ગાંધીનગરઃ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને વિરોધપક્ષના નેતા શંકરસિંહ વાઘેલા કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાય તેવી જોરદાર અટકળો ચાલી રહી છે ત્યારે ૨૦૧૪ની લોકસભાની ચૂંટણીમાં ભાજપના વિજય અને નરેન્દ્ર મોદીની વડા પ્રધાનપદે તાજપોશીના નિર્ણય બાદ તત્કાલીન મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીને વિદાય આપવા માટે ગુજરાત વિધાનસભાના ખાસ સત્રમાં તત્કાલીન અધ્યક્ષ વજુભાઈ વાળાએ વિરોધપક્ષના નેતા શંકરસિંહ વાઘેલા અંગે કરેલી ભવિષ્યવાણીનો વીડિયો સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યો છે.
આ વીડિયોમાં વજુભાઈના ઉચ્ચારણોથી સમગ્ર ગૃહમાં હાસ્યની છોળો ઊડી હતી અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ પણ પોતાનું હાસ્ય રોકી શક્યા ન હતા અને ખડખડાટ હાસ્ય વેરતા નજરે પડે છે.
વાઈરલ વીડિયોમાં વજુભાઈ વાળા વડા પ્રધાનપદે પહોંચેલા નરેન્દ્ર મોદી અને શંકરસિંહની સરખામણી કરતા કહે છે કે, અત્યારે નરેન્દ્રભાઈ અને શંકરસિંહ બંને જુદા જુદા રાજકીય પક્ષોમાં છે, પરંતુ બંને સંઘ (RSS)ના સ્વયંસેવકો છે. બંનેની વિચારધારા એક જ છે. એટલે કે, મગની બે ફાડ જુદી જુદી હોય તો પણ મૂળ તો મગના જ હોય! કાશ્મીરી પંડિતો અને અરુણાચલ પ્રદેશમાં ચીનની ઘૂસણખોરીના મુદ્દાનો ઉલ્લેખ કરતાં તેઓએ આગળ કહ્યું કે દેશની આવી સમસ્યાઓની ચિંતા બંને નેતાઓના મનમાં છે. રાજકારણમાં પક્ષપલટાને સહજ ગણાવતા તેમણે કાઠિયાવાડી લહેકામાં કહેવત ટાંકતા કહ્યું કે, ‘આજે ભલે બંને જુદા જુદા પક્ષમાં હોય પરંતુ ‘ડાંગે માર્યા પાણી જુદા ન થાય’ આજ નહીં તો કાલે ભેગા થવાના છે, અત્યાર સુધીમાં મોટા ભાગના ભેગા થઈ ગયા છે અને બાકી રહી ગયા છે એ આજે નહીં તો કાલે ભેગા થવાના જ છે!! ભાજપનું ગોત્ર ધરાવતા વાઘેલા ફરીથી ભાજપમાં જાય તેવી અટકળો સમયે આ વીડિયોથી અનેક લોકો વાઘેલાનો ભાજપ પ્રવેશ નિશ્ચિત માની રહ્યા છે.
આ વિડીયો જોવા માટે આ લિંક પર ક્લીક કરો. https://www.youtube.com/watch?v=SkGLyjN2i8U

