• રાજ્યમાં વાર્ષિક ૧.૨૫ લાખ નવાં કૃષિ વીજજોડાણની જાહેરાત: ગોંડલ શહેરના માર્કેટિંગ યાર્ડમાં મુખ્ય પ્રધાન વિજયભાઈ રૂપાણીના હસ્તે કૃષિ મહોત્સવને ૧૯મીએ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. આ પ્રસંગે રૂપાણીએ જણાવ્યું હતું કે, ૨૦૧૩ સુધીના તમામ અરજદારોને ૨૦૧૭ સુધીમાં કનેકશનો મળશે. ઉપરાંત એ પછી પણ ૧.૨૫ લાખ નવા જોડાણો અપાશે. રૂપાણીએ રાજ્ય સરકારને ખેડૂતો અને ગરીબોની સરકાર ગણાવી હતી.
• ‘શાકભાજીમાં પેસ્ટિસાઇડના પ્રમાણનું પરીક્ષણ થશે’: બજારમાં વેચતા કમોસમી શાકભાજીમાં જંતુનાશક દવાની માત્રા જરૂર કરતાં વધારે હોવાનો રિપોર્ટ મીડિયામાં આવતાં રાજ્યના આરોગ્ય પ્રધાન શંકર ચૌધરીએ આરોગ્ય વિભાગને રાજ્યમાં જુદી જુદી જગ્યાએથી શાકભાજીના નમૂના લઈને તેની ચકાસણી કરવા માટે ૧૮મીએ આદેશ આપ્યાં હતાં. શંકર ચૌધરીએ જણાવ્યું હતું કે, શાકભાજીને જંતુઓથી બચવા માટે વપરાતા જંતુનાશકો સ્વાસ્થ્ય માટે હાનિકારક છે, પરંતુ આજ દિન સુધી તેના પર કોઈ ટેસ્ટ થયો નથી. રાજ્ય સરકારે નિર્ણય લીધો છે કે હવે શાકભાજીના નમૂનાઓને ચકાસીને યોગ્ય પગલાં લેવામાં આવશે.
• સિઝેરિયન વખતે પેટમાં રૂમાલ ભૂલી જનારાં તબીબને દંડ: પારૂલ ઠાકોર નામનાં પ્રસૂતા જાન્યુઆરી ૨૦૦૩માં સુરતનાં અડાજણમાં આવેલા કુશલ પ્રસૂતિગૃહના ડો. હિના પરીખની હોસ્પિટલે ડિલિવરી માટે દાખલ થયાં હતાં. ત્યાં સિઝેરિયનથી બાળકીનો જન્મ થયો હતો. ડિલિવરીના ત્રણ દિવસ બાદ પારૂલનું પેટ અચાનક ફૂલી ગયું હતું. જોકે આ દર્દ અવગણીને ડોક્ટરે ૧૩ દિવસ પછી પારૂલને હોસ્પિટલમાંથી રજા આપી દીધી. જોકે સતત દુઃખાવો રહેતાં પારૂલ ડો. હિના પાસે ગયા ત્યારે ડોક્ટરે દર્દીને અન્ય ડોક્ટરને બતાવવાનું કહ્યું. દુઃખાવથી પરેશાન પારૂલબહેને અન્ય ડોક્ટર પાસે તપાસ કરાવી તો તેમનાં પેટમાં સિઝેરિયન વખતે રૂમાલ રહી જવાનું જણાયું. જોકે ડો. હિનાબહેન પાસે ફરી ઓપરેશન કરાવવાના બદલે અન્ય તબીબ પાસે સર્જરી કરાવી રૂમાલ બહાર કઢાવ્યો. જોકે પારૂલબહેને ડો. હિનાની બેદરકારીના કારણે સુરતના ગ્રાહક ફોરમમાં કેસ નોંધાવ્યો હતો. આ કેસનો ચુકાદો વર્ષ ૨૦૦૭માં દર્દીની તરફેણમાં આવ્યો હતો. જોકે ડોક્ટરે ગ્રાહક કમિશનમાં અપીલ કરીને ચુકાદાને પડકાર્યો હતો. કમિશનમાં પણ પારૂલબહેન તરફી ચુકાદો આવતાં ડોક્ટરની બેદરકારી સાબિત થયાનું કમિશને જણાવ્યું હતું. કમિશને ડોક્ટરને રૂ. એક લાખ ૯ ટકા વ્યાજ લેખે વળતર ચૂકવવાનો હુકમ કર્યો છે.
• ગુજરાત યુનિવર્સિટીના કુલપતિપદે ડો.હિમાંશુ પંડ્યા: ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ડો. એમ. એન. પટેલનો કાર્યકાળ પૂર્ણ થયા પછી કાર્યકારી કુલપતિનો હવાલો સંભાળનાર બોટની વિભાગના અધ્યાપક પ્રો. ડો. હિમાંશુ પંડ્યાની ૧૬મીએ શિક્ષણ વિભાગે ૧૭મા કુલપતિ તરીકેની નિમણૂક કરી છે.
