અમદાવાદઃ દુબઇથી મુંદ્રા પોર્ટ પર પરમ ઇક્વિપમેન્ટ પ્રાઇવેટ લિમિટેડના કન્સાઇનમેન્ટમાં ઈંડાના ઉછેર માટેના ઉપકરણોની ફ્રેમની અદર છુપાયેલું દાણચોરીનું રૂ. ૧૪ કરોડનું ૪૪ કિલોગ્રામ સોનું ગાંધીધામ ડીઆરઆઇએ ૨૧મીએ જપ્ત કર્યું છે. આ કચ્છ ગાંધીધામમાં અત્યાર સુધીનું સૌથી મોટું સોનાની દાણચોરીનું કૌભાંડ છે.
આ કૌભાંડમાં સંકળાયેલા દિલ્હીના હરનેક સિંઘની તેના રહેઠાણેથી ધરપકડ કરાઈ છે. હરનેકે દોઢ વર્ષમાં ૧ હજાર કિલોગ્રામ સોનું મંદ્રા પોર્ટ પર આયાત કરીને દેશના લોકલ માર્કેટમાં બ્લેકમાં વેચી દીધું છે જેની તપાસ ચાલી રહી છે. દોઢ વર્ષમાં ૩૦૦ કરોડનું દાણચોરીનું સોનું મુંદ્રા પોર્ટથી નીકળીને દિલ્હી કેવી રીતે પહોંચ્યું તેની પૂછપરછ ચાલે છે. અગાઉ મુંદ્રા પોર્ટ પરથી ૫૫ કિલો સોનું દિલ્હી પહોંચ્યું હતું. જેની બાતમી દિલ્હી ડીઆરઆઇને થતાં ૫૫ કિલો સોનું જપ્ત કરાયા બાદ ડીઆરઆઇની વોચ હતી. દિલ્હીના હરનેક સિંઘનું બીજું કન્સાઇનમેન્ટ દુબઇથી મુંદ્રા પોર્ટ આવી રહ્યાની બાતમીના આધારે પરમ ઇક્વિપમેન્ટ પ્રાઇવેટ લિમિટેડના કન્સાઇનમેન્ટની તપાસ કરાઇ હતી. કન્ટેનરમાં આવેલા ઉપકરણોમાં ઇલેક્ટ્રિક ડ્રિલિંગ પછી તેનાં પાર્ટસ જુદાં કરતાં તેની અંદરથી ૪૪ કિલો સોનાના બિસ્કીટ મળ્યા હતા. હરનેક સિંઘનો સાળો હરબીર સિંઘ દુબઇમાં જ રહે છે. તે ત્યાંથી સોનું પેક કરીને કન્સાઇનમેન્ટ મુંદ્રા મોકલે છે અને મુંદ્રાથી દાણચોરીનો સામાન દિલ્હી આવતો હતો. હરનેક દાણચોરીનું સોનું દિલ્હીના બ્લેકમાર્કેટમાં ઊંચા ભાવે વેચતો હતો.

