ભારતીય સેનાએ LOC પર ૧૦ પાકિસ્તાની ચોકીઓ ઉડાવી દીધી

Wednesday 24th May 2017 08:33 EDT
 
 

નૌગામઃ ભારતીય સેના કાશ્મીરમાં પાકિસ્તાન દ્વારા થઈ રહેલી સતત ઘૂસણખોરી વિરુદ્ધ કડક કાર્યવાહી કરી રહી છે. ભારતીયની સેનાએ ૨૦મી અને ૨૧મી મેના રોજ જમ્મુ કશ્મીર સરહદ LOC પર પાકિસ્તાની ચોકીઓ પર ફાયરિંગ કરીને તેનો નાશ કર્યો છે. નૌગામ પાસે આવેલી પાકિસ્તાનની ૧૦ ચોકીઓને ભારતીય સેનાએ ઊડાવી દીધી છે. ભારતીય સેનાએ આ ઘટનાનો ૩૦ સેકન્ડનો વીડિયો પણ જાહેર કરી દીધો છે. ભારતીય સેનાએ રોકેટ લોન્ચર, એન્ટી ટેન્ક મિસાઈલ અને ઓટોમેટિક ગ્રેનેડ લોન્ચર તથા ૧૦૬ એમએમ આરસીએલનો ઉપયોગ પાકિસ્તાની ચોકીઓ ઉડાવવા માટે કર્યો છે.
નૌશેરા વિસ્તારમાં પાકિસ્તાની પોસ્ટને ભારતીય સેનાએ નષ્ટ કરી નાંખી છે. ભારતીય સેનાના મેજર જનરલ અશોક નરુલાએ ૨૩મી મેએ એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, આતંકીઓની ઘૂસણખોરી રોકવા માટે સરહદ પર ભારત દ્વારા ખૂબ જ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. નરુલાએ કહ્યું કે, પાકિસ્તાની સેના પોતાની પોસ્ટ્સ અને બંકરોની મદદથી આતંકીઓને મદદ કરે છે. ભારતે જમ્મુ અને કાશ્મીરના નૌશેરામાં જવાબી કાર્યવાહી કરતા પાકિસ્તાનની પોસ્ટને ઉડાવી દીધી છે. તેમણે કહ્યું કે પાકિસ્તાન દ્વારા કરવામાં આવતા ફાયરિંગથી ભારતનાં ગામડાઓને સતત નુકસાન પહોંચતું રહે છે.
નરુલાએ એવું પણ કહ્યું હતું કે, પાકિસ્તાની સેના સતત સરહદ પારથી આતંકીઓ મોકલતી રહે છે. જમ્મુ અને કાશ્મીરમાં ભારતીય સેના હંમેશા શાંતિ ઈચ્છે છે, પણ પાકિસ્તાની સેનાના દુષ્કૃત્યો સામે જવાબ આપવો અને દેશનાં હિતમાં પગલાં લેવા જરૂરી બની ગયા હોવાથી આ નિર્ણય ભારતીય સેના દ્વારા લેવામાં આવ્યો છે. ભારતીય સેનાએ સતત નોંધ્યું હતું કે પાક. સેના LOC પરનાં ગ્રામીણોને નિશાન બનાવીને તેમને સતત હેરાન કરે છે.
બે આતંકી ઠાર
જમ્મુ કાશ્મીરમાં નૌગામ સેક્ટરમાં અંકુશ રેખા નજીક ફરી એકવાર જવાનો અને આતંકવાદીઓ વચ્ચે ૨૧મીએ અથડામણ થઈ હતી. આ દરમિયાન જવાનોએ બે આતંવાદી ઠાર માર્યા હતા, જ્યારે એક જવાન શહીદ થયા હતા.
૨૦મીએ મોડી સાંજે પણ આતંકવાદીઓએ ઘૂસણખોરીનો પ્રયાસ કર્યો હતો. એ વખતે પણ બે આતંકવાદીને ઠાર માર્યા હતા અને એક જવાન શહીદ થયા હતા. આમ, આતંકવાદીઓનો મૃત્યુઆંક કુલ ચારે પહોંચ્યો છે, પરંતુ કુલ ત્રણ જવાન શહીદ થતાં સેનાએ દુ:ખ વ્યક્ત કર્યું હતું.


comments powered by Disqus