• સગા બાપે બે દીકરાઓને ઝેર પીવડાવી પોતે પણ પીધુંઃ હળવદના સુંદરી ભવાની ગામમાં રહેતા ૩૦ વર્ષીય મશરૂ કુંભાણી (કોળી) ના દસ વર્ષ પહેલાં મંજુ નામની યુવતી સાથે લગ્ન થયા. મંજુએ બે પુત્રોને જન્મ આપ્યા પછી પાંચ વર્ષ પહેલાં ગર્ભવતી હતી ત્યારે પ્રસૂતિ સમયે તેનું મૃત્યુ થયું. મંજુના મૃત્યુ બાદ મશરૂ માનસિક રીતે ભાંગી પડયો હતો. મશરૂનાં પરિવાજનોએ તેના બીજા લગ્ન માટે પ્રયત્નો કર્યાં પણ મેળ ન પડયો. બીજી તરફ મંજુની યાદમાં મશરૂની માનસિક સ્થિતિ વધારે બગડતી જતી હતી. દરમિયાન વીસમી મેએ બાળકો સાથે ભોજન લીધા બાદ મશરૂએ બંને પુત્રો સંજય (ઉં.૯) અને રાહુલ ઉર્ફે મુન્ના (ઉં.૭)ને ઝેર પાઈ દીધું હતું. રાહુલને માથામાં ધારિયાંના ત્રણથી ચાર ઘા ઝીંકી દીધા. એ પછી પોતે પણ ઝેર પી લીધું હતું. બૂમબરાડાના કારણે પરિવારજનોને અને પાડોશીઓને ઘટનાની જાણ થતાં તાકીદે ત્રણેયને હોસ્પિટલે લઈ જવામાં આવતાં હતાં ત્યાં રાહુલનું રસ્તામાં મૃત્યુ થયું હતું. જ્યારે મશરૂ અને સંજયની હાલત નાજુક હોવાથી તેને મોરબી હોસ્પિટલમાં સારવાર પછી રાજકોટ હોસ્પિટલે અને ત્યાંથી વધારે સારવાર માટે અમદાવાદ ખસેડાયાં હતાં. જ્યાં તબીબે બન્નેની હાલત નાજુક હોવાનું કહ્યું હતું.
• યુવાનને કમર બેલ્ટ અને બે પર્સ રૂ. ચાર હજારમાં પડ્યાંઃ પોરબંદરના રાજીવનગરમાં આવેલા સત્યમપાર્કમાં ભાવેશ સાવલિયાને અજાણી મહિલાએ ફોન કરીને જણાવ્યું હતું કે, અમારી ખાસ સ્કીમ હેઠળ તમને રૂ. ૧૬૦૦૦નો સેમસંગ સેવન પ્રાઇમ મોબાઈલ માત્ર રૂ. ૪૦૦૦માં મળશે. તેનું પાર્સલ તમારે પોસ્ટ ઓફિસમાંથી છોડાવવાનું રહેશે. બેંકમાં કોઈ રૂપિયા ભરવાના રહેશે નહીં. પોસ્ટ ઓફિસમાં પાર્સલ મળે ત્યારે જ રૂપિયા ભરવાના રહેશે. ભાવેશે મોબાઈલ ઓર્ડર કર્યોને પોસ્ટ ઓફિસમાં રૂ. ૪૦૦૦ આપીને પાર્સલ ઓપન કર્યું. તેનું તેણે વીડિયો રેકોર્ડિંગ પણ કર્યું હતું. પાર્સલ ખોલ્યું ત્યારે તેમાંથી રૂ. ૧૬૦૦૦ના મોબાઈલને બદલે એક કમર બેલ્ટ અને બે પર્સ નીકળ્યા. યુવાને પોતે છેતરાયાની જાણ પોલીસને કરતાં પોલીસે વધુ તપાસ આદરી છે.
• ધોરાજીમાં ૬ કોંગી કાર્યકરોનો આત્મવિલોપનનો પ્રયાસઃ રોડ રસ્તાના કામમાં ભ્રષ્ટાચારની ફરિયાદ છતાં તપાસ હાથ ન ધરાઈ હોવાના આક્ષેપ સાથે તથા સ્ટેટ વિજિલન્સ મારફત તપાસ કરાવવાની માગ સાથે ૬ સામાજિક કાર્યકરોએ ૨૦મીએ આત્મવિલોપનનો પ્રયાસ કરતાં પોલીસે તેમની અટકાયત કરી હતી અને મામલો શાંત પડતાં તેમનાં જામીન મંજૂર કરાયા હતા. આ ઘટના અંગે સ્થાનિક કોંગ્રેસ મહામંત્રી ચિરાગભાઈ વોરાએ જણાવ્યું હતું કે, આ મુદ્દે મુખ્ય પ્રધાનને સંબોધીને લખાયેલું આવેદનપત્ર ડે. કલેકટરને પાઠવવામાં આવ્યું હતું. જેમાં ધોરાજી શહેરમાં ભૂગર્ભ ગટર તથા પાણીની લાઈનમાં કામો થયા બાદ તમામ રસ્તાઓની હાલત ખરાબ થયાનું જણાવ્યું હતું. છેલ્લા ૩ વર્ષથી આ સ્થિતિની ફરિયાદને તંત્ર અવગણતાં પ્રજામાં આક્રોશ છે.
• બોટાદમાં હાર્દિક પટેલ સહિત ૫૦ જેટલા કાર્યકરોએ મુંડન કરાવ્યુંઃ પાટીદાર સમાજ પર સરકાર દ્વારા જોહુકમી ચલાવી દમન ગુજારવાના વિરોધમાં પાટીદાર અનામત આંદોલન સમિતિ દ્વારા બોટાદમાં પાસનાં કન્વીનર હાર્દિક પટેલ સહિતના લોકોએ નારેબાજી કરી હતી. ભાવનગરથી બોટાદ સુધીની ન્યાયયાત્રામાં બોટાદ જિલ્લાના લાઠીદડ ગામે હાર્દિક પટેલ સહિત ૫૦ જેટલા પાસનાં કાર્યકરોએ માથે મૂંડન કરાવી ન્યાયયાત્રામાં ભાગ લીધો હતો. આ યાત્રામાં વિશાળ સંખ્યામાં પાટીદારો જોડાયા હતા. હાર્દિકે પાટીદાર સમાજ માટે આંદોલનને પૂરા વેગથી જારી રાખવા માટેની હાકલ કરીને કહ્યું હતું કે, સરકાર તરફથી પાટીદારોને રોકવા માટે ભલે પ્રયાસો થતાં પણ એક થઈને આપણે આપણો હક મેળવીને જ રહીશું.
• સિરામિક પર ઊંચા જીએસટી સામે વિરોધઃ જીએસટી કાઉન્સિલે ૧૨૧૧ ચીજોના નવા દર તાજેતરમાં જાહેર કર્યાં છે એ દર જો યથાવત રહે તો ૯૦ ટકા ઉત્પાદન ધરાવતી ગુજરાતમાં સિરામિક પ્રોડક્ટ મોંઘી થાય. સિરામિક કાઉન્સિલે સિરામિક પ્રોડક્ટને લક્ઝુરિયસ આઈટમ ગણીને ૨૮ ટકાના દરે જીએસટી સ્લેબમાં મૂકી છે. પ્રવર્તમાન દરથી સિરામિક પ્રોડક્ટ ૪થી ૧૦ ટકા મોંઘી થઈ જાય એવી સંભાવના છે. મોરબીના સિરામિક ઉદ્યોગકારોએ સરકારને દર નીચો લાવવા રજૂઆત કરવાનો નિર્ણય લીધો છે.
• જીલેટીન ટોટાનો બ્લાસ્ટ થતાં યુવાનના શરીરના ફુરચાઃ જસદણના પારેવાળામાં ૨૧મીએ સવારે જીલેટીન ટોટાનો બ્લાસ્ટ થતાં બાઈક પર પસાર થઈ રહેલા પારેવાળાના જ કોળી યુવાન મહેશ ગોવિંદભાઈ સાકરિયાના શરીરના ટુકડા ૬૦ ફૂટ દૂર સુધી હવામાં ઉડ્યાનું જાણવા મળ્યું હતું. આ અંગે ગામના સરપંચ પ્રદીપભાઈ ભાડલા પોલીસને જાણ કરતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. પોલીસને સ્થાનિકોએ જણાવ્યા મુજબ, મહેશ સાકરિયા બાઇક પર સવાર હતા ત્યારે જીલેટીનના ટોટાનો બ્લાસ્ટ થતાં ઘટના બની હતી.
• નાનજી કાલિદાસની જમીન પચાવવાનું કૌભાંડઃ પોરબંદરના જાણીતા ઉદ્યોગપતિ પરિવાર અને અભિનેત્રી જૂહી ચાવલાના સસરા નાનજી કાલિદાસ મહેતાની કલ્યાણપુર તાલુકાના રાણ ગામે આવેલી અંદાજે રૂ. ૫૦ કરોડની કિંમતની જમીન બોગસ દસ્તાવેજોના આધારે પચાવી પાડવાનો કારસો કરવાના આરોપસર જામનગરના વકીલ રાજેન્દ્રસિંહ ઉર્ફે રાજભા ઝાલા અને રાજસ્થાનના શિરોહીમાં રહેતા તેના મિત્ર પ્રફુલ્લગીરી ગોસ્વામીની અગાઉ ધરપકડ કરાઈ હતી. આ બન્નેની જામીન પર છોડવા કરેલી અરજી સ્થાનિક કોર્ટે ૨૧મીએ નામંજૂર કરી હતી.
