જીવનસંધ્યાએ પહોંચેલા ‘બાગબાન’ સમા વડીલોને નવનાત સેન્ટરમાં સન્માનિત કરાયા

- કોકિલા પટેલ Wednesday 26th April 2017 08:00 EDT
 
નવનાત વડીલ મંડળના પ્રમુખ, સેક્રેટરી, ટ્રેઝરર સહિત કમિટીના સક્રિય સભ્યો અને અામંત્રિત અતિથિઅો.
 

જીવનપથ પર ઘણી વિટંબણાઓ, મુશ્કેલીઓનો પડકાર ઝીલી પોતાની કૌટુંબિક વાડીને લીલી રાખનાર "બાગબાન"ના યોગદાનને કયારેક, કેટલાક સ્વજનો વિસરી જતા હોય છે. પોતાનો પરસેવો સિંચી સંતાનોના ઘડતર, ભણતર અને સિધ્ધિમાં સમર્પિત થનાર મા-બાપનું અનુદાન જાણે-અજાણ્યે ભૂલી જવાય છે. જીવનસંધ્યાએ ઉભેલા સમાજના આવા "બાગબાનો"ની કાર્યસિધ્ધિને બિરદાવતા સન્માન સમારોહનું આયોજન કરવાનો વિચાર સૌ પ્રથમ "ગુજરાત સમાચાર"-એશિયન વોઇસ"ના તંત્રીશ્રી સી.બી. પટેલને આવ્યો. એમના એ સદભાવ થકી લંડનમાં ઠેર ઠેર અને લેસ્ટરથી માંડી પ્રેસ્ટન સુધી લગભગ ૮૦૦ વડિલોના સન્માન કરવામાં અમે નિમિત્ત બન્યા. આજે આ વડીલ સન્માનનું વિચારબીજ ફલિત થઇ સ્થાનિક સંસ્થાઓ સુધી વિસ્તરી રહ્યું છે એનો અમને આનંદ છે.
ગયા શુક્રવારે (૨૧ એપ્રિલે) વેસ્ટ લંડનના હેઇઝ ખાતે નવનાત ભવનમાં "નવનાત વડીલ મંડળ"ના ઉપક્રમે ૮૫ વર્ષથી ઉપરની વયના ૧૮ વડીલોનું સન્માન કરવામાં આવ્યું. અહીં દર શુક્રવારે લગભગ ૩૫૦ થી ૪૦૦ નિવૃત્ત ભાઇ-બહેનો, વડીલો એકત્ર થઇ વિવિધ પ્રવૃત્તિઓ અને કાર્યક્રમોનું આયોજન કરતા હોય છે. વડીલ સન્માનના આ કાર્યક્રમમાં "નવનાત વડીલ મંડળ"નાં પ્રમુખ સુરભીબહેન ખોનાએ અને પૂર્ણિમા બહેને સ્વાગત કર્યું. ત્યારબાદ સેક્રેટરી રમેશભાઇ શાહ અને સુરભીબહેને કાર્યક્રમનું સંચાલન કરી વડીલોને માનપત્ર એનાયત કર્યાં હતા. જેમાં અમરતલાલ ભરવાડાનું સુરભીબહેનના હસ્તે સન્માન થયું. એ જ રીતે ચંપાબહેન શાંતિલાલ મહેતાનું અરવિંદભાઇ શાહના હસ્તે, દિનકરભાઇ શેઠનું ભોગીલાલ રૂપાણીના હસ્તે, ગિરધરલાલ શેઠનું ઇન્દુબહેન શેઠના હસ્તે, હસમુખરાય ડી. કોઠારીનું ભદ્રાબહેન શેઠના હસ્તે, હિંમતલાલ શાહનું તરલીકાબહેન મહેતાના હસ્તે, હીરાલક્ષ્મીબહેન મહેતાનું નલીનભાઇ ઉદાનીના હસ્તે, ઇન્દુલાલ ડી. ગાંધીનું ભરતભાઇ મહેતાના હસ્તે. જશુભાઇ બી. પટેલનું ઇન્દિરાબહેન કામદારના હસ્તે, જશવંતલાલ પારેખનું અરવિંદભાઇ મહેતાના હસ્તે, જયાબહેન જે. મહેતાનું ભૂપેનભાઇ વસાના હસ્તે, કંચનબહેન મહેતાનું ડો. વિનોદ કપાસીના હસ્તે, લીલાવંતીબહેન મહેતાનું શકુંતલાબહેન શેઠ (રસોઇગૃહના હેડ)ના હસ્તે, મનસુખલાલ મહેતાનું કોકિલા પટેલ (ગુજરાત સમાચારના મેનેજીંગ એડીટર)ના હસ્તે, પ્રેમલતાબહેન પારેખનું ધીરૂભાઇ ગલાણીના હસ્તે, રસિકભાઇ શાહનું ડો. હર્ષદભાઇ સંઘરાજકા (MBE)ના હસ્તે અને સુશીલાબહેન દિનકરભાઇનું ભવનના ડો. નંદકુમારના હસ્તે કરવામાં આવ્યું. ડો. વિનોદ કપાસીએ પ્રાસંગિક પ્રવચનમાં કહ્યું કે, “આદિ શંકરાચાર્યએ કહ્યું છે કે વૃધ્ધત્વમાં "અંગમ્ ગલિતમ્ પલિતમ્ મૂંડન, ભજગોવિંદમ્ " એ વખતે એવું બનતું કે ૭૦-૮૦ વર્ષે અંગ શિથિલ થઇ જતાં અને સંસારની માયા મૂકી પ્રભુભક્તિમાં લીન થવાનું કહેવાતું પરંતુ આજે સમય બદલાયો છે. આપણા વડીલો આજે નવી પેઢી માટે પ્રેરણારૂપ બની રહ્યા છે. આ દેશમાં એકલપણાને લીધે ડિપ્રેશનના પ્રોબલેમ ખૂબ છે. એવી મનોદશા ના થાય એના કારણે અહીં નિવૃત્ત વડીલો પ્રવૃત્ત રહે એ માટે આપણા સમાજે અહીં ઠેર ઠેર સક્રિય સેન્ટરો ઉભા કર્યા છે. વડીલોના આવા સન્માનોથી એમની નવી પેઢી માટે પ્રેરણાદાયી બની રહેશે.”
ભારતીય વિદ્યાભવનના ડાયરેક્ટર ડો. નંદકુમારે વડીલ સન્માનના પગલાંને બિરદાવતાં જણાવ્યું કે, “જીવનમાં માણસાઇ અને વડીલોનો આદર અને સેવા એ જીવનનું મહત્વનું પાસુ છે. વડીલોના ચરણસ્પર્શ કરવાથી એમના સદકર્મો તમારી પાસે આવે છે. તમે નસીબદાર હોવ તો જ તમને વડીલની સેવા કરવાનું સદભાગ્ય મળે છે.” “ગુજરાત સમાચાર"ના મેનેજીંગ એડિટર કોકિલા પટેલે જણાવ્યું કે, “નવનાત વડીલ મંડળના સભ્યો અને સન્માનિત વડીલોને સી.બી. પટેલ વતી સૌને મારા સ્નેહવંદન. આપ સૌ વડીલોમાં મારા માત-પિતાના હું દર્શન કરું છું. ત્રણેક વર્ષ અગાઉ "ગુજરાત સમાચાર-એશિયન વોઇસ" ના નેજા હેઠળ અમે ૮૦થી ઉપરની વયના વડીલોનું સન્માન કરવાનું શરૂ કર્યું. અમે કોઇપણ જ્ઞાતિ કે ધર્મના બાધ વગર લંડન, લેસ્ટર અને પ્રેસ્ટનમાં ૭૫૦ થી ૮૦૦ વડીલોનું સન્માન કર્યું છે. આફ્રિકાથી અજાણ્યા દેશમાં આવી તનતોડ મહેનત કરી, સાહસ અને સ્વબળે સુખી-સંપન્ન થયા છો. ઘણાએ અદભૂત સિધ્ધિ હાંસલ કરી છે. પશ્ચિમની સંસ્કૃતિ વચ્ચે રહીને આપ સૌ માતાઓએ, વડીલોએ સંતાનોમાં ભારતીય સંસ્કારોનું ખૂબ સ્નેહથી સિંચન કર્યું છે. આપે જાતે કરકસર કરી પણ સંતાનોની જરૂરિયાતોને પૂરી પાડી તેઓને યોગ્ય શિક્ષણ આપ્યું, આજે આપણી એ પેઢી અહીં દરેક ક્ષેત્રે યશસ્વી સિધ્ધિ હાંસલ કરી ભારતીય તરીકે સારી ખ્યાતિ મેળવી રહી છે એનો તમામ યશ આપ સૌ વડીલોને ફાળે જાય છે. આપના એ અનુદાનની સરાહના કરી અમે જીવનસંધ્યાએ પહોંચેલા વડીલોનું સન્માન કરવાનું મુનાસીબ ગણ્યું હતું. સમાજમાં આપનું જાહેર સન્માન થયેલું જોઇ આપના સંતાનો, પૌત્રો-પૌત્રીઓ સહિત સૌ પરિવારજનો ગૌરવ અનુભવશે. ફોટો ફ્રેમમાં મઢેલું આ સન્માનપત્ર એ સામાન્ય પેપરનો ટૂકડો નથી. ઘરની એ દિવાલ પર આપના સમર્પણ અને સદકર્મોને આલેખતું ત્રણ-ત્રણ પેઢી માટે એ કાયમી સંભારણું બની રહેશે.”


comments powered by Disqus