નોર્થ લંડનની એશિયન ચેરિટી ‘સંગમ – એસોસિએશન ઓફ એશિયન વિમેન’ દ્વારા મુંબઈના કુખ્યાત રેડલાઈટ એરિયામાં રહેતી યુવતીઓની આશા અને ડરને ઉજાગર કરતા એક કલાકના નાટક ‘લાલ બત્તી એક્સપ્રેસ’ના શોનું આયોજન કરાયું હતું. મુંબઈની સ્વૈચ્છિક સંસ્થા ‘ક્રાંતિ" દ્વારા આ નાટક રજૂ કરાયું. ‘સંગમ’ નોર્થ લંડનના બાર્નેટમાં આવેલી એશિયન મહિલાઓ દ્વારા સ્થાપિત અને સંચાલિત નોટ-ફોર-પ્રોફિટ ચેરિટી છે.
આ નાટકમાં મુંબઈમાં દેહવ્યાપાર અને વેશ્યાલય માટે કુખ્યાત અને ગરીબ વિસ્તાર કમાટીપુરાની સેક્સવર્કરોની કિશોરીઓએ પોતાના અનુભવો રજૂ કર્યા. નાટકની થીમ કિશોરીઓનીભૂતકાળ અને વર્તમાનની યાતનાઓ, અસલામતી, ભેદભાવ, હિંસા અને દુઃખ તેમજ સારા ભવિષ્ય માટે તેમને જે પરિવર્તનની આશા છે તેના નિરુપણ સાથેની ટ્રેન યાત્રા પર આધારિત છે. ‘ક્રાંતિ’ આ કિશોરીઓની વાત પર પ્રકાશ પાડવા અને તેમના સમાજનું અને તેથી પણ આગળ સમાજ પરિવર્તનના પ્રતિનિધિ તરીકે તેમનું સશક્તિકરણ કરવા માગે છે. આ નાટક પછી પ્રેક્ષકો સાથે પ્રશ્નોત્તરી થઇ હતી એમાં આ ૧૯-૨૦ વર્ષની કિશોરીઓએ એમની કેટલી ભયાનક જિંદગી હોય છે એની રજૂઆત કરી. પોલીસ રેડ પાડે ત્યારે વેશ્યાગૃહ ચલાવનારા લીડર આ છોકરીઅોને પાણી ભરેલા પીપમાં અને શિલીંગની છતની અંદર સંતાડી દે એવી આપવિતી જણાવી. "ક્રાંતિ" દ્વારા આ ૧૪ જેટલી કિશોરીઓને ઉજ્જવળ ભવિષ્ય તરફ લઇ જનાર બની દાસ નવ વર્ષથી કાર્યરત છે. એની મદદ અને માર્ગદર્શનથી રાની, શ્વેતા, સંધ્યા,શ્રધ્ધા જેવી કિશોરીઓ સ્કોલરશીપ મળતાં અમેરિકાના લોસ એન્જલસ, સાનફ્રાન્સિ્કો અને ન્યુયોર્કમાં ભણે છે, શીતલ એ વોશિંગ્ટનમાં ડ્રમ કલાસ કરે છે.
‘ક્રાંતિ’ના પ્રવક્તા રોબિન ચૌરસીયાએ જણાવ્યું હતું , ‘આ નાટક માટે ‘સંગમ’નો સહયોગ મળવાથી હું ગૌરવ અનુભવું છું. હું ભારતના સેક્સ વ્યાપારની સમસ્યાઓ તથા તે માહોલમાં રહેતી કિશોરીઓનું જીવન આપણે કેવી રીતે સુધારી શકીએ તેના પર સાર્થક રીતે સૌનું ધ્યાન દોરવા માગું છું. ‘સંગમ’ના ડિરેક્ટર વર્ષા દહાડે જણાવ્યું હતું, ‘મને આશા છે કે આ નાટક ઘણાં પ્રેક્ષકોને આકર્ષશે અને યાતનાઓથી ભરેલી દુનિયામાં રહેતી આ કિશોરીઓના ઉત્કર્ષ માટેના ‘ક્રાંતિ’ના ઉદેશોને સતત સમર્થન મળતું રહેશે.

