ભારત-આફ્રિકા સંબંધોઃ ઐતિહાસિક અને ભાવનાત્મક

Wednesday 24th May 2017 06:18 EDT
 
 

ગાંધીનગરઃ ભારતના આફ્રિકી દેશો સાથેના સંબંધોને ભાવનાત્મક અને ઐતિહાસિક ગણાવતા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે ભારત અને આફ્રિકાની ભાગીદારી સહયોગી માળખા પર આધારિત છે, જેમાં આફ્રિકાનાં દેશો પ્રત્યેની જવાબદારીઓ સામેલ છે. ભારત અને આફ્રિકા વચ્ચે સદીઓથી સંબંધો રહ્યા છે. સવિશેષ ગુજરાતીઓ તેમના આફ્રિકા પ્રત્યેના પ્રેમ માટે જાણીતા છે.
ગાંધીનગરના મહાત્મા મંદિરમાં યોજાયેલી આફ્રિકન ડેવલપમેન્ટ બેન્ક (એડીબી)ની બાવનમી વાર્ષિક સામાન્ય સભાને સંબોધતાં તેમણે કહ્યું હતું કે ભારતની વિદેશ અને આર્થિક નીતિમાં આફ્રિકા ટોચનું સ્થાન ધરાવે છે. ભારતની આફ્રિકા સાથેની ભાગીદારી આફ્રિકન દેશોની જરૂરિયાતોને પૂરી કરનારી છે. ભારતમાં પ્રથમ વખત જ યોજાયેલી આ બેઠકમાં અનેક દેશોના પ્રમુખ સહિત ૪૧ દેશોના પ્રતિનિધિઓ હાજરી આપી રહ્યા છે.
વડા પ્રધાને એમ પણ કહ્યું હતું કે ભારત અને આફ્રિકા વચ્ચે વર્ષો જૂના સંબંધ છે. કારણ કે આફ્રિકાની સ્વાહિલી ભાષામાં હિંદી શબ્દોનો ઉપયોગો થાય છે. ભારત અને આફ્રિકા વચ્ચેનો વેપાર છેલ્લા ૧૫ વર્ષમાં અનેક ગણો વધ્યો છે. છેલ્લા પાંચ વર્ષમાં તે બમણો થઈ ગયો છે. વર્ષ ૨૦૧૪-૧૫માં ભારત અને આફ્રિકા વચ્ચેનો વેપાર ૭૨ બિલિયન ડોલર થઈ ગયો હતો. આફ્રિકા ભારત માટે કેટલું મહત્ત્વનું છે તેનો આફ્રિકન દેશોના વડાઓને અહેસાસ કરાવતાં વડા પ્રધાને કહ્યું હતું કે છેલ્લા ત્રણ વર્ષમાં આફ્રિકાનો એક પણ દેશ એવો નથી, જેની ભારતીય પ્રધાને મુલાકાત લીધી ન હોય. રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ ઉપરાંત મેં ખુદે આફ્રિકાના ૧૬ દેશોની મુલાકાત લીધી છે. વડા પ્રધાને ઉમેર્યું હતું કે મેં જ્યારે ૨૦૧૪માં વડા પ્રધાનપદના શપથ ગ્રહણ કર્યા ત્યારથી વિદેશ નીતિમાં આફ્રિકાને સૌથી વધુ પ્રાધાન્ય આપ્યું છે.
ગુજરાતીઓનો આફ્રિકા પ્રેમ પ્રસિદ્ધ
આપણે આજે ગુજરાતમાં ભેગા થયા છીએ. ગુજરાતીઓ વેપારવણજ માટે જાણીતા છે. ગુજરાતીઓ આફ્રિકા પ્રત્યેના તેમના પ્રેમ માટે પણ પ્રસિદ્ધ છે! એક ભારતીય અને એક ગુજરાતી તરીકે મને ખુશી છે કે આ બેઠક ભારતમાં અને એ પણ ગુજરાતમાં યોજાઈ છે. ભારત સદીઓથી આફ્રિકા સાથે મજબૂત સંબંધો ધરાવે છે. ઐતિહાસિક રીતે, પશ્ચિમ ભારતમાંથી, ખાસ કરીને ગુજરાતમાંથી વિવિધ સમુદાયો અને આફ્રિકાના પૂર્વ કિનારે સ્થિત દેશોના સમુદાયો એકબીજાના વિસ્તારોમાં સ્થાયી થયા છે. ભારતના સિદીઓ પૂર્વ આફ્રિકામાંથી આવ્યા હોવાનું કહેવાય છે. કેન્યાના દરિયાકિનારાના વિસ્તારોમાં બોહરા સમુદાયો ૧૨મી સદીથી વસતા હોવાનું કહેવાય છે. વાસ્કો દી ગામા માલિન્દીથી ગુજરાતી ખલાસીની મદદથી કાલિકટ સુધી પહોંચ્યા હોવાનું મનાય છે. ગુજરાતના જહાજો બંને દિશાઓમાં ચીજવસ્તુઓનો વેપાર કરતા હતા. બંને સમુદાયો વચ્ચે પ્રાચીન જોડાણથી પણ આપણી સંસ્કૃતિઓ સમૃદ્ધ થઈ છે. સમૃદ્ધ સ્વાહિલી ભાષા હિંદી ભાષાના ઘણા શબ્દો ધરાવે છે.
સંસ્થાનવાદના યુગમાં ૩૨,૦૦૦ ભારતીયો કેન્યા પહોંચ્યા હતા, જેમણે આઇકોનિક મોમ્બાસા-યુગાન્ડા રેલવેનું નિર્માણ કર્યું હતું. તેના નિર્માણ દરમિયાન અનેક લોકોએ જીવ ગુમાવ્યા હતા. તેમાંથી આશરે ૬૦૦૦ ભારતીયો પરત ફર્યા હતા અને તેમના કુટુંબોને લઈ ગયા હતા. તેમાંથી ઘણાએ ‘ડુકાસ’ તરીકે ઓળખાતો નાનો વ્યવસાય શરૂ કર્યો હતો અને ‘ડુક્કાવાલા’ તરીકે ઓળખાતા હતા. સંસ્થાનવાદી શાસન દરમિયાન કામદારો અને તેમના અધિકારીઓ, શિક્ષકો, ડોક્ટર્સ અને અન્ય વ્યાવસાયિકોને પૂર્વ અને પશ્ચિમ આફ્રિકામાં જીવંત સમુદાય રચવા મોકલવામાં આવ્યા હતા, જ્યાં ભારત અને આફ્રિકાનો સુભગમ સમન્વય કર્યો હતો.
આફ્રિકાના સ્વાતંત્ર્યજંગમાં ભારતીયોનું પ્રદાન
અન્ય એક ગુજરાતી મહાત્મા ગાંધીએ દક્ષિણ આફ્રિકામાં અહિંસાને પોતાના સંઘર્ષનું માધ્યમ બનાવ્યું હતું. તેમણે ગોપાલ કૃષ્ણ ગોખલે સાથે ૧૯૧૨માં ટાન્ઝાનિયાની મુલાકાત લીધી હતી. ન્યેરેરે, કેન્યાટ્ટા અને નેલ્સન મંડેલા સહિત આફ્રિકાની આઝાદીની લડત લડનાર આફ્રિકાના આગેવાનોને ભારતીય મૂળના કેટલાંક આગેવાનોએ સાથ આપ્યો હતો અને તેમની સાથે લડત લડી હતી. સ્વતંત્રતા સંગ્રામ પછી ભારતીય મૂળના કેટલાંક નેતાઓને તાન્ઝાનિયા અને દક્ષિણ આફ્રિકાના મંત્રીમંડળમાં સ્થાન અપાયું હતું. અત્યારે ટાન્ઝાનિયામાં સાંસદ તરીકે સેવા આપતા ભારતીય મૂળના ઓછામાં ઓછા છ ટાન્ઝાનિયન છે.
પૂર્વ આફ્રિકામાં ટ્રેડ યુનિયન આંદોલનની શરૂઆત માખન સિંહે કરી હતી. એ ટ્રેડ યુનિયનની બેઠકોમાં જ કેન્યાની આઝાદી માટેની પ્રથમ માગણી રજૂ થઈ હતી. કેન્યાની આઝાદીની લડતમાં એમ. દેસાઈ અને પિઓ ગામા પિન્ટોએ સક્રિય ભાગ લીધો હતો. ભારતના તત્કાલિન પ્રધાનમંત્રી પંડિત નેહરુએ ભારતીય સાંસદ દિવાન ચમનલાલને શ્રી કેન્યાટ્ટાની બચાવ ટીમના ભાગરૂપે મોકલ્યા હતા. તે સમયે કેન્યાટ્ટાને કેદ કરાયા હતા અને ૧૯૫૩માં કાપેનગુરિયા અભિયોગ દરમિયાન કેસ ચલાવાયો હતો. બચાવ ટીમમાં ભારતીય મૂળની અન્ય બે વ્યક્તિઓ સામેલ હતી. આફ્રિકાની આઝાદીની લડત માટે ભારતે હંમેશા સાથસહકાર આપ્યો હતો. નેલ્સન મંડેલાએ કહેલી વાત હું અહીં ટાંકું છું, ‘જ્યારે આખી દુનિયા અમારું શોષણ કરનાર સાથે હતી, ત્યારે એકમાત્ર ભારત અમારી વહારે આવ્યું હતું. જ્યારે અમારા માટે આંતરરાષ્ટ્રીય પરિષદોના દરવાજા બંધ થઈ ગયા હતા, ત્યારે ભારતે માર્ગ મોકળો કર્યો હતો.’
ભારત-આફ્રિકા વેપાર ૧૦૦ બિલિયન ડોલર થશે
ભારત અને આફ્રિકા વચ્ચેનો વેપાર ૨૦૧૮ સુધીમાં ૧૦૦ બિલિયન ડોલરને આંબી જશે તેવો આશાવાદ આફ્રિકા ડેવલપમેન્ટ બેંક (એડીબી)ના પ્રેસિડન્ટ ડો. એકિનવુમી એડેસિનાએ વ્યક્ત કર્યો હતો. ગાંધીનગરમાં યોજાયેલી એડીબીની બાવનમી વાર્ષિક સભામાં હાજરી આપવા આવેલા એડેસિનાએ કહ્યું હતું કે, ગુજરાતે કૃષિ ક્ષેત્ર, રિન્યુએબલ એનર્જી સેક્ટર તેમજ સર્વિસ સેક્ટરમાં જે સફળતા હાંસલ કરી છે તે જોતાં ગુજરાત સાથે આ ક્ષેત્રોમાં સહયોગ વધારવાનું તેઓ પસંદ કરશે. દુનિયામાં વેચાતા અને ઉપયોગમાં લેવાતા ડાયમંડમાંથી ૯૦ ટકા જથ્થાનું ભારતમાં કટિંગ થાય છે તે બાબત પણ અમારા માટે આકર્ષક છે. ગુજરાતના સાહસિકો આફ્રિકામાં પણ આવે તેવી ઇચ્છા તેમણે વ્યક્ત કરી હતી. ગુજરાતના એસ.એમ.ઈ.ની કામગીરી પણ પ્રભાવશાળી હોવાનો એકરાર તેમણે કર્યો હતો. તેમણે વડા પ્રધાન મોદીના શાસનની સરાહના કરતાં જણાવ્યું હતું કે, ત્રણ જ વર્ષમાં તેમના શાસન કાળમાં ભારતે ઊભરી
રહેલા અર્થતંત્ર તરીકે દુનિયામાં ખાસ્સી નામના મેળવી છે. વિશ્વના ઘણાં દેશો માટે ભારત માર્ગ ચીંધનાર બનશે.


comments powered by Disqus