અમદાવાદઃ ધર્મસ્થાનોમાં લોકો મનોકામના પૂરી થાય માટે ચિત્રવિચિત્ર પ્રકારની બાધા રાખે છે. જોકે અહીં વાત અમદાવાદ નજીકના લાંભા ગામના બળિયાદેવ મંદિરની છે. અહીં મહિલાઓ પોતાની બાધા પૂરી કરવા માટે કે સંતાનો સાજા થાય તે માટે મોંઢેથી પગરખા પકડીને આવે છે તો ક્યારેક ચપ્પલોનો હાર ગળામાં પહેરે છે. મોંઢામાં ચપ્પલ રાખવા જેવી માનતાઓ મોટાભાગે મહિલાઓ દ્વારા રાખવામાં આવતી હોય છે.
આ રીતે બાધા રાખવા પાછળ કયો તર્ક કે કારણ છે વિશે કોઈ જાણતું નથી. મોઢામાં ચપ્પલ લઇને ચાલતી સ્ત્રીઓની તસ્વીરો ગતિશીલ ગુજરાત કઇ ખરેખર કઇ દિશામાં ગતિ કરી રહ્યું છે તે જણાવી રહી છે. સામાન્ય રીતે કોઇ ખરાબ કૃત્ય કરનારને જૂતાંથી નવાજવામાં આવતા હોય છે, પણ અહીં વાત જરા જુદી છે. મંદિરે આવતી મહિલાઓ બાધા પૂરી કરવા મંદિરથી પાસે આવેલા ઓટલાની આજુબાજુ પડેલા અડધા તૂટેલા ધુપ કરેલા માટલાને માથા પર રાખી, ગંદા ચપ્પલોના ઢગલામાંથી એક ચપ્પલ મોઢામાં દબાવીને મંદિરના મુખ્ય દ્વાર સુધી જાય છે ને મંદિરના પગથિયા આગળ જઇને ચપ્પલ મુકીને માનતા પૂરી કરે છે. લગભગ એક દિવસમાં ૫૦થી વધારે સ્ત્રીઓ આવી માનતાઓ અહીં પૂરી કરવા આવે છે.

