લેસ્ટરઃ લેસ્ટરથી બે માઇલ દૂર આવેલ માઉન્ટસોરેલમાં પોસ્ટ ઓફિસ ધરાવતા અતુલભાઇ બારોટ નામના પોસ્ટમાસ્ટરને માથામાં ઇજા પહોંચાડી બે લુંટારાઓએ મોટી રકમની લુંટ ચલાવતા સ્થાનિક લોકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. એક આરોપી ડેવીડ બ્લડ (ઉ.વ.૫૧)ને પોલીસે પકડીને કોર્ટમાં રજૂ કર્યો હતો. મળતી માહિતી મુજબ લુંટારાઓએ આશરે ૨૯ હજાર પાઉન્ડની લુંટ ચલાવી હતી. જોે કે પોલીસ તરફથી લુંટની રકમ અંગે કોઇ જાહેરાત કરાઇ નથી.
લુંટનો ભોગ બનેલા અતુલભાઇ બારોટે (ઉ.વ. ૪૨) જણાવ્યું હતું કે "ગત મંગળવાર તા. ૧૭ જાન્યુઆરીના રોજ સાંજે ૫-૩૦ કલાકે હું પોસ્ટ ઓફિસ બંધ કરવાની તૈયારી કરતો હતો ત્યારે બે લુંટારા દુકાનમાં ઘુસી આવ્યા હતા અને મને લોખંડના સળીયા જેવા શસ્ત્ર વડે ઇજા પહોંચાડી હતી. માથામાં થયેલ ઇજાના કારણે હું સાનભાન ગુમાવી બેઠો હતો અને તે તકનો લાભ લઇને લુટારા £૨૯,૦૦૦ની રકમ લુંટીને ભાગી છુટ્યા હતા. બન્ને લુંટારાઓ પૈકી એક મને સતત માર મારતો હતો અને બીજો લુંટારો અંદરથી રોકડ લઇ આવ્યો હતો.”
નજીકની દુકાનમાં કામ કરતા હેમિલ પટેલે જણાવ્યું હતું કે "અતુલભાઇએ દુકાનમાંથી બહાર આવીને હેલ્પ હેલ્પની બુમો પાડતા આજુબાજુમાં આવેલા દુકાનદારો અને અમે મદદ માટે દોડી ગયા હતા અને લોહીલુહાણ હાલતમાં અતુલભાઇને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અતુલભાઇને માથામાં ૨૯ ટાંકા લેવા પડ્યા હતા. બન્ને લુટારાએ ચહેરા પર સ્કાર્ફ પહેર્યા હતા અને 'ગીવ મી ધ મની' એમ બોલતા હતા. બન્ને આરોપીઓ પૈકી એક ડેવિડ બ્લડની પોલીસે ધરપકડ કરી તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો.
અતુલભાઇના જણાવ્યા મુજબ તેઓ છ વર્ષથી પોસ્ટ ઓફિસ ચલાવે છે. તેઓ મૂળ કચ્છના વતની છે અને વર્ષોથી મુંબઇમાં રહેતા હતા અને ૧૩ વર્ષ પહેલા યુકે આવ્યા હતા. પોસ્ટ ઓફિસની નજીકમાં જ આવેલી પટેલ પરિવારની દુકાનમાં બોક્ષીંગ ડેના રોજ ચોરી થઇ હતી.

