અમદાવાદઃ ભારતમાં સૌપ્રથમ વખત ઝીકા વાઈરસના ત્રણ કેસ અમદાવાદમાં નોંધાયા છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO)એ તેની પુષ્ટી કરી છે. મચ્છરોના કરડવાથી એકથી બીજી વ્યકિતમાં ફેલાતા આ વાઈરસને રોકવા માર્ગદર્શિકાઓ શેર કરવામાં આવી છે. કેસ ૨૦૧૬થી ૨૦૧૭ દરમિયાન કરાયેલા સર્વેમાં પ્રકાશમાં આવ્યા હતા.
ઝીકા વાઈરસના ત્રણ કેસ અમદાવાદના બાપુનગરમાં નોંધાતા લોકોમાં ફફડાટની લાગણી ફેલાઇ છે. સમગ્ર દેશમાં ઝીકા વાઈરસે પ્રથમ વાર દેખા દીધી છે. જોકે, ત્રણેય કેસ ફેબ્રુઆરી ૨૦૧૬થી જાન્યુઆરી ૨૦૧૭ દરમિયાન હાથ ધરાયેલા એક સર્વે દરમિયાન પ્રકાશમાં આવ્યા છે. મહત્વની વાત છે કે ૨૦૧૬માં દેશમાં ઝીકા વાઈરસ ન ફેલાય તે માટે અમદાવાદ સહિત દેશનાં તમામ એરપોર્ટ ઉપર આરોગ્ય વિભાગ દ્વારા ઝીકા વાઈરસનું સ્ક્રીનિંગ હાથ ધરાયું હતું. જોકે, તે સમયે કોઇ કેસ પોઝિટિવ જણાયો નહોતો.

