હળવે હૈયે...

જોક્સ

Wednesday 24th May 2017 06:41 EDT
 

પત્નીથી પરેશાન નટુ એક દિવસ મિત્રો સાથેની શેરો-શાયરીની મહેફિલમાં ફસાઈ ગયો. તેના મિત્રો મોડી રાત સુધી શેરો-શાયરી, ગઝલો-ગીતો ગાતાં રહ્યાં. નટુને ત્યાંથી છટકવાની તક જ મળતી ન હતી. અંતે તે હિંમત કરીને મહેફિલમાંથી ઊભો થઈ ગયો. તેને ઊભો થતો જોઈને તેના મિત્ર ગઝલકાર ગટુએ તેને રોક્યો, ‘અરે, તું ક્યાં જાય છે? મને એક શે’ર યાદ આવે છે, જતાં જતાં સાંભળતો જા.’
નટુએ કહ્યું, ‘તને શે’ર યાદ આવે છે, પરંતુ મને શેરની (સિંહણ) યાદ આવે છે.’

દર્દી નટુનું હોસ્પિટલમાં ઓપરેશન કરવામાં આવ્યું. થોડા સમય પછી નટુએ આંખો ખોલતાં કહ્યું, ‘ડોક્ટર સાહેબ, શું મારું ઓપરેશન સફળ થયું?’
સામેની વ્યક્તિએ જવાબ આપ્યો, ‘થોડી ધીરજ રાખો. હું ડોક્ટર નહીં યમદૂત છું.’

કંપનીના મેનેજર નટુએ નોકરી માટે ઇન્ટરવ્યૂ આપવા આવેલા ગટુને પૂછયું, ‘તમારી સૌથી મોટી લાયકાત કઈ છે?’
ગટુએ જવાબ આપ્યો, ‘મારી પત્ની.’
મેનેજર નટુએ બીજો પ્રશ્ન પૂછયો, ‘તમારી સૌથી મોટી નબળાઈ કઈ છે?’
ગટુએ જવાબ આપ્યો, ‘અન્યોની પત્ની.’

ભૂલકણો નટુ બોલ્યો, ‘ડોક્ટર સાહેબ, મારા મગજમાં શું થઈ ગયું છે તે ખબર નથી. સવારે બ્રશ કરવા ટૂથપેસ્ટને બદલે શેવિંગ ક્રીમ હાથમાં આવી જાય છે. જ્યારે શેવિંગ કરવાનું હોય ત્યારે રેઝર પર પેસ્ટ લગાવી દઉં છું અને જ્યારે...’
તેની વાત અધવચ્ચે કાપતા ગટુ પાનવાળાએ કહ્યું, ‘અને જ્યારે ડોક્ટર પાસે જવાનું હોય છે ત્યારે પાનવાળા પાસે પહોંચી જાઓ છો.’

નટુએ લગ્ન કર્યાં. તેની પત્નીની રોજ છાપું વાંચવાની ટેવથી નટુ અને તેની મા પરેશાન થઈ ગયાં. આથી તેઓએ યોજના બનાવી કે સવારે ઝાડુથી કચરો કાઢવા માટે મા-દીકરો એકબીજા સાથે ઝઘડો કરશે. આથી આ જોઈને નટુની પત્નીનું દિલ પીગળી જશે અને તે જાતે જ ઘરનો કચરો કાઢવા લાગશે.
બીજા દિવસે સવારે યોજના મુજબ નટુએ તેની માને કહ્યું, ‘મા, ઝાડુ મને આપ. હું કચરો કાઢી નાખું છું.’
માએ નટુએ કહ્યું, ‘રહેવા દે બેટા, હું કચરો સાફ કરી નાખીશ.’
નટુ અને તેની માએ આ રીતે થોડી વાર સુધી કચરો કાઢવાનો આગ્રહ કર્યે રાખ્યો. આરામથી છાપું વાંચતી નટુની પત્નીએ તેઓને કહ્યું, ‘અરે, આમાં ઝઘડવાની શી જરૂર છે? બન્ને જણા પોતપોતાનો વારો નક્કી કરી લો ને.’

પ્રોફેસર નટુ ક્લાસમાં લેક્ચર આપી રહ્યા હતા. આ વખતે વિદ્યાર્થી ગટુ ક્લાસરૂમની બારીમાંથી બહાર જોઈ રહ્યો હતો. નટુએ ગટુને પૂછયુંઃ ‘તું શા માટે કોલેજમાં આવે છે?’
ગટુએ જવાબ આપ્યો, ‘વિદ્યા માટે.’
નટુએ તેને કહ્યું, ‘તો પછી ભણવામાં ધ્યાન આપને. બારીની બહાર શું કામ જુએ છે?’
ગટુએ ઘટસ્ફોટ કર્યો, ‘સર, વિદ્યા હજી આવી નથી.’


comments powered by Disqus