટાંકીને આ અહેવાલ જાહેર કરાયા છે. હવે સંયુક્ત લડત કેવી રીતે અપાશે તેનો કોઈ ખુલાસો આ રાજકારણી દ્વારા કરાયો નથી, જ્યાં સુધી રાષ્ટ્રીય હિતોની જાળવણીનો સવાલ છે ત્યાં સુધી પાક.ની નાગરિક સરકારમાં પાક. આર્મીની ભૂમિકા મહત્ત્વની છે. પાક.ની સરકાર અને આર્મી વચ્ચેના મતભેદો જ્યારે સપાટી પર આવ્યા છે ત્યારે શાસકપક્ષના રાજકારણી દ્વારા જાહેરમાં સંયુક્ત લડતનો ખુલાસો કરાયો છે તે મહત્ત્વનું છે. ૧૯૪૭માં ભારતથી અલગ થયા પછી પાકિસ્તાનમાં બળવો કરીને ત્રણ વખત લશ્કરી શાસન સ્થાપવામાં આવ્યું હતું.
જોકે પાકિસ્તાનના ભારત ખાતેના રાજદૂત અબદુલ બાસિતે રવિવારે કુલભૂષણ જાધવ કેસમાં આંતરરાષ્ટ્રીય અદાલતના અંતિમ ચુકાદા કરતાં પાકિસ્તાનના સ્થાનિક કાયદાનું વર્ચસ્વ વધુ રહેશે તે મુજબનો પુનરોચ્ચાર કરતાં જણાવ્યું હતું કે, ભારતીય નાગરિકને મૃત્યુદંડની સજાના કિસ્સામાં આંતરરાષ્ટ્રીય અદાલતે આપેલા માનઈહુકમના આદેશને માનવા પાકિસ્તાન બંધાયેલો છે.


comments powered by Disqus