ગાંધીનગરઃ આદિશ્વર કોલેજ ઓફ ટેકનોલોજી, વિનસ-ભોંયણ ગાંધીનગરમાં અભ્યાસ કરતા સેમેસ્ટર-૮ના વિદ્યાર્થી શંકર, હરદીપ, હિરેન અને હર્ષદે પોતાના પ્રોજેક્ટમાં હાથ વડે ચાલતી દિવ્યાંગ સાયકલ બનાવી છે જે બજારમાં વેચાતી દિવ્યાંગ સાયકલ કરતાં ઓછા બળથી ચાલી શકે છે. ‘પુશ એન્ડ પુલ’ સિદ્ધાંતથી આ સાયકલ તૈયાર કરાઈ છે. જૂની સાઈકલની ડિઝાઈન પ્રમાણે સાયકલ ચલાવતી વખતે ચાલકે એક હાથ વડે પેડલ અને બીજા હાથ વડે સ્ટિયરિંગ વ્હિલ સંભાળવું પડતું હતું જેથી સાયકલનું સંચાલન મુશ્કેલ બનતું હતું. હવે નવી ડિઝાઈનમાં બંને હાથનો ઉપયોગ કરવાથી ઓછું બળ વપરાય છે. વળી સ્ટિયરિંગનો ઉપયોગ હેન્ડ તરીકે કરી શકાય એવી વ્યવસ્થા છે. આ કારણે આ સાયકલ ખૂબ જ આરામદાયક અને સરળ બની ગઈ છે. વળી તે પરંપરાગત સાયકલ કરતાં વધુ ઝડપી છે.

