મા નર્મદાનાં નીર કચ્છમાં હરિયાળી ક્રાંતિ સર્જશે

Wednesday 24th May 2017 06:14 EDT
 
 

ભુજઃ કેવડિયાથી ૬૦૦ કિલોમીટરની લાંબી મજલ કાપીને નર્મદાનાં નીર આજે કચ્છમાં પહોંચ્યા છે ત્યારે તેના થકી કચ્છમાં હવે હરિત ક્રાંતિ થશે અને દુષ્કાળને દેશવટો મળશે એવો વિશ્વાસ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કચ્છના ભચાઉ ખાતે ટપ્પર ડેમની કેનાલમાં નર્મદાનાં નીરને વહાવીને તેનાં વધામણાં કરતાં વ્યક્ત કર્યો હતો.
ગુજરાતના બે દિવસના પ્રવાસે આવેલા વડા પ્રધાન મોદીએ સોમવારે ભચાઉમાં પમ્પિંગ સ્ટેશનમાં નર્મદા નહેરની કચ્છ શાખામાં પાણી વહાવ્યા બાદ વિશાળ જાહેર સભાને સંબોધતાં કહ્યું હતું કે નર્મદાનું આ પાણી આવતાં કચ્છમાં દુષ્કાળ હવે ભૂતકાળ બનશે. આ પાણી કચ્છ માટે નવી શકિત લઇને આવ્યું છે.
ગુજરાતની મુલાકાતના પ્રથમ દિવસે સોમવારે કચ્છ ખાતે કંડલા અને ભચાઉના બંનેય કાર્યક્રમોમાં વડા પ્રધાન મોદીએ કચ્છની વિશેષતાઓ અને પ્રજાની ખુમારીને બિરદાવીને કચ્છના પોતાના અનેક સંસ્મરણો વાગોળીને આ જિલ્લા પ્રત્યેના પોતાના અપાર પ્રેમને વ્યક્ત કર્યો હતો.
વીજળી નહીં, પાણી જરૂરી
ભચાઉમાં જાહેરસભાને સંબોધતાં વડા પ્રધાને કહ્યું હતું કે કચ્છને વીજળી નહીં, પાણીની વિશેષ જરૂર છે. હું ગુજરાતનો મુખ્ય પ્રધાન હતો ત્યારે પાણી આપવા પર ભાર મૂકતો હતો, જે ઘણા લોકોને ગમતું નહીં, પણ આજે પાણીને લીધે કચ્છની કેસર કેરીની વિદેશમાં નિકાસ થાય છે.
દેશવિદેશમાં રહેતા કચ્છીભાઇઓને કચ્છમાં વરસાદ પડ્યો કે નહીં / ટપ્પર ડેમ ભરાયો કે નહીં એની ચિંતા હોય છે. એટલે જ આજે એવો સુયોગ થયો છે કે એક બાજુ પમ્પિંગ સ્ટેશન કાર્યરત થતાં કેનાલમાં નર્મદાનાં પાણી વહ્યાં છે અને ‘સૌની’ યોજના થકી કચ્છના ટપ્પર ડેમમાં પાણી આવ્યું છે.
ટપ્પર હવે ટક્કર મારે એમ તૈયાર થઇ રહ્યો છે. હવે હું કચ્છમાં મોટું રિવોલ્યુશન જોઈ રહ્યો છું. નર્મદાનાં નીરની તાકાતથી કચ્છના આ વાગડ પ્રદેશની ખેતી હવે શિયાળુ પાકથી લહેરાશે.
મા નર્મદાના અવતરણથી ૧૦ વર્ષ પહેલાં ભચાઉમાં જમીનનો ભાવ એકર દીઠ રૂ. ૪૦ હજાર હતો, જે આજે વધીને રૂ. પાંચ લાખ થઇ ગયો છે. હવે પાણી આવતાં કચ્છના સિંચાઇ વિસ્તારમાં વધારો થશે.
ભચાઉમાં નર્મદા નીરને કેનાલમાં વહાવ્યા બાદ વડા પ્રધાને જાહેર સભાને સંબોધતા સુપ્રસિદ્ધ જૈન તીર્થ મહુડીના સંસ્થાપક જૈન સંતશ્રી બુદ્ધિસાગરસુરીશ્વરજીને ખાસ યાદ કર્યા હતા. તેમણે કહ્યું હતું કે વર્ષો પહેલાં મહારાજ સાહેબે જે કહેલું તે આજે સાચું પડી રહ્યું છે. તેમણે કહ્યું હતું કે એક સમય એવો
આવશે કે જ્યારે પીવાનું પાણી કરિયાણાની દુકાને વેચાતું હશે.
વડા પ્રધાને કહ્યું હતું કે લોથલમાં વિશ્વકક્ષાનું મ્યુઝિયમ બને તેવા નીતિન ગડકરીના સ્વપ્નને પણ સાકાર કરવામાં આવશે.
અમરકંટકથી કચ્છ પહોંચ્યો છું
ભચાઉમાં વડા પ્રધાન મોદીએ કહ્યું કે જ્યાંથી નર્મદા નદીનું ઉદ્ગમ થાય છે એ મધ્ય પ્રદેશના અમરકંટક અને જ્યાં સુધી નર્મદામૈયાનાં નીર પહોંચે છે એવા ગુજરાતના કચ્છ, એમ બંને સ્થળે ઉપસ્થિત રહેવાનો મને મોકો મળ્યો છે.
તેમણે કહ્યું હતું કે મેં અમરકંટકમાં પ્રાર્થના કરી હતી અને આજે હું અહીં કચ્છમાં નર્મદાનાં નીરને આવકારી રહ્યો છું.
ર૪ નહીં, ૧૮ માસમાં રોડ બનાવો
કંડલામાં ચાલી રહેલા વિકાસનાં કામમાં માત્ર ર૪ મહિનામાં રોડ તૈયાર કરવામાં આવશે તેવી શિપિંગ પ્રધાન નીતિન ગડકરીની જાહેરાતનો ઉલ્લેખ કરતાં વડા પ્રધાને સૂચન કર્યું હતું કે આ કામ ઝડપથી પાર પાડવું જોઇએ. તેમણે ગડકરીના વિભાગની માર્ગ નિર્માણની કાર્યક્ષમતાનાં વખાણ કરવાની સાથે સાથે એવી માર્મિક ટકોર પણ કરી હતી કે, ગડકરીજી ગુજરાતમાં રોડ બનાવવા ઉપર વિશેષ ધ્યાન આપે તેમજ કંડલામાં જે રોડ તૈયાર થાય તે ર૪ માસ નહીં, પરંતુ ૧૮ માસમાં બનાવે. આમ કહીને ગડકરી આ લક્ષ્યાંક પાર પાડી શકશે તેવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો.
ર૦રર સુધીમાં તમામને ઘર
કંડલા પોર્ટનું નામ બદલીને પં. દિનદયાલ ઉપાધ્યાય પોર્ટ - કંડલા કરવા અંગેનું સૂચન કરતાં મોદીએ વર્ષ ર૦રર સુધીમાં દેશનાં તમામ ગરીબોને વીજળી, પાણી જેવી પાયાની સુવિધાવાળાં આવાસ મળી જાય તે દિશામાં સરકારનો પ્રયાસ અને જોર રહેશે તેમ પણ જણાવ્યું હતું.
નર્મદાને પુષ્પોથી વધાવતા મોદી
ભચાઉમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું આગમન થતાં જ સભાસ્થળે તે દૃશ્ય નિહાળતાં કચ્છીમાડુંઓએ હર્ષોલ્લાસ સાથે ભારત માતા કી જયનો ઘોષ કર્યો હતો. સવા પાંચ વાગ્યે મુખ્ય પ્રધાન વિજય રૂપાણી તથા નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે સ્વાગત કર્યું હતું. નરેન્દ્ર મોદીએ સમ્પનું ઉદ્ઘાટન કર્યું તે સાથે મા નર્મદાનાં નીર વહેતાં થતાં કેટલાક કચ્છીઓની આંખમાંથી હરખનાં આંસુ સરી પડયાં હતાં. નર્મદા નીરનાં વધામણાં વડા પ્રધાને પુષ્પ-પાંદડીથી કરી વંદન કર્યાં હતાં.
કીં આયો કચ્છી માડું
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમનાં પ્રવચનની શરૂઆત કચ્છી ભાષાથી કરી હતી. કચ્છી માડુંઓની ખબર પૂછતાં તેમણે કહ્યું કે, કીં આયો કચ્છી માડું અને ત્યાર બાદ કેડી આય ગરમી કચ્છમેં અને તે સાથે તાળીઓનો ગડગડાટ શરૂ થઈ ગયો હતો. વડા પ્રધાનનું ઉષ્માભેર સ્વાગત કરવા લઘુ ભારત સ્વરૂપે જુદા જુદા સમાજના લોકો, ભાજપના આગેવાનો રસ્તા ઉપર ઉમટી પડયાં હતાં.
કોંગ્રેસી નેતાની ઉપસ્થિતિ
ભચાઉ ખાતેના કાર્યક્રમમાં રાજ્યના ભૂતપૂર્વ નાણાં પ્રધાન અને રાપરના પૂર્વ ધારાસભ્ય બાબુભાઇ શાહ હાજર રહ્યા હતા. શંકરસિંહ વાઘેલા સાથે સારા સંબંધ ધરાવતા મૂળ ભાજપના એવા બાબુભાઇ પણ કોંગ્રેસ સાથે છેડો ફાડે તેવું મનાઇ રહ્યું છે. જોકે બાબુભાઇએ જણાવ્યું હતું કે પોતે નર્મદા માટે હકારાત્મક વલણ ધરાવતા હોવાથી નર્મદા નિગમના કાર્યક્રમને માન આપીને ભચાઉમાં વડા પ્રધાનના કાર્યક્રમમાં હાજરી આપી હતી.


comments powered by Disqus