કાશ્મીરમાં સ્થિતિ ચિંતાજનકઃ ભારતીય સેના

Wednesday 26th April 2017 06:26 EDT
 
 

નવી દિલ્હીઃ ભારતીય સેનાએ ચેતવણી આપી છે કે વર્તમાન સમયમાં કાશ્મીરની સ્થિતિ પહેલાં કરતા વધુ ખરાબ છે. અહીં આતંકી હુમલાનું પ્રમાણ પણ છેલ્લા એક વર્ષમાં જ ઘણું વધ્યું છે. આતંકી બુરહાન વાનીની હત્યા બાદ રાજ્યમાં હિંસા અને આતંકી હુમલામાં ઐતિહાસિક વધારો થયો છે. જનરલ જે. જે. સંધુએ કહ્યું હતું કે, આ પહેલાં ક્યારેય આટલી ચિંતાજનક સ્થિતિનું નિર્માણ કાશ્મીરમાં થયું નથી. એપ્રિલ-૨૦૧૬ સુધીમાં માત્ર ૬ જ આતંકી હુમલા કાશ્મીરમાં થયા હતા જ્યારે એપ્રિલ-૨૦૧૭માં આ આંકડો વધીને ૧૭ સુધી પહોંચી ગયો છે.
સૈન્યએ આ વર્ષે અત્યાર સુધીમાં ૩૮ જેટલા આતંકીઓમાંથી આઠ જેટલા એલઓસી પાસે જ ઠાર મરાયા હતા. બાકી આતંકીઓ કાશ્મીરના અન્ય વિસ્તારોમાં સૈન્યના ઓપરેશનમાં માર્યા ગયા હતા.
સૈન્યના કાશ્મીર સ્થિત મલ્ટી એજન્સી સેન્ટર દ્વારા આતંકીઓ દ્વારા થયેલા હુમલાનું એનાલિસીસ કરાયું હતું. આ સંશોધનમાં એક તારણ એવું બહાર આવ્યું છે કે સ્થાનિક યુવકો દ્વારા આતંકી પ્રવૃત્તિનું પ્રમાણ મોટા પ્રમાણમાં વધ્યું છે. તેથી જો હાલની કાશ્મીરની આતંકી પ્રવૃત્તિઓને રોકવી હોય તો સ્થાનિક યુવકોને ગેરમાર્ગે જતા રોકવા પડશે. હાલ સૈન્ય સામે મોટો પડકાર યુવકો દ્વારા થઇ રહેલો પથ્થરમારો અને હિંસા છે. આ હિંસા અલગાવવાદીઓ ભડકાવી રહ્યા છે.
પીડીપી નેતાની હત્યા
જમ્મુ-કાશ્મીરના પુલવામામાં સોમવારે પીડીપીના નેતાની હત્યા કરવામાં આવી હતી. પીડીપીના ડિસ્ટ્રિક્ટ પ્રેસિડેન્ટ અબદુલ ગની ડાર ઉપર કેટલાક આતંકવાદીઓએ હુમલો કર્યો હતો. આતંકવાદીઓએ ખૂબ જ નજીકથી ગોળીઓ મારી હતી જેના કારણે તેમનું હોસ્પિટલ પહોંચતાં પહેલાં જ મોત થયું હતું. પોલીસના જણાવ્યા પ્રમાણે અબદુલ ગની ડાર જ્યારે પુલવામાથી શ્રીનગર જઈ રહ્યા હતા ત્યારે આતંકવાદીઓ દ્વારા તેમના ઉપર ફાયરિંગ કરાયું હતું. પુલવામાના પિંગલેના વિસ્તાર પાસે આ ઘટના બની હતી.


comments powered by Disqus