હાય રે કિસ્મતઃ પાંચ લાખ પાઉન્ડ હાથમાંથી ગયા

Wednesday 26th April 2017 07:15 EDT
 
 

લંડનઃ કિસ્મતથી વધુ અને સમયથી પહેલાં કંઈ મળતું નથી એવું આપણે બધાએ સાંભળ્યું છે તો ખરું, પણ બ્રિટનના એક દંપતી સાથે તો વાસ્તવમાં આ ઉક્તિ જેવું બન્યું છે. દંપતી પાસે એક પિયાનો હતો, જે ૩૩ વર્ષ સુધી તેમની પાસે હતો. જોકે તેની સારસંભાળ મુશ્કેલ બનતાં છેવટે એક કોલેજમાં ભેટ આપી દીધો. રસપ્રદ વાત છે કે આ પિયાનોમાં સોનાના ૯૧૩ સિક્કા સંતાડેલા હતા, જેની દંપતીને જાણ નહોતી. આજના બજારભાવ પ્રમાણે આ સિક્કાનું મૂલ્ય અંદાજે પાંચ લાખ પાઉન્ડ થાય છે.
મેગ અને ગ્રેહામ હેમિંગ્સ નામના દંપતીએ તેમનો ફેમિલી પિયાનો બિશપ્સ કેસ્લે કોલેજમાં ભેટમાં આપ્યા પછી તેમણે અંદર ચકાસણી કરતા અધિકારીઓની આંખો પહોળી થઈ ગઈ હતી. પિયાનોમાં સોનાના જૂના કિંમતી સિક્કાનો સંગ્રહ હતો, જે બ્રિટનમાં અત્યાર સુધીમાં મળેલો સૌથી મોટો સિક્કાનો સંગ્રહ છે. બ્રિટિશ મ્યુઝિયમે સિક્કા ખરીદવા માટે દાવો કર્યો છે પરંતુ બદલામાં તેમણે કોલેજને તેની કિંમત ચૂકવવી પડશે.
બ્રિટિશ મ્યુઝિયમે જણાવ્યું છે કે સોનાના સિક્કા મળ્યા હોવાનો અહેવાલ ફરતો થયા બાદ તે મેળવવા માટે ૪૦ જણાએ દાવા કર્યા છે, પરંતુ સોનુ તેમનું હોવાનો કોઈ નક્કર પુરાવો આપી શક્યા નથી. આથી સિક્કા હવે મ્યુઝિયમ પાસે જ રહેશે.
સિક્કાઓ ઇસ્વી સન ૧૮૪૭થી ૧૯૧૫ વચ્ચેના છે અને તેની કુલ કિંમત અંદાજે ૫ લાખ પાઉન્ડ છે. જોકે પિયાનોને ઘરના સભ્યની જેમ ૩૩ વર્ષ સુધી સાચવનાર દંપતીને આમાંથી એક રૂપિયો પણ મળશે નહીં કારણ કે બ્રિટિશ મ્યુઝિયમ તરફથી મળનારી રકમ કોલેજ અને પિયાનોમાંથી સિક્કા શોધનાર વચ્ચે વહેંચાશે. આ સિક્કાનું અસલ મૂલ્ય ૭૭૩ પાઉન્ડનું છે.


comments powered by Disqus