નવી દિલ્હીઃ દેશના વિવિધ ભાગોમાં તાજેતરમાં યોજાયેલી ચૂંટણીઓમાં ભાજપનું ‘કમળ’ પૂરબહાર ખીલ્યું હતું. હવે આ જ કેસરિયો જુવાળ પાટનગરમાં ફરી વળશે તેવા અહેવાલ છે. રવિવારે યોજાયેલી ‘મીની વિધાનસભા’ સમાન દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીઓમાં ભાજપ ૨૨૦ બેઠકો જીતીને પ્રચંડ બહુમતી મેળવશે જ્યારે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી (‘આપ’)ના સૂપડાં સાફ થઇ જશે તેવા તારણો એકથી વધુ એક્ઝિટ પોલમાં રજૂ થયા છે.
દેશની રાજધાનીમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની ૨૭૦ બેઠકો માટે ૨૩ એપ્રિલે મતદાન થયું હતું, અને એવા સંકેત મળે છે કે વિધાનસભા ચૂંટણી વેળા અરવિંદ કેજરીવાલના ગળામાં વિજયની વરમાળા પહેરાવનાર દિલ્હીવાસીઓએ આ વખતે ‘આપ’ના ઝાડુને જાકારો આપીને ભાજપના કમળ પર પસંદગી ઉતારી છે. ઉલ્લેખનીય છે કે ૭૦ સભ્યોના વિધાનસભા ગૃહમાં ‘આપ’એ ૬૭ બેઠકો કબ્જે કરીને વિક્રમજનક વિજય સાથે રાજ્યમાં શાસનધૂરા સંભાળી હતી. રવિવારે યોજાયેલી ચૂંટણીમાં ૫૪ ટકા જેટલું વિક્રમજનક મતદાન થયું હતું. કુલ ૨૭૨ બેઠકો ધરાવતી કોર્પોરેશનમાં બે બેઠકો પર ઉમેદવારોના નિધનના કારણે ચૂંટણી મુલત્વી રખાઇ હતી.
બુધવારે મતગણતરી હાથ ધરાય તે પૂર્વે જાહેર થયેલા એક્ઝિટ પોલના તારણ અનુસાર ભાજપ ૨૭૦માંથી ૨૦૦થી વધુ બેઠકો પર વિજય હાંસલ કરશે. એબીપી ન્યૂસ દ્વારા હાથ ધરાયેલા એક્ઝિટ પોલ અનુસાર ભાજપ ૨૭૦માંથી ૨૧૮ બેઠકો પર વિજય મેળવશે, જ્યારે આમ આદમી પાર્ટી ૨૪ અને કોંગ્રેસનો વિજય ૨૨ બેઠકો પર સમેટાઇ જશે.
દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન ત્રણ ભાગમાં વહેંચાયેલી છે, અને ત્રણેયમાં ભાજપનો દબદબો જળવાશે. નોર્થ દિલ્હીની ૧૦૧ બેઠકોમાંથી ૮૮ બેઠકો પર ‘કમળ’ ખીલશે જ્યારે ‘આપ’ને છ અને કોંગ્રેસને સાત બેઠકોથી સંતોષ માનવો પડશે. સાઉથ દિલ્હીમાં ભાજપ ૮૩ બેઠકો કબ્જે કરશે જ્યારે ‘આપ’ અને કોંગ્રેસના ફાળે નવ-નવ બેઠકો આવશે. આ બન્ને વિસ્તારોની સરખામણીએ નાનકડા ઇસ્ટ દિલ્હીમાં કુલ ૬૨ બેઠકો છે, જેમાંથી ભાજપને ૪૭ બેઠકો જ્યારે ‘આપ’ અને કોંગ્રેસનો અનુક્રમે નવ અને છ બેઠકો પર વિજય થશે.
ઇંડિયા ટુડે-એક્સિસ દ્વારા હાથ ધરાયેલા એક્ઝિટ પોલમાં પણ મહદ્ અંશે આવું જ તારણ રજૂ થયું છે. આ જનમતમાં ભાજપને ૨૦૨થી ૨૨૦ બેઠકો મળવાનો અંદાજ રજૂ થયો છે. જેમાંથી નોર્થ દિલ્હીમાં ૭૮થી ૮૪, સાઉથ દિલ્હીમાં ૭૯થી ૮૫ અને ઇસ્ટ દિલ્હીમાં ૪૫થી ૫૧ બેઠકો મળશે તેવું તારણ છે. ઇંડિયા ટુડેના આ એક્ઝિટ પોલ અનુસાર બીજા નંબરના સૌથી મોટા પક્ષનું સ્થાન મેળવવા માટે ‘આપ’ અને કોંગ્રેસ વચ્ચે તીવ્ર સ્પર્ધા જોવા મળશે. જે અનુસાર ‘આપ’ ૨૩થી ૩૫ બેઠકો પર જ્યારે કોંગ્રેસ ૧૯થી ૩૧ બેઠકો પર વિજય મેળવશે.
એક્ઝિટ પોલના તારણોથી સ્વાભાવિકપણે જ ખુશખુશાલ દિલ્હી પ્રદેશ ભાજપના પ્રમુખ મનોજ તિવારી આનો યશ નરેન્દ્ર મોદી અને તેમની નીતિરીતિને આપે છે. એક સમયના ભોજપુરી ફિલ્મોના સુપરસ્ટાર અને હવે રાજકારણમાં સક્રિય મનોજ તિવારી કહે છે, ‘એક્ઝિટ પોલના તારણો અમારી અપેક્ષા અનુસાર જ છે. નરેન્દ્ર મોદીએ સમાજના તમામ વર્ગોના દિલ જીત્યા છે. ભાજપે તેના તમામ નિર્ણયો ભારતના કલ્યાણાર્થે લીધા છે, જ્યારે આમ આદમી પાર્ટીએ દિલ્હીના નાગરિકોને લૂંટ્યા છે.’
જોકે ‘આપ’ના કન્વીનર અને દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ તેમના પક્ષના કારમા પરાજયનો સંકેત આપતા આ તારણો સાથે સંમત નથી. તેમણે ચેતવણી ઉચ્ચારી છે કે ભાજપનો પ્રચંડ વિજય દર્શાવતા એક્ઝિટ પોલના તારણો જો સાચા પડશે તો તેઓ આંદોલનના મંડાણ કરશે. તેમના નિવાસસ્થાને પક્ષના ચૂંટણી નિરીક્ષકોની બેઠકને સંબોધતાં કેજરીવાલે કહ્યું હતું કે ‘આપ’ના કાર્યકરો અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ લોકો સાથે સીધા જોડાયેલા છે અને તેઓ સાચી હકીકતથી વાકેફ છે. ઇન્ટરનેટ પર વાઇરલ થયેલા એક વીડિયોમાં તેઓ એવું બોલતા જોવા મળે છે કે ‘અગર ફિર ભી ઐસે રિઝલ્ટ આતે રહે હૈ... અગર રિઝલ્ટ કલ જૈસે આતે હૈ... તો હમ ઇંટ સે ઇંટ બજા દેંગે.’
ઉલ્લેખનીય છે કે પંજાબ વિધાનસભા ચૂંટણીમાં પરાજય મળ્યો છે કે ત્યારથી આમ આદમી પાર્ટી ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન (ઇવીએમ)માં ગેરરીતિ થતી હોવાનો મુદ્દો ઉઠાવતી રહી છે. પક્ષે દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીઓમાં વીવીપીએટી વગરના ઇવીએમ વાપરવા સામે પણ પ્રશ્ન ઉઠાવ્યો હતો અને એવી માગણી કરી હતી કે ચૂંટણી પંચે ઇવીએમના બદલે મતદાનપત્રક દ્વારા મતદાન કરાવવું જોઇએ. કેજરીવાલના નિવાસસ્થાને યોજાયેલી બેઠકને સંબોધતાં દિલ્હીના શ્રમ પ્રધાન ગોપાલ રાયે કહ્યું હતું કે નિષ્ણાતો દ્વારા જે ચૂંટણી પરિણામોની આગાહી થાય છે તેના મૂળમાં ઇવીએમ જ છે.’
કોંગ્રેસના નેતાઓએ એક્ઝિટ પોલના આધારે રજૂ થયેલા તારણો અંગે કોઇ પણ પ્રતિભાવ આપવાનું ટાળ્યું હતું. આના બદલે તેમણે બુધવારે - ૨૬ એપ્રિલે ચૂંટણી પરિણામો જાહેર થાય ત્યાં સુધી રાહ જોવા કહ્યું હતું. કોંગ્રેસના પ્રવક્તા શકીલ અહમદે કહ્યું હતું કે ‘પરિણામો ૨૬ એપ્રિલે આવી જ જવાના છે. ત્યાં સુધી રાહ જોઇએ...’
કોંગ્રેસને ચૂંટણી પૂર્વે જ બે ફટકા
રાજધાનીમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીના ગણતરીના દિવસો પૂર્વે જ કોંગ્રેસને બે કમરતોડ ફટકા પડ્યા હતા. પક્ષના કેટલાક ટોચના નેતાઓ ભાજપમાં જોડાઇ જતાં કાર્યકરોના જુસ્સો તૂટી ગયો હતો. આમાં પણ મહિલા કોંગ્રેસના પ્રમુખે તો પક્ષમાંથી રાજીનામું જ દીધું હતું. સાથે સાથે જ હૈયાવરાળ પણ ઠાલવી હતી કે રાહુલ ગાંધી પ્રમુખ બનશે તો હોનારત સર્જાશે! તેમના આ નિવેદન બાદ પક્ષે તેમને છ વર્ષ માટે સસ્પેન્ડ કરી દીધા હતા.
દિલ્હી પ્રદેશ મહિલા કોંગ્રેસના પ્રમુખ બરખા સિંહે પોતાનું રાજીનામું કોંગ્રેસના પ્રમુખ સોનિયા ગાંધીને મોકલી આપ્યું હતું. તેમણે દિલ્હી કોંગ્રેસ અધ્યક્ષ અજય માકન અને કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી ઉપર અનેક આરોપ પણ લગાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે જો રાહુલ ગાંધીથી પક્ષ યોગ્ય રીતે સંભાળી શકાતો ન હોય તો તેમણે જવાબદારી છોડી દેવી જોઇએ. બરખાએ તો ત્યાં સુધી કહ્યું હતું કે જો રાહુલ ગાંધીને પક્ષના અધ્યક્ષ બનાવાશે તો એક મોટી હોનારત સર્જાશે. તેઓ આ પદને લાયક નથી. બરખા સિંહને પક્ષમાંથી બરતરફ કરાયાના કેટલાક કલાકો બાદ તેઓ ભાજપમાં જોડાઇ ગયા હતા.
આ પૂર્વે દિલ્હી પ્રદેશ કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ અરવિંદર સિંહ લવલી ભાજપમાં જોડાઇ ગયા હતા. તેમણે કોંગ્રેસની નેતાગીરી પર નિશાન સાધતાં કહ્યું કે પક્ષ હવે ખતમ થઇ રહ્યો છે.
ભાજપ અધ્યક્ષ અમિત શાહની હાજરીમાં દિલ્હી પ્રદેશ યુવા કોંગ્રેસના પ્રમુખ અમિત મલિક પણ ભાજપમાં જોડાયા. દિલ્હીમાં શીલા દીક્ષિતની સરકારમાં પ્રધાન રહી ચૂકેલા લવલી ચૂંટણીના એક અઠવાડિયા પૂર્વે જ ભાજપમાં જોડાતા કોંગ્રેસને આકરો ફટકો પડ્યો હતો.

