યુકેનો સૌથી નાની વયનો ડોક્ટર અર્પણ દોશી

Wednesday 26th July 2017 06:15 EDT
 
 

લંડનઃ ગુજરાતના ગાંધીનગરના વતની અર્પણ દોશીએ યુકેમાં સૌથી નાની વયના ડોક્ટર તરીકે નવો રેકોર્ડ સ્થાપિત કર્યો છે. જોકે, આ વાતની ખુદ તેને જાણ પણ ન હતી.
અર્પણે ૨૦૧૨માં યુનિવર્સિટી ઓફ શેફિલ્ડમાં ૧૭મા વર્ષે મેડિકલનો અભ્યાસ શરૂ કર્યો હતો અને ૨૧મા વર્ષે ડોક્ટર બન્યો છે. તે યોર્ક ટીચિંગ હોસ્પિટલમાં જુનિયર ડોક્ટર તરીકે બે વર્ષ પ્રેક્ટિસ કરશે. આ પછી, અર્પણ હાર્ટ સર્જરીમાં સ્પેશિલાઈઝેશન કરવા માગે છે. તેણે ૧૩ વર્ષની ઉંમર સુધી ગાંધીનગરમાં જ અભ્યાસ કર્યો છે. અગાઉ સૌથી નાની વયના ડોક્ટર તરીકેનો વિક્રમ રાચેલ ફાયે હિલના નામે હતો, જેણે ૨૧ વર્ષ અને ૩૫૨ દિવસમાં ડોક્ટરની ડિગ્રી ૨૦૧૦માં હાંસલ કરી હતી. અર્પણ દોશીએ ૨૧ વર્ષ અને ૩૩૪ દિવસમાં ડોક્ટરની ડિગ્રી મેળવી છે.
અર્પણના એન્જિનિયર પિતાને ફ્રાન્સમાં ન્યુક્લિયર ફ્યુઝન પ્રોજેક્ટમાં નોકરી મળ્યા પછી તેણે ૨૦૦૯માં ફ્રાન્સમાં રહીને અભ્યાસ કર્યો હતો. તેણે ૧૬ વર્ષની વયે ફ્રાન્સમાં આંતરરાષ્ટ્રીય સ્તરની પરીક્ષા પાસ કરી હતી.
પ્રવેશ પરીક્ષામાં તેણે ૪૫માંથી ૪૧ માર્ક મેળવ્યા હતા. આ પછી, શેફિલ્ડ યુનિવર્સિટીએ તેને ૧૩,૦૦૦ પાઉન્ડની સ્કોલરશિપ પણ આપી હતી.
અર્પણના માતા-પિતા હાલ ભારતમાં રહે છે. અર્પણે કહ્યું હતું કે ‘મારા માતાપિતાને મારા પર ગર્વ છે. તેમણે હંમેશાં મને પ્રોત્સાહન આપ્યું છે.’ તેણે કહ્યું હતું કે, ‘હું પહેલાથી જ ડોક્ટર બનવા ઈચ્છતો હતો. માનવ શરીર કેવી રીતે કામ કરે છે તેના વિશે હું બાળપણથી જ વિચારતો હતો. ડોક્ટર બનીને લોકોની સેવા કરવાની પણ ઈચ્છા હતી. અભ્યાસ દરમિયાન મારી નાની વયના કારણે કોઈ મુશ્કેલી પડી નથી.’


comments powered by Disqus