નવી દિલ્હીઃ ૨૨ વર્ષની રુદ્રાલી પાટીલને જ્યારે બ્રિટિશ હાઇ કમિશનમાં એક દિવસ માટે હાઇ કમિશનર બનવાનું નિમંત્રણ મળ્યું ત્યારે તેના આનંદનો પાર રહ્યો ન હતો. ક્રિસ્પ કાળા સૂટમાં સજ્જ થયેલી રૂદ્રાલી સમયસર દૂતાવાસમાં પહોંચી ગઈ હતી અને બાદમાં તેણે વિવિધ વિભાગના વડાઓની બેઠકનું અધ્યક્ષપદ પણ સંભાળ્યું હતું. સાથોસાથ એક હાઇ કમિશનર દ્વારા કરવામાં આવતી તમામ જવાબદારી પણ નિભાવી હતી.
રુદ્રાલીને નવમી ઓક્ટોબરે રાજદૂત તરીકે ફરજ બજાવવાનો સોનેરી મોકો આપવામાં આવ્યો હતો. બ્રિટિશ હાઈ કમિશને તાજેતરમાં વીડિયો બનાવવાની હરિફાઈ યોજી હતી તેમાં અવ્વલ આવ્યા બાદ તેમને આ અવસર આપવાનો નિર્ણય લેવાયો હતો. બ્રિટિશ એમ્બેસેડર ડોમિનિક એસ્કિવથે રુદ્રાલીને માર્ગદર્શન આપ્યું હતું.
રુદ્રાલીએ કહ્યું હતું કે તેઓ (એસ્કિવથ) મારા માટે પિતાતુલ્ય છે અને તેમના માર્ગદર્શને મારા માટે મહત્ત્વની જવાબદારી સંભાળવાનું આસાન બનાવ્યું હતું.
રુદ્રાલીએ કહ્યું હતું કે આ મહત્ત્વપૂર્ણ ફરજ બજાવતા પૂર્વે તે ભારે માનસિક તણાવ અનુભવ્યો હતો. રુદ્રાલીના કહેવા પ્રમાણે તે આગલી રાત્રિએ શાંતિથી સૂઈ પણ શકી નહોતી.

