કિંગ્સબરી સ્વામીનારાયણ મંદિર દ્વારા દિવાળી પર્વની ઉજવણીમાં ચેરિટીને મહત્ત્વ

Wednesday 25th October 2017 06:14 EDT
 
 

કિંગ્સબરીઃ આ વર્ષે દિવાળી અને હિન્દુ પર્વની ઉજવણીમાં કિંગ્સબરીના શ્રી સ્વામીનારાયણ મંદિર દ્વારા ચેરિટીને વિશેષ મહત્ત્વ આપવામાં આવ્યું હતું. ભગવાનને અર્પણ કરાયેલી વિવિધ વાનગીઓના અન્નકૂટના ભવ્ય દર્શન તેમજ વિશિષ્ટ સંગીતમય આતશબાજીના પ્રદર્શનની સાથોસાથ ચેરિટી અભિયાનનું આયોજન કરાયું હતું, સાંસદ બોબ બ્લેકમેન સહિતના મહાનુભાવોએ અન્નકૂટના દર્શન કર્યા હતા.
આ ઉત્સવ દરમિયાન ૧૫,૦૦૦થી વધુ લોકોએ મંદિરની મુલાકાત લીધી હતી. ઘણા લોકોએ સ્થાનિક ફૂડ બેન્ક Sufraને અન્નદાન કર્યું હતું. આ ઉપરાંત, DKMSના સ્ટેમ સેલ ડોનર રજિસ્ટરમાં નોંધણી કરાવી બ્લડ કેન્સલની નાબૂદીના અભિયાનમાં મદદ  કરી હતી. મંદિર ખાતે આ પ્રકારે દાન આપવાની સીઝન રવિવાર, ૨૯ ઓક્ટોબર સુધી ચાલુ જ રહેવાની છે, જ્યારે મંદિર દ્વારા વધુ એક રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. મંદિરના વૈશ્વિક આધ્યાત્મિક ગુરુ આચાર્ય સ્વામીશ્રી મહારાજના ‘સાદગીપૂર્ણ જીવન અને ઉચ્ચ વિચાર’ની હિમાયત અનુસાર આ વર્ષે વિવિધ વાનગીઓના અન્નકૂટમાં ગામડાનું થીમ રખાયું હતું. શુક્રવાર ૨૦ ઓક્ટોબર અને શનિવાર ૨૧ ઓક્ટોબરે ભારતીય કળા અને સંસ્કૃતિના પ્રદર્શનો યોજવામાં આવ્યાં હતાં. આ ઉપરાંત, ઓલિવર ગોલ્ડસ્મિથ પ્રાઈમરી સ્કૂલ સહિત અનેક સ્થાનિક સ્કૂલ ગ્રૂપ્સ દ્વારા શુક્રવાર ૨૦ ઓક્ટોબરે મંદિરની મુલાકાત યોજાઈ હતી. જીવનપ્રાણ શ્રી મુક્તજીવન સ્વામીબાપાએ પાર્થિવ જીવનનો અંત સમય વીતાવ્યો હતો તે ઈંગ્લિશ લેક ડિસ્ટ્રિક્ટના ટાઉન વિન્ડરમીઅરની કેક, મીઠાઈ અને બિસ્કિટ્સની બનેલી પ્રતિકૃતિ તૈયાર કરવામાં
આવી હતી. શ્રી મુક્તજીવન સ્વામીબાપા પાઈપ બેન્ડ અને ઢોલ એકેડેમી દ્વારા કિંગ્સબરી, લંડન અને યુનાઈટેડ કિંગ્ડમની વિવિધતા
અને બહુસાંસ્કૃતિકવાદને દર્શાવતું ફ્યુઝન પરફોર્મન્સ રજૂ કરવામાં આવ્યું હતું.


comments powered by Disqus