દોઢ મહિના પહેલાં જ વડોદરામાં રેનસમવેર ત્રાટક્યો હતો
વડોદરાઃ વિશ્વભરમાં હાહાકાર મચાવનાર રેન્સમવેર વાઇરસના વર્ઝન-૧નો અનુભવ પાલિકાને દોઢ મહિના પહેલા થયો હતો, પરંતુ તેને ગંભીરતાથી લેવાની તસદી લેવામાં આવી નથી. સમગ્ર વિશ્વમાં ભારત સહિતના ૧૦૦ જેટલા દેશોમાં કમ્પ્યુટરમાં સંગ્રહિત ડેટા હેક કરીને પરત કરવા માટે કી મોકલવા માટે ખંડણીની માગ કરાઇ છે. પાલિકામાં આઇટી વિભાગ હસ્તકના ૫૦૦ કમ્પ્યુટર છે અને તે પૈકી ૨૦૦ કમ્પ્યુટરમાં ઇન્ટરનેટ-ઇન્ટ્રાનેટની સુવિધા ઉપલબ્ધ છે. રેન્સમવેર એટેકથી વડોદરા પાલિકા સહિતની સ્થાનિક સરકારી કચેરીઓમાં ડેટા બચાવવાની કામગીરી ચાલી રહી છે. જોકે, દોઢ મહિના પહેલા વડોદરા મહાનગરપાલિકાના આઇટી વિભાગના નેજા હેઠળના કમ્પ્યુટર રિપેરીંગમાં મુકાયા હતા ત્યારે એક કમ્પ્યુટરમાં રેન્સમવેર વર્ઝન-૧ વાઇરસ પ્રભાવિત કરે તેવી અજાણી લીંક સાથે ઇમેઇલ આવ્યો હતો. ટાણે, હેકર્સ દ્વારા ડેટા પરત કરવા માટે કી મોકલવા ૨૦૦ યુએસ ડોલરની ખંડણી માગવામાં આવી હતી. અલબત્ત, આ વાઇરસ દોઢ મહિના પછી વિકરાળ સ્વરૂપ ધારણ કરશે તેનો અંદેશો પણ પાલિકાના તંત્રને આવ્યો ન હતો.
• કોથળા ભરીને રૂ. ૫.૮૧ કરોડની જૂની નોટો પકડાઈઃ સુરતમાં રવિવારે પોલીસે પાંચ યુવાનોની રૂ. ૫.૮૧ કરોડની જૂની ચલણી નોટો સાથે પાંચની ધરપકડ કરી હતી. પાંચેય સુરતના એકને નાણાં આપવા આવ્યાનું કબૂલ્યું હતું. સુરતની પાર્ટી ૨૦ ટકાના ભાવે જૂની નોટો સ્વીકારવાનો હતો. ઝડપાયેલા પાંચમાંથી બે અમદાવાદ અને એક આણંદનો છે. પોલીસે રૂ. ૫,૮૧,૭૦,૫૦૦ની રૂ. ૫૦૦ અને રૂ. ૧૦૦૦ના દરની રૂ. ૯૪,૮૩૦ નોટ સાથે પાંચને પકડ્યા છે.
• ઠાસરામાં ૨૦૦ મુસ્લિમ અગ્રણીઓનો ભાજપ પ્રવેશઃ ખેડા પાસેના ઠાસરામાં લઘુમતીઓનું એક મહાસંમેલન યોજાયું હતું. જેમાં મહેસૂલ અને શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને ભાજપના લઘુમતી મોરચાના અધ્યક્ષ સૂફી સંતની હાજરીમાં ૨૦૦ જેટલા મુસ્લિમ અગ્રણીઓ ભાજપમાં જોડાયા હતા. ચુડાસમાએ કહ્યું હતું કે વિકાસના મુખ્ય પ્રવાહમાં મુસ્લિમો ભળી જાય. ઉત્તર પ્રદેશમાં વિકાસના મુખ્ય પ્રવાહમાં મુસ્લિમો ભળી ગયા છે, તેવી રીતે ગુજરાતમાં પણ ભળી જાય. કોંગ્રેસની નીતિની ટીકા કરતા ચુડાસમાએ કહ્યું હતું કે કોંગ્રેસે છેલ્લા ૬૦ વર્ષથી મુસ્લિમ સમાજને છેતર્યો છે. કોંગ્રેસ જ્યારે ખતરામાં હોય છે ત્યારે ઇસ્લામ ખતરામાં છે તેવું કહીને સમાજને ભડકાવે છે.
