સૌરાષ્ટ્રમાં ઠેર ઠેર માવઠા થતાં ખેડૂતો મૂંઝવણમાં

Wednesday 24th May 2017 08:04 EDT
 
 

અમરેલીઃ સૌરાષ્ટ્રમાં રાજકોટ પંથકમાં જોરથી પવન ફુંકાવા સાથે ૧૨મીએ અને ૧૭મીએ વરસાદ ખાબક્યા પછી ૧૯મીએ અમરેલી જિલ્લાના ગામોમાં માવઠા થતાં ખેડૂતો પરેશાન થયા હતા. ૧૯મીએ લીલીયા, લાઠી પંથકમાં કમોસમી વરસાદ પહેલાં ૧૮મીએ રાજુલા પંથકમાં પણ માવઠું થયું હતું. ૧૯મીએ બપોરે સાવરકુંડલા પંથકમાં કરા અને પવન સાથે કમોસમી વરસાદ ખાબકતા માર્ગો પર પાણી વહેવા લાગ્યા હતા.
અમરેલી પંથકમાં વરસાદ થતાં વાતાવરણમાં ઠંડક ફેલાઈ હતી. સાવરકુંડલાનાં વીજપડીમાં ૧૯મીએ બપોર પછી કરા સાથે વરસાદ પડ્યો હતો જેને પગલે માર્ગો પર પાણી દોડવા લાગ્યા હતા. અહીં બાળકોએ કરા હાથમાં લઈને ગમ્મત કરી હતી. કરા અને પવન સાથે માવઠું ત્રાટક્યું હતું.
જોકે કમોસમી વરસાદના કારણે ખેડૂતોમાં ચિંતાની લાગણી જોવા મળી રહી છે. ખેડૂતોને માવઠાથી ડુંગળી, બાજરી અને કેરીના પાકને નુકસાની ભીતિ સતાવી રહી છે.

...તોય ભાઈશ્રીની કથાનો પ્રારંભ

સૌરાષ્ટ્રમાં જોતજોતામાં વીજળીના કડાકા સાથે અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ અને તોફાની પવનો ફૂંકાતા રેસકોર્સ ગ્રાઉન્ડમાં પંચનાથ મહાદેવ સાર્વજનિક ટ્રસ્ટ દ્વારા નિર્માણાધિન હોસ્પિટલના લાભાર્થે યોજાનારી ભાઈશ્રી રમેશભાઈ ઓઝાના ભાગવત કથાના સ્થળે પાણી ભરાઈ ગયાં હતાં. આ ઉપરાંત વિશાળ ડોમ તેમજ ભોજનાલય માટે ઉભા કરાયેલા મંડપોને પણ ભારે નુકસાન થયું જોકે કથા ૧૮મીથી રાબેતા મુજબ ચાલુ થઈ હતી.


comments powered by Disqus