વિશ્વના પાંચ કરોડ વૈષ્ણવ કુટુંબને સંગઠિત કરવાનું અભિયાન

Wednesday 24th May 2017 08:07 EDT
 

મોરબીઃ મોરબીના આંગણે સૌપ્રથમ વાર વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન દ્વારા યુવા વૈષ્ણવાચાર્ય વ્રજકુમારજીના સાંનિધ્યમાં કૃષ્ણ ભગવાનની દિવ્ય લીલા આધારિત નાચન કૃષ્ણ, નચાવત ગોપી સંગીતમય નૃત્યનાટિકા (કૃષ્ણ માય લવ)નું આયોજન શનાળા રોડ પર રત્નકલા મેદાનમાં કરાયું હતું.
જેમાં કૃષ્ણ ભગવાનની લીલા વિવિધ પ્રસંગો આવરી લેવાયાં હતા. શહેરીજનોએ કાર્યક્રમને મન મૂકીને માણ્યો હતો. ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા, ઉમિયા સિદસર મંદિરના પ્રમુખ જેરામભાઈ વાંસઝાલિયા, મોરબી સિરામિક એસોસિએશન પ્રમુખ કે. જી. કુંડારિયા, નિલેશભાઈ જેતપરિયા કિરીટભાઈ પટેલ, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ બ્રિજેશ મેરજા, લલિતભાઈ કગથળા સહિત અગ્રણીઓ આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતાં.
કૃષ્ણ સંસ્કાર વર્લ્ડના પ્રચાર માટે મોરબીમાં બે મહિના પહેલાં ધર્મયાત્રા યોજાઈ હતી. આ કાર્યક્રમમાં બાન લેબ. પ્રા. લિ. મોરબી સિરામિક એસો., સાત સ્વરૂપ હવેલીનો સહયોગ મળ્યો હતો. મોરબીના આંગણે પહેલી જ વાર આવેલા યુવા વૈષ્ણવાચાર્ય વ્રજરાજ કુમારજીએ મીડિયાને જણાવ્યું હતું કે, વલ્લભ યુથ ઓર્ગેનાઈઝેશન દ્વારા વિશ્વના પાંચ કરોડ વૈષ્ણવ પરિવારને સંગઠિત કરવાનું ભગીરથ અભિયાન હાથ ધરાયું છે. ૫૩૦ વર્ષ પહેલાં પુષ્ટિ સંપ્રદાયના સ્થાપક વલ્લભાચાર્યજીએ માનવસૃષ્ટિને કૃતાર્થતાનો સર્વોત્તમ માર્ગ બતાવ્યો છે. વલ્લભ મહાપ્રભુજીનું અઘરું કાર્ય પૂરું કરવા તેમની ૧૮મી પેઢીના વંશજ વ્રજરાજકુમારજી કાર્યરત છે. રાજકોટ જિલ્લાના ચોરડી પાસે ૧.૨૫ એકરમાં રૂ. ૫૦૦ કરોડના ખર્ચે કૃષ્ણ સંસ્કાર વર્લ્ડ તૈયાર થઈ રહ્યું છે. કૃષ્ણ માય લવના માધ્યમથી પૂરા વિશ્વને કૃષ્ણમય બનાવવા મહાઅભિયાન હાથ ધરાયું છે. આ સંસ્થા દ્વારા વ્યસનમુક્તિના કાર્યક્રમ પણ યોજાશે.


comments powered by Disqus