નવી દિલ્હીઃ ભારત સરકારે નૂતન વર્ષના પ્રારંભે જમ્મુ-કાશ્મીર મુદ્દે અત્યંત સકારાત્મક પગલું ભરતાં શાંતિ પ્રક્રિયા માટે મંત્રણા શરૂ કરવાની જાહેરાત કરી છે. ગૃહ પ્રધાન રાજનાથ સિંહે સોમવારે જણાવ્યું હતું કે ભારત સરકારે ઇન્ટેલિજન્સ બ્યૂરોના ભૂતપૂર્વ ડિરેક્ટર દિનેશ્વર શર્માને સરકારના પ્રતિનિધિ તરીકે નિયુક્ત કર્યા છે. તેઓ વિવિધ વર્ગ સાથે મંત્રણા પ્રક્રિયા શરૂ કરશે. કોની સાથે મંત્રણા કરવી, કોની સાથે નહીં તે બાબતે નિર્ણય કરવા તેઓ સંપૂર્ણ સ્વતંત્ર હશે. ઉલ્લેખનીય છે કે ભારત સરકાર દ્વારા સાત વર્ષના લાંબા અરસા બાદ કાશ્મીર મુદ્દે આ પ્રકારનો નિર્ણય લેવાયો છે. રાજ્યના મુખ્ય પ્રધાન મહેબૂબા મુફ્તી સહિત વિરોધ પક્ષે પણ પગલાંને આવકાર્યું છે.
રાજનાથ સિંહે જણાવ્યું હતું કે સરકારના પ્રતિનિધિ તરીકે શર્મા જમ્મુ-કાશ્મીરના લોકોની ભાવનાઓ જાણશે, સમજશે. તેમને કેબિનેટ સેક્રેટરીનો દરજ્જો મળશે. મંત્રણા કરવાની સંપૂર્ણ સ્વતંત્રતા હશે. શર્મા નક્કી કરશે કે કોની સાથે મંત્રણા કરવાની છે.
ભાગલાવાદીઓ સાથે મંત્રણાના મુદ્દે ગૃહ પ્રધાને જણાવ્યું હતું કે આનો નિર્ણય શર્મા જ કરશે. તેઓ જે કોઇ પક્ષ સાથે મંત્રણા કરવા ઇચ્છશે, કરી શકે છે. તેમણે એવું પણ જણાવ્યું કે તમામ પક્ષકારો સાથે મંત્રણા કર્યા પછી તેઓ પોતાનો રિપોર્ટ કેન્દ્ર અને જમ્મુ-કાશ્મીર સરકારને સોંપશે. વડા પ્રધાન કાશ્મીર મુદ્દા અંગે ગંભીર છે. સરકાર બધા રાજકીય પક્ષો અને જમ્મુ-કાશ્મીરના બધા પક્ષો સાથે મંત્રણા કરવાની છે. કાશ્મીરના યુવાઓ પર વિશેષ ફોકસ હશે.
જ્યારે ગૃહ પ્રધાનને પૂછાયું કે શું દિનેશ્વર શર્મા અલગતાવાદી હુર્રિયત નેતાઓ સાથે પણ વાત કરશે? તો તેના જવાબમાં રાજનાથે જણાવ્યું હતું કે આ અંગે શર્માને સંપૂર્ણ સ્વતંત્રતા આપવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે કાશ્મીર ખીણમાં છેલ્લા કેટલાક સમયથી ‘ઓપરેશન ઓલઆઉટ’ દ્વારા સુરક્ષા દળોએ આતંકવાદીઓની કમર તોડી નાખી છે.
સાત વર્ષ પછી મંત્રણા
અહેવાલ અનુસાર સાત વર્ષ પછી ભારત સરકાર જમ્મુ-કાશ્મીરમાં તમામ પક્ષો સાથે મંત્રણા શરૂ કરવા જઇ રહી છે. આ અગાઉ ૨૦૧૦માં મનમોહન સિંહના નેતૃત્વ હેઠળની યુપીએ સરકારે ત્રણ મંત્રણાકારની નિમણૂક કરી હતી.
ઉલ્લેખનીય છે કે ૧૫ ઓગસ્ટે નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા પરથી આપેલા ભાષણમાં આ વાતના સંકેત આપતા જણાવ્યું હતું કે કાશ્મીર સમસ્યાનો ઉકેલ ન તો ગાળોથી અને ન તો ગોળીથી આવશે. કાશ્મીર સમસ્યાનો ઉકેલ લોકોને ભેટીને આવશે.
ટૂંકમાં કાશ્મીર જઇશ: શર્મા
દિનેશ્વર શર્માએ પોતાની નિયુક્તિ અંગે કહ્યું છે કે 'મારા માટે રેન્કનું મહત્ત્વ નથી. સરકારે મને બહુ મોટી અને મહત્ત્વની જવાબદારી સોંપી છે. જમ્મુ-કાશ્મીરની સ્થિતિમાં સુધારાથી બહેતર કશું જ હોય શકે નહીં. હું આઠ-દસ દિવસમાં જ કાશ્મીર પહોંચીશ.’
તેમણે કહ્યું હતું કે ‘હું પહેલા એ વાતનો તાગ મેળવીશ કે વાતચીતને કેવી રીતે આગળ લઇ જઇ શકાય તેમ છે. અમારી પ્રાથમિકતા જમ્મુ-કાશ્મીરમાં શાંતિ બહાલ કરવા અને એક કાયમી ઉકેલ શોધવાની છે.'
પહેલું પોસ્ટીંગ કાશ્મીરમાં
૧૯૭૯ બેચના કેરળ કેડરના આઇપીએસ અધિકારી શર્માને સુરક્ષા અને કાશ્મીર સંબંધિત બાબતોના જાણકાર માનવામાં આવે છે. આઇબીમાં શર્માની પહેલી નિમણૂક ૨૫ વર્ષ પહેલા મે ૧૯૯૨માં આસિસ્ટન્ટ ડાયરેક્ટર તરીકે કાશ્મીરમાં થઇ હતી. તે સમયે આતંકવાદ પરાકાષ્ઠાએ હતો. તે સમયે તેઓ ૩૬ વર્ષના હતા. ૧૯૯૪માં કાશ્મીરથી પરત આવ્યા પછી તેઓ દિલ્હીમાં પણ કાશ્મીર ડેસ્ક સંભાળી રહ્યા હતા. શર્મા ૨૦૧૫ની પહેલી જાન્યુઆરીથી ૨૦૧૬ની ૩૧ ડિસેમ્બર સુધી આઇબીના નિર્દેશક હતા.
આ પૂર્વે શર્મા ૨૦૦૩થી ૨૦૦૫ દરમિયાન આઇબીના ઇસ્લામિક આતંકવાદ ડેસ્કના જોઇન્ટ ડાયરેક્ટર રહી ચૂક્યા છે. હાલમાં તેઓ મણિપુરમાં અલગતાવાદી જૂથો સાથે મંત્રણા કરી રહ્યાં છે.
અમારી વાત માનીઃ કોંગ્રેસ
કાશ્મીર મુદ્દે કેન્દ્ર સરકાર સદંતર નિષ્ફળ ગઇ હોવાથી અંતે તેને વિરોધ પક્ષોની માગ સ્વીકારવી પડી છે તેમ કોંગ્રેસે સોમવારે જણાવ્યું હતું.
જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્ય પ્રધાન અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા ગુલામનબી આઝાદે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારને હવે સમજાઇ ગયું છે કે વિરોધ પક્ષોની મંત્રણાની માગ યોગ્ય હતી.
બીજી તરફ પૂર્વ કેન્દ્રીય પ્રધાન પી. ચિદમ્બરમે જણાવ્યું હતું કે દિનેશ્વર શર્માની મંત્રણાકાર તરીકેની નિમણૂકથી બળ પ્રયોગથી કાશ્મીર સમસ્યાનો ઉકેલ લાવવા માગતા લોકોની હાર થઇ છે.

