લશ્કરની જીપ સાથે અરુંધતીને બાંધવા જોઈએઃ પરેશ રાવલ

Wednesday 24th May 2017 08:35 EDT
 
 

નવી દિલ્હીઃ એક્ટર અને ભાજપના સાંસદ પરેશ રાવલે ‘પથ્થરબાજોને બદલે લેખિકા અરુંધતી રોયને સૈન્યની જીપ સાથે બાંધવી જોઈએ’ એવું તાજેતરમાં ટ્વિટ કરીને એક નવા વિવાદને જન્મ આપ્યો છે. સુરક્ષા દળો દ્વારા કાશ્મીરમાં ટોળાં સામે માનવ છત્ર તરીકે એક વિદ્યાર્થીને જીપ સાથે બાંધવાની ઘટનાને અરુંધતીએ વખોડી એ સંદર્ભે પરેશ રાવલે આ ટ્વિટ કર્યું હતું. પરેશ રાવલની ટ્વિટની ઘણાએ આકરી ટીકા કરી હતી અને કેટલાકે તેમના પર હિંસાને ઉત્તેજન આપવાનો આરોપ મૂક્યો હતો. જોકે ટ્વિટને ૩ હજારથી વધુ વાર રિટ્વિટ પર કરાયું છે અને ૬ હજારથી વધુ લાઈક્સ પણ મળી છે. ટ્વિટર પર રાવલની ટ્વિટને ટેકો આપતાં એકે સૂચન કર્યું છે કે, બુકર પ્રાઈઝ વિનર લેખિકાને બદલે મહિલા પત્રકારોને પણ એ રીતે બાંધવી જોઈએ ત્યારે રાવલે કહ્યું હતું કે, આપણી પાસે એવી ઘણી બધી પસંદગી છે. કોંગ્રેસના મહામંત્રી દિગ્વિજય સિંહે આ બાબતે ભાજપ પર કટાક્ષ કરતાં ટ્વિટ કરી હતી કે, જેણે ભાજપ-ટીડીપીનું ગઠબંધન કરાવ્યું તે માણસને કેમ નહીં? કેટલાક યુઝર્સે રાવલને ટિપ્પણી કરી હતી કે જો તમે ભણ્યા-ગણ્યા હોત તો તમે માણસ બની શક્યા હોત.


comments powered by Disqus