અમદાવાદઃ રાજ્યમાં સત્તાવાર ચોમાસા પહેલાં જ પ્રિ-મોન્સુન જામી ગયું છે. ૨૨મીએ બે વ્યક્તિનાં અને ૨૧મીએ છનાં મળીને બે દિવસમાં આઠ નાગરિકોએ વરસાદમાં જીવ ગુમાવ્યાં છે. અમદાવાદ, વડોદરા, ખેડા-નડિયાદ પંથકમાં વાઝડી અને વીજળીના કડાકા-ભડાકા સાથે કમોસમી વરસાદથી કેરી, બાજરીના પાકને નુકસાન થયું છે. વડોદરા શહેરમાં ૨૧મીએ બે વ્યક્તિના મોત થયાં હતાં. નડિયાદના મહુધા તાલુકાના બગડુ ગામે પીપળાનું વૃક્ષ ધરાશાયી થતાં આધેડનું, માતર-નાયકા રોડ ઉપર વાન ઉપર ઝાડ પડતાં બે વ્યક્તિના, ઠાસરા તાલુકાના બાધરપૂરા નજીક પણ વાવાઝોડાને કારણે સર્જાયેલા અકસ્માતમાં ૧ વ્યક્તિનું મોત થયું હતું. કરજણ તાલુકાના સીમળી ગામની ભાગોળે કંથારીયા રોડ પર લટકતા વીજ પ્રવાહના વાયરને ડંડા વડે ઊંચો કરવા જતાં એક બેન્ડવાજા વાળાને કરંટ લાગતાં તેનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. ગોધરાના સારંગપુરની મહિલા પતરું વાગવાથી મૃત્યુ પામી હતી. કાલોલ- ગોધરાના અન્ય ત્રણ વ્યકિત ઇજાગ્રસ્ત થયા છે. ગોધરા ડિવિઝન વર્તુળમાં વીજ કંપનીના ૩૦ વીજ પોલ ધરાશાયી થયા છે. ગોધરા રામસાગર તળાવ મધ્યમાં આવેલ ૨૦ ફૂટ ઊંચી સ્વામી વિવેકાનંદની પ્રતિમા પણ ધરાશાયી થઇ છે. વડોદરા શહેરમાં ૨૧મીએ રાત્રે વાવાઝોડા સાથે વરસાદના લીધે કમાટીબાગમાં આવેલા ડેપ્યુટી મ્યુ.કમિશ્નરના બંગલા નજીક તેમજ શહેરમાં ૪૧ સ્થળોએ ઝાડ પડયા હતા. જેમાં ૨ કાર, ૨ બાઈક, ૧ સ્કૂટીને નુકસાન થયું હતું. કલોલ શહેરમાં એક વ્યક્તિને ઉડતું પતરું વાગતા ઈજા થઈ હતી.
મધ્ય ગુજરાતમાં રવિવારે ફુંકાયેલા ભારે વાવાઝોડાંના પગલે ખેડા અને આણંદ જિલ્લા તથા પંચમહાલ, દાહોદ, મહીસાગર જિલ્લાના ૨૫૦ ઉપરાંત ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો હતો. કેટલાક ગામોમાં ૨૪ કલાક થવા છતાં હજી પૂર્વવત વીજ પુરવઠો પહોંચી શક્યો ન હોવાની ફરિયાદો ઉઠી છે. સૌથી વધુ અસર નડિયાદ સર્કલ અને ગોધરા સર્કલમાં આવતા ગામોમાં થયું હતું.

