છત્તીસગઢમાં નક્સલી હુમલોઃ સીઆરપીએફના ૨૬ જવાનો શહીદ

Wednesday 26th April 2017 06:23 EDT
 
 

સુકમાઃ છત્તીસગઢના સુકમા જિલ્લામાં નક્સલીઓ દ્વારા સોમવારે સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (સીઆરપીએફ)ના જવાનો ઉપર ગેરીલા પદ્ધતિથી કરેલા હુમલામાં ૨૬ જવાનો શહીદ થયા હતા. જ્યારે અનેકને ઈજા થઈ હતી. આ તમામ જવાનો ૭૪મી બટાલિયનના હતા. ૩૦૦થી વધુ નક્સલીઓએ રોકેટ લોન્ચર અને ગ્રેનેડથી હુમલો કર્યો હતો.
સુકમાના બુરકાપાલ અને ચિંતાગુફા વચ્ચેના વિસ્તારમાં સીઆરપીએફની ટુકડીને નિશાન બનાવાઇ હતી. આ વિસ્તાર દોરનાપાલથી અંદાજે ૪૦ કિ.મી. દૂર હોવાથી ઝડપથી મદદ પણ પહોંચાડી શકાઇ નહોતી.
આ ઘટનાની જાણ થતાં જ મુખ્ય પ્રધાન રમણ સિંહ દિલ્હીપ્રવાસ રદ કરીને છત્તીસગઢ પરત ફરી ગયા હતા. તેમણે આ સમસ્યાનો ઉકેલ લાવવા તાકીદ બેઠક બોલાવી હતી. કેન્દ્ર સરકારની તાકીદની મિટિંગ પછી ગૃહ પ્રધાન રાજનાથ સિંહે પણ મંગળવારે રાયપુર પહોંચ્યા હતા.
૭ જવાનો લાપતા
બુરકાપાલ વિસ્તારમાં નકસલીઓ રસ્તો બનાવા દેતા નથી. આ પહેલાં પણ રસ્તાના નિર્માણનું કામ થતું હતું ત્યારે તેઓ હુમલા કરતા હતા. તાજેતરમાં સીઆરપીએફની એક ટુકડીને સુરક્ષા પુરી પાડીને આ કામ ફરી શરૂ કરવા મોકલાઈ હતી. સોમવારે જ્યારે સડકનિર્માણનું કામ ચાલતું હતું ત્યારે જવાનો ભોજન કરવા બેઠા હતા. આ જ સમયે ૩૦૦થી વધુ નકસલીઓ દ્વારા હુમલો કરાયો હતો. હુમલા બાદ ૭ જવાનો અને અધિકારીઓ લાપતા છે.
જવાનો દ્વારા પ્રતિકાર
આ ઘટનામાં ઘાયલ થયેલા એક જવાન શેર મોહમ્મદે જણાવ્યું કે, નક્સલીઓની સંખ્યા ૩૦૦ની આસપાસ હતી. તેમણે ગ્રામજનોની મદદ લીધી હતી. સ્થાનિક ગ્રામજનો દ્વારા તેમણે અમારાં લોકેશનની માહિતી મેળવી હતી. ત્યારબાદ તેમણે લાગ જોઇને અમારા ઉપર હુમલો કર્યો હતો. તેમણે સૌથી પહેલા આઇઇડી બ્લાસ્ટ કરીને ફાયરિંગ શરૂ કર્યું હતું. અમારી સંખ્યા તેમના કરતાં અડધી હતી પણ અમે તાત્કાલિક વળતો હુમલો કર્યો હતો. મેં પોતે જ ચાર જેટલા નક્સલીઓને ઠાર કર્યા હતા. અમારા હુમલામાં ઘણા નકસલીઓ ઠાર થયા છે અને ઘણાને ઈજા થઈ છે. મોટા ભાગના નકસલીઓ ભાગી જવામાં અને અમારા હથિયારો લૂંટી જવામાં સફળ રહ્યા હતા. તેમ છતાં એક ડઝન જેટલા નકસલીઓ ઠાર કરાયા છે.
અન્ય એક ઘાયલ જવાન મહેન્દ્રએ જણાવ્યું હતું કે કાળા કપડાં પહેરેલી મહિલા નક્સલીઓ અમારા પર ફાયરિગ કરતી હતી. મને પણ ગોળી વાગી ત્યાં સુધીમાં મેં છ-સાતને સામે ગોળીઓ મારી હતી. ત્યાર શું થયું તેની મને જાણ નથી. અન્ય એક જવાને જણાવ્યું કે નક્સલીઓએ સ્થાનિક લોકોને ઢાલ બનાવીને ગ્રેનેડ ફેંક્યા અને ફાયરિંગ કરી અમને ઘેરી લીધા હતા. તેમની પાસે રોકેટ લોન્ચર તથા અન્ય આધુનિક હથિયારો પણ હતાં.
એન્ટિ નક્સલ ઓપરેશન
સીઆરપીએફની ૭૪મી બટાલિયન ઉપર જે વિસ્તારમાં નક્સલીઓએ હુમલો કર્યો હતો ત્યાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. એન્ટિ નક્સલ ઓપરેશનના ભાગરૂપે કોબરા કમાન્ડોઝ અને અન્ય લશ્કરી દળોને આ વિસ્તારમાં સજજ કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા બે મહિનાથી સીઆરપીએફ દળ વડા વિના જ કામ કરી રહ્યું છે. ૨૮ ફેબ્રુઆરીના રોજ પુર્ણકાલીન જીડી કે. દુર્ગાપ્રસાદ નિવૃત્ત થતાં અન્ય અધિકારીને વધારાનો હવાલો સોંપાયો છે.
શહીદી વ્યર્થ નહીં જાય
સીઆરપીએફના જવાનો ઉપર થયેલા હુમલાને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સખત શબ્દોમાં વખોડી કાઢ્યો હતો. તેમણે જણાવ્યું કે સીઆરપીએફના જવાનો પર થયેલો હુમલો દુઃખદ અને કાયરતાપૂર્ણ છે. જવાનોની શહીદને વ્યર્ત નહીં જેવા દેવાય. અમે સતત સ્થિતિનું નિરક્ષણ કરી રહ્યા છીએ.
ગૃહ પ્રધાન રાજનાથ સિંહે ટ્વિટ કર્યું હતું કે સુકમામાં સીઆરપીએફના જવાનોની શહીદી દુઃખદ છે.
રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ સુકમા નક્સલી હુમલાની આકરી ઝાટકણી કાઢી હતી. તથા શહીદોને શ્રદ્ધાંજલિ આપવા માટે તેમના પરિવારજનો પ્રત્યે સંવેદના પ્રગટ કરી હતી. કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી તથા રાહુલ ગાંધીએ પણ હુમલાની નિંદા કરવા ઉપરાંત જવાનોનાં બલિદાનને બિરદાવ્યું હતું.


comments powered by Disqus