ભાજપ આખા દેશનાં બજેટથી પણ ગુજરાતીને ખરીદી ન શકે: રાહુલ ગાંધી

Wednesday 25th October 2017 06:34 EDT
 
 

અમદાવાદઃ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની જાહેરાત નજીક છે ત્યારે કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ ચૂંટણી પ્રચારમાં કસર છોડી નથી. ગાંધીનગરમાં નવસર્જન જનાદેશ મહાસંમેલનમાં કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ ૨૩મી ઓક્ટોબરે અલ્પેશ ઠાકોરને ખેસ પહેરાવી કોંગ્રેસ પક્ષમાં વિધિવત્ રીતે પ્રવેશ કરાવ્યો હતો. ખીચોખીચ ભરેલાં રામકથા મેદાનમાં રાહુલે ‘જય માતાજી’, ‘જય સરદાર’ અને ‘જય ભીમ’ કહીને પ્રવચનની શરૂઆત કરી હતી.
‘પાસ’ના કાર્યકર નરેન્દ્ર પટેલને ભાજપે કથિત રીતે રૂ. એક કરોડમાં ખરીદવાના મુદ્દે રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, ગુજરાતનાં લોકોના અવાજને દબાવવા પ્રયાસો કરાયા અને હવે તેને ખરીદવાના પ્રયાસ કરાઈ રહ્યા છે, પરંતુ તમે એક નહીં ૧૦ હજાર કરોડ રૂપિયા લગાવી દો, હિંદુસ્તાનનું બજેટ ખૂલ્લું મૂકી દો કે પછી વિશ્વના બધા પૈસા લગાવી દેશો તો પણ ગુજરાતીના અવાજને ખરીદી નહીં શકો. દબાવી નહીં શકો. ગુજરાતના આંદોલનકારીઓ હાર્દિક પટેલ અને જિજ્ઞેશ મેવાણીનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું કે, આ બંને નેતા પણ શાંત થઈ શકતા નથી. તેમનાં દિલમાં જે અવાજ છે તે દરેક ગુજરાતીનાં દિલમાં છે. આ મામૂલી અવાજ નથી કે ખરીદી કે દબાવી શકાય. સરદાર અને ગાંધીના ગુજરાતમાં અંગ્રેજો પણ તેમનો અવાજ દબાવી શક્યા નહોતા. જોકે ભાજપવાળા એટલા બધા ડરી ગયા છે કે, ગુજરાતના અવાજને ખરીદવા માગે છે.
રાહુલ ગાંધીએ અડધા કલાકના પ્રવચનમાં મોટાભાગે પ્રશ્નોત્તરી જ કરી હતી. રાહુલે જણાવ્યું કે, ગુજરાતમાં દરેક સમાજ આંદોલનમાં જોડાયા છે. આની પાછળ કારણ એ છે કે ગુજરાત સરકાર જનતાની સરકાર નથી. તે તો માત્ર ૫-૧૦ ઉદ્યોગપતિની સરકાર છે એટલે જ તો લોકો રસ્તા પર ઊતરીને આંદોલન કરે છે.
૧૨૫ બેઠકો જીતી સરકાર બનાવીશું
રાહુલની ઉપસ્થિતિમાં ઓબીસી, એસસી અને એસટી એકતા મંચના કન્વીનર અલ્પેશ ઠાકોર કોંગ્રેસમાં જોડાયા પછી મહાસંમેલનમાં વિધાનસભા ચૂંટણીમાં ૧૨૫ બઠકો જીતીને સરકાર બનાવવાનો રણટંકાર કર્યો હતો. જનાદેશ સંમેલનમાં તેણે દરેક ગામમાં જનતાનું ૧૪૪નું જાહેરનામું લટકાવીને ભાજવાળાને ગામમાં ઘૂસવા ન દેવા પણ હાકલ કરી હતી. અલ્પેશ ઠાકોરે કોંગ્રેસને સત્તામાં હોય કે ન હોય પણ ગરીબો, પછાતો, ખેડૂતો, યુવાનો માટે લડતી પાર્ટી કહી હતી. ભાજપે લોકોને પદ અને પૈસાની લાલચો આપ્યાનો, ડર દેખાડ્યાનો આક્ષેપ કરતાં અલ્પેશ ઠાકોરે કહ્યું કે, મારવો હોય તો મારી કાઢે, જેલમાં નાંખે પણ આપણે જેલમાંથી પણ કોંગ્રેસની એવી સરકાર બનાવીશું કે કોઈપણ સમાજ કે વર્ગને આંદોલનો કરવા રસ્તા પર ઊતરવું ન પડે.
ભાજપ માટે ચિંતાનો વિષય
અલ્પેશ ઠાકોરની કોંગ્રેસમાં જોડાવાની જાહેરાતથી ભાજપ જોકે ભયભીત જણાય છે. આ ડરનું કારણ એ છે કે રાજ્યના ૭૩ ટકા મતદારો પર પ્રભાવની શક્યતા જોવાય છે. ગુજરાતમાં બંક્ષીપંચની વિવિધ જાતિના કુલ મતદારોની સંખ્યા ૫૧ ટકા જેટલી છે. એ પૈકી ૧૪ ટકા જેટલા ઠાકોર મતો છે. જ્યારે એસટી સમાજના મતદારોની ટકાવારી ૧૪.૫ ટકા જેટલી અને એસસી એટલે કે દલિત મતદારોની સંખ્યા લગભગ ૭.૫ છે. આમ કુલ ૩૩ ટકા એટલે કે ૩.૧૭ કરોડ મતદારો પર આ જાહેરાતની અસર થાય છે.
હાર્દિક પટેલ મધરાતે ગેહલોતને મળ્યો
કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી અમદાવાદ આવે તેની આગલી રાત્રે પાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલ અને દલિત આગેવાન જિજ્ઞેશ મેવાણીએ એર પોર્ટ નજીક આવેલી હોટલ તાજમાં ગુજરાત પ્રભારી અશોક ગેહલોત સાથે મુલાકાત કર્યાનું બહાર આવ્યું છે.
સોમવારે બપોરે ગાંધીનગરમાં અલ્પેશ ઠાકોરના જનાદેશ સંમેલનને સંબોધવા આવેલા રાહુલ ગાંધી સાથે પણ હાર્દિક પટેલની મિટિંગ થઈ હોવાનું ભાજપે કહ્યું છે. ભાજપે કહ્યું છે કે હોટલ તાજના સીસીટીવી ફૂટેજને આધારે તેઓનો દાવો છે કે હાર્દિકની કોંગ્રેસના સભ્યો અને રાહુલ સાથે મિટિંગ થઈ હતી જોકે ભાજપના નેતાઓના દાવાને ફગાવતાં હાર્દિકે કહ્યું છે કે, તે અશોક ગેહલોતને મળ્યો હતો. રાહુલ ગાંધીને નહીં. સોમવારે માંડલમાં પાટીદાર સંમેલનોના કાર્યક્રમો અગાઉથી નક્કી હતા તેથી રાહુલને મળી શાકયું નથી, પણ તેની સાથે મુલાકાત જરૂર કરીશ. માંડલની સભામાં હાર્દિક પટેલે કહ્યું હતું કે, ૨૨મીએ હું મહિસાગર જિલ્લામાં હતો જ્યાં વેપારીઓ સહિતના લોકોએ નારાજ છે અને કહે છે પાડી દેજો. સામે નહીં આવીએ પણ સાથે છીએ. હું માંડલ આવ્યો આખા રસ્તામાં ધૂળ ઉડે છે. લોકો કહે છે વિકાસ ગાંડો થયો છે, પણ હું તો કહુ છું કે વિકાસનો જન્મ જ નથી થયો. ભાજપ મહાચોર છે અને કોંગ્રેસ ચોર છે, પણ મહાચોરને ઠેકાણે લાવવા જો ચોરનો સહયોગ લેવો પડે તો લઇશું. ભાજપ કહે છે કે, હું કોંગ્રેસ પાર્ટીના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીને મળવા ગયો હતો અને આ માટે આમંત્રણ હતું. હું મહિસાગરથી સભા કરી રાત્રે ત્રણ વાગ્યે હોટલમાં કોંગ્રેસના પ્રભારીને મળવા ગયો હતો. હોટેલના સીસીટીવી કેમેરાના ફૂટેજ દેખાડીને ભાજપ મીડિયામાં ચલાવે છે કે હું રાહુલ ગાંધીને મળવા ગયો હતો, પરંતુ હું રાહુલ ગાંધીને નથી મળ્યો. રાહુલ ગાંધી આવ્યા તે પહેલા હું નીકળી ગયો હતો. હા નવેમ્બરમાં રાહુલ ગાંધીને મળવાનું થઈ શકે છે.


comments powered by Disqus