બે વર્ષની બાળકી પરના બળાત્કારીને અંતિમ શ્વાસ સુધીની કેદની સજા

Wednesday 24th May 2017 08:18 EDT
 

વલસાડઃ વર્ષ ૨૦૧૫માં વાપીના નામધામાં રહેતા ગરીબ પરિવારની ૨ વર્ષીય માસૂમ બાળકી પર થયેલા બળાત્કાર કેસમાં વલસાડ ડિસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ કોર્ટે આરોપીને જીવનના અંતિમ શ્વાસ સુધીની આજીવન કેદની સજા ફટકારતો મહત્ત્વનો ચુકાદો આપ્યો છે.
વાપીના નામધા ગામે ચાલીમાં રહેતા પરિવારની બે વર્ષીય માસૂમ બાળકી ૧૬મી મે, ૨૦૧૫ના રોજ ચાલી નજીક રમતી હતી. ત્યારે પાડોશમાં રહેતા યુવાન અમૃતલાલ બ્રિજેશચંદ્ર પાંડેએ બાળકીને પોતાના રૂમમાં લઈ જઈને તેના પર બળાત્કાર ગુજાર્યો હતો. પોલીસે આરોપી અમૃત પાંડેની ધરપકડ કરી કોર્ટમાં ચાર્જશીટ ફાઈલ કરી હતી.
વલસાડ ડિસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ કોર્ટમાં હાથ ધરાયેલી અંતિમ સુનાવણીમાં સરકારી વકીલ અનિલ ત્રિપાઠીએ જે દુષ્કૃત્ય આચર્યું છે તે કોઈપણ સંજોગોમાં સાંખી લેવાય નહીં અને આવા કિસ્સામાં આરોપીને વધુમાં વધુ સજા થાય તે સહિતની ધારદાર દલીલ કરી હતી.
કોર્ટના જજ એમ. એમ. મન્સુરીએ આરોપી અમૃત પાંડેને તક્સીરવાર ઠેરવી જીવનના અંતિમ શ્વાસ સુધીની આજીવન કેદની સજા ફટકારતો મહત્ત્વનો ચુકાદો આપ્યો છે. કોર્ટે બળાત્કારનો ભોગ બનનાર બાળકીના પરિવારને વિક્ટીમ કમ્પનસેશન ફંડમાંથી વળતર ચૂકવવાનો આદેશ કર્યો છે.


comments powered by Disqus