પત્ની પિયર ગઇ હોય ત્યારે આવી ઘટના બની શકે છે...
પડોશના બંગલામાં રહેલી સુંદર પડોશણ શુક્રવારની રાતે તમારા ઘરના દરવાજે બેલ વગાડીને ઊભી રહે છે. તમે દરવાજો ખોલો છો. એણે ઉત્તેજક ડ્રેસ પહેર્યો છે. માદક સુગંધવાળું સેન્ટ લગાડયું છે. ધીમા અવાજમાં એ તમને કહે છે:
‘મને આજે એટલું બધું એકલું એકલું લાગે છે કે વાત ના પૂછો... મારે આજે બહાર જવું છે, દારૂ પીને ડાન્સ કરીને આખી રાત મસ્તીમાં ગુજારીને મારી જાતને ભૂલાવી દેવી છે... શું તમે મારી મદદ કરશો?’
‘હા! હા! કેમ નહિ!’ સ્વાભાવિક છે તમે આમ કહેવાના પણ પછી એ કહેશે:
‘વાઉ! તો પ્લીઝ સવાર સુધી તમે મારાં બાળકોને સાચવશોને? થેન્ક યુ...’
•
ટીચરે ક્લાસમાં છોકરાઓને પૂછ્યુંઃ ભારતીય પરિવારોમાં સભ્યો એકબીજાને પ્રેમ કરે અને એકબીજાની ખૂબ કાળજી રાખે છે તેનું એક ઉદાહરણ આપો.
પપ્પુઃ મેડમ, ઘરમાં બિમાર એક જણ હોય છે, ને તેના માટે બનાવેલી ખીચડી બીજા બધાએ ખાવી પડે છે.
•
ડોક્ટરે ચિંટુને પૂછ્યુંઃ તને કદી ન્યુમોનિયાની બિમારી થઈ છે?
ચિંટુઃ હા એક વાર થઈ છે ને!
ડોક્ટરઃ બોલો ક્યારે?
ચિંટુઃ ચાલુ ક્લાસમાં જ્યારે ટીચરે મને ન્યુમોનિયાનો સ્પેલિંગ પૂછ્યો હતો ત્યારે.
•
ભિખારીઃ ભગવાનના નામે કંઈક આપો સાહેબ.
ભગોઃ આ લે મારી બી.ઇ.ની ડિગ્રી લઈ જા અને જલસા કર.
ભિખારીઃ શું મજાક શું કરો છો સાહેબ. તમારે જોઈતી હોય તો હું મારી એમબીએની ડિગ્રી આપું.
•
એક શિક્ષિકાએ ટ્રાફિક સિગ્નલનો ભંગ કર્યો. પોલીસે તેને પકડીઃ
શિક્ષિકા બોલીઃ મને જવા દો, હું ટીચર છું.
પોલીસઃ વાહ, વાહ મજા આવી ગઈ. હવે ૧૦૦ વખત લખો કે ક્યારેક ટ્રાફિક સિગ્નલનો ભંગ નહીં કરું.
•
પતિઃ આલુ પરોઠામાં આલુ તો ક્યાંય દેખાતા નથી.
પત્નીઃ ચૂપચાપ જમી લો. કાશ્મીરી પુલાવમાં ક્યાં કાશ્મીર દેખાય છે?
•
અમારી સોસાયટીના બગીચામાં રોજ સાંજે ભેગા થઈને કલબલાટ કરતી બૈરાઓની ટોળકી કાલે સાંજે સાવ ચૂપચાપ બેઠી હતી.
આ જોઈ કરસનકાકાથી રહેવાયું નહીં એટલે પૂછયુંઃ આજે બધાં આમ ચૂપચાપ કેમ બેઠાં છો.
શાંતાકાકીઃ રોજ તો અમારામાંથી કોઈ એક ગેરહાજર હોય એટલે અમને તેના વિશે વાત કરવાનો વિષય મળી જાય છે, પરંત આજે બધા હાજર છે. હવે વાત કોની કરવી?
•
ભગાની રોટલી પરથી ઉંદર ફરી ગયો.
ભગોઃ હવે હું આ રોટલી નહીં ખાઉ.
ગગોઃ ખાઈ લે યાર, ઉંદરે ક્યાં ચપ્પલ પહેર્યાં હતાં.
•
પતિ-પત્ની વચ્ચે ઝઘડો ચાલી રહ્યો હતો.
પતિઃ હું કંઈ તારાથી ડરતો નથી.
પત્નીઃ મારાથી તો બહુ ડરો છો તમે. મને જોવા આવ્યા ત્યારે ૪-૫ જણ સાથે લઈને આવ્યા હતા. લગ્ન કરવા આવ્યા હતા ત્યારે ૨૦૦ માણસો લઈને આવ્યા હતા. મને જુઓ, આવી ગઈને સાવ એકલી તમારા ઘરે. પાછા કહો છો ડરતા નથી મારાથી!
