• ઉત્તરાખંડમાં ભેખડો ધસી, ૧૧,૦૦૦ યાત્રીઓ ફસાયા: ઉત્તરાખંડમાં શુક્રવારે અચાનક થયેલા ભૂસ્ખનને કારણે બદરીનાથ મુંદિરનાં દર્શન માટે ગયેલા ચાર ધામ યાત્રાનાં ૧૧૦૦૦ જેટલાં આસ્થાળુઓ માર્ગમાં જ અટવાઈ ગયા છે. રાજ્યના ચમોલી જિલ્લામાં મુખ્ય માર્ગ ઉપર શુક્રવારે એક વિશાળકાય ખડક નીચે ધસી આવ્યો હતો. અધિકારીઓના જણાવ્યા પ્રમાણે તાત્કાલિક અસરથી આ યાત્રા અટકાવી દેવામાં આવી છે અને મહિલાઓ, બાળકો સહિતના તમામ પ્રવાસીઓને આ રૂટ પરથી પસાર ન થવા માટે આદેશ કરી દેવાયો છે અને તેઓ જ્યાં રહેતા હોય ત્યાં જ થંભી જવા કહેવાયું છે.
• ઈસરોને એક કરોડ રૂપિયાનું ઈન્દિરા ગાંધી શાંતિ પારિતોષિક: શાંતિપૂર્ણ રીતે અને લોગભોગ્ય થાય એ રીતે અવકાશ સંશોધનો કરવા બદલ ઈસરોને વર્ષ ૨૦૧૪નું ઈન્દિરા ગાંધી શાંતિ પારિતોષિક આપવામાં આવ્યું હતું. ઈન્દિરા ગાંધી મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા આપવામાં આવતા આ પારિતોષિકમાં સર્ટિફેકટ, ટ્રોફી અને રૂ. એક કરોડની રાશિ આપવામાં આવે છે. ૧૮મી તારીખે યોજાયેલા સમારોહમાં ઈસરોના ચેરમેન કિરણકુમારે ઈસરો વતી આ ઈનામ સ્વિકાર્યું હતું. ઈન્દિરા ગાંધી મેમોરિયલ ટ્રસ્ટના ચેરપર્સન સોનિયા ગાંધી છે. માટે તેમની હાજરીમાં પૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહે આ સન્માન ઈસરોને આપ્યું હતું. વર્ષ ૨૦૧૪ માટે ઈનામ કોને આપવું એ નક્કી કરનારી સમિતિના અધ્યક્ષ ઉપરાષ્ટ્રપતિ હમીદ અન્સારી હતા. વર્ષ ૧૯૮૬થી આ પારિતોષિક અપાતું આવે છે. દુનિયાભરમાં તેનો વ્યાપ હોવાથી આ પારિતોષિક પ્રતિષ્ઠિત ગણાય છે.
• એક સાથે ત્રણ તલાક અમાન્યઃ ત્રણ તલાક મુદ્દે સુપ્રીમ કોર્ટની આકરી ટિપ્પણીઓ બાદ મુસ્લિમ પર્સનલ લો બોર્ડે પોતાની ચાલ બદલી લીધી છે. પ્રથાને મુસ્લિમોની આસ્થાનો વિષય ગણાવી ચૂકેલા બોર્ડે હવે કહ્યું છે કે શરિયતમાં ત્રણ તલાક અવાંચ્છિત પરંપરા છે. એક સાથે ત્રણ તલાક કહેનારા મુસ્લિમ સમુદાય માટે મુસીબત બની રહ્યા છે. તેમનો સામાજિક બહિષ્કાર કરાશે. બોર્ડે સોમવારે સુપ્રીમ કોર્ટમાં નવું સોગંદનામુ દાખલ કર્યું છે. તે પાછલા દિવસોમાં સુપ્રીમ કોર્ટમાં બોર્ડ દ્વારા અપાયેલી દલીલોથી અલગ છે. તેમાં કહેવાયું છે કે મહિલાઓને ત્રણ તલાક નહીં માનવાનો અધિકાર મળશે. તે માટે નવોઢા નિકાહનામામાં શરત જોડાવી શકશે. વિના કારણે ત્રણ તલાકનો ઉપયોગ રોકવા જાગૃતિ અભિયાન ચલાવાશે. લોકોને તેની સાચી રીત સમજાવીશું.
• ૩ જૂને ઈવીએમ હેક કરીને બતાવોઃ પાંચ રાજ્યોની ચૂંટણીનાં પરિણામોમાં ભાજપને બહુમતી પછી રાજકીય પક્ષોએ ઈવીએમ સાથે ચેડાં કરી શકા યચે તેવો આક્ષેપ કર્યો છે. આ વિવાદને શાંત પાડવા ચૂંટણી પંચે ૨૦મીએ ફરી એક વાર ઈવીએનું લાઇવ ડેમોસ્ટ્રેશન કર્યું હતું. પંચે રાજકીય પક્ષોને ખુલ્લો પડકાર ફેંક્યો હતો કે ૩ જૂને તેઓ ઈવીએમાં ચેડાં શક્ય છે તેવું પુરવાર કરી બતાવે. તામાન રાજકીય પક્ષોને ૪ કલાકનો સમય આપવામાં આવશે. તેઓ પાંચ રાજ્યોના ચાર ઈવીએમ હેક કરવા માટે પસંદગી કરી શકશે.
• કોલસા કાંડમાં પૂર્વ કોલસાસચિવ સહિત ત્રણને બે વર્ષની સજાઃ કોલસા કાંડમાં વિશેષ અદાલત દ્વારા પૂર્વ કોલસાસચિવ એચ. સી. ગુપ્તા સહિત ત્રણ અધિકારીઓને ૨૨મીએ બે વર્ષની સજા ફટકારાઈ હતી, ત્યારબાદ તમામ આરોપીઓને જામીન આપી દેવાયા હતા. ઉલ્લેખનીય છે કે, અગાઉ પૂર્વ કોલસાસચિવ એચ. સી. ગુપ્તા, મંત્રાલયના પૂર્વ જોઇન્ટ સેક્રેટરી કે. એસ. ક્રોફા અને પૂર્વ ડાયરેક્ટર કે. સી. સામરિયાને દોષિત જાહેર કરાયા હતા.
• ચાર રાયફલ લઈને ફરાર પોલીસ કોન્સ્ટેબલ હિઝબુલમાં જોડાયોઃ ચાંદપોરા વિસ્તારમાં ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (એફસીઆઈ)ના ગોડાઉનની સુરક્ષા માટે તૈનાત જમ્મુ-કાશ્મીર પોલીસનો કોન્સ્ટેબલ સૈયદ નાવેદ મુશ્તાક ચાર ઈન્સાસ રાયફલ લઈને ભાગી ગયો હતો. કાશ્મીરના બડગામ જિલ્લામાં ચાર રાયફલ લઈને ફરાર થઈ ગયેલો પોલીસ કોન્સ્ટેબલ આતંકી સંગઠન હિઝબુલ મુજાહિદ્દીનમાં જોડાયો હોવાનું જાણવા મળ્યું છે.
• ભાજપી સુશીલ મોદીએ સાંસદ શત્રુઘ્ન સિંહાને ‘ગદ્દાર’ કહ્યાાઃ સાંસદ શત્રુઘ્ન સિંહાએ લાલુ પ્રસાદ યાદવ અને કેજરીવાલની અગાઉ તરફેણ કરી હોવાથી ભાજપના જ નેતા સુશીલ મોદીએ તેમને ટ્વિટર પર ‘ગદ્દાર’ અને ‘શત્રુ’ ગણાવ્યા હતા. બિહારના ભાજપી સાંસદ શત્રુઘ્ન સિંહા અગાઉ પણ પોતાના પક્ષની વિવિધ મુદ્દે ટીકા કરતા આવ્યા છે. તેમણે ફરીથી સુશીલ કુમાર મોદીના નેગેટિવ રાજકારણ અંગે ઈશારો કરીને ભાજપે નેગેટિવ રાજકારણ બંધ કરવું જોઈએ એવી ટ્વિટ કરી હતી.
• અખિલેશ સરકારમાં લઘુમતીઓને મળતો ૨૦ ટકા ક્વોટા નાબૂદઃ યુપી સરકારના સમાજ કલ્યાણ વિભાગની તમામ યોજનાઓમાં લઘુમતીઓને અપાતો ૨૦ ટકા ક્વોટા સમાપ્ત થશે. વિભાગના પ્રધાન રમાપતિ શાસ્ત્રીએ આ ક્વોટાને નાબૂદ કરવા સહમતિ આપી છે. તેમણે કહ્યું હતું કે યોજનાઓમાં ક્વોટા આપવો યોગ્ય નથી. અમે તેને નાબૂદ કરવાના પક્ષમાં છીએ. સપા સરકારની કેબિનેટે પ્રારંભિક વર્ષોમાં જ ૨૦ ટકા ક્વોટાને મંજૂરી આપી હતી. તે માટે વિશેષ ગાઇડલાઇન પ્રસિદ્ધ કરાઈ હતી.
• ગુજરાતની ૩ સહિત રાજ્યસભાની ૧૦ બેઠકની ચૂંટણી રદઃ ચૂંટણીપંચે ૩જી જૂને શરૂ થઇ રહેલો ઇવીએમ પડકાર અને જુલાઇમાં યોજાનારી રાષ્ટ્રપતિપદની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને ગુજરાતની ૩ સહિત રાજ્યસભાની ૧૦ બેઠકની ૮મી જૂને યોજાનારી ચૂંટણીઓ મોકૂફ રાખી છે. ચૂંટણીઓ ગુજરાતની ૩, પશ્ચિમ બંગાળની ૬ અને ગોવાની એક સીટ માટે યોજાવાની હતી. ગુજરાતના રાજ્યસભાના ત્રણ સભ્યો કેન્દ્રીય ટેક્સટાઇલ પ્રધાન સ્મૃતિ ઇરાની (ભાજપ) કોંગ્રેસના અધ્યક્ષ સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર એહમદ પટેલ અને ભાજપના દિલીપ પંડયાનો કાર્યકાળ ૧૮મી ઓગસ્ટે પૂરો થવાનો છે.
• ઈઝરાયેલ ભારતને હાઈટેક ડિફેન્સ સિસ્ટમ આપશેઃ ભારત અને ઈઝરાયેલ વચ્ચે થયેલી ૬૩ કરોડ ડોલરની ડિફેન્સ ડિલ અંતર્ગત હવે ઈઝરાયેલ ભારતને મિસાઈલ ટેકનોલોજી સહિતના આધુનિક શસ્ત્ર-સંરજામ આપશે.
