આતંકવાદ સામેની લડાઇમાં યુરોપ મહત્ત્વની ભૂમિકા ભજવી શકેઃ મોદી

Wednesday 31st May 2017 07:06 EDT
 
 

નવી દિલ્હી, બર્લિનઃ જર્મનીના બે દિવસના પ્રવાસે પહોંચેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથેની મુલાકાત દરમિયાન ચાન્સેલર એન્જેલા મર્કેલે ભારતને ન્યૂક્લિયર સપ્લાયર્સ ગ્રૂપ (એનએસજી)માં સ્થાનને મુદ્દે સમર્થનનો પુનરોચ્ચાર કર્યો હતો. બન્ને નેતાઓએ બેઠક બાદ એક સંયુક્ત નિવેદન જાહેર કર્યું હતું. આ નિવેદનમાં દ્વિપક્ષીય સંબંધોને વધુ દૃઢ બનાવવાનો નિર્ધાર વ્યક્ત થયો હતો.
આ પૂર્વે ચાન્સેલર એન્જેલા મર્કેલ સાથે પ્રાઈવેટ ડિનર પર થયેલી વાતચીત વિશે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે તેમની વચ્ચેની વાતચીત ઘણી સારી રહી હતી. જર્મનીના બ્રેંડનબર્ગ જિલ્લામાં આવેલા ૧૮મી સદીના પેલેસ ‘શલોસ મીજેબર્ગ’ના બાગમાં હૂંફાળા તડકામાં બંને નેતાઓ સાથે ફર્યા હતા. ‘શલોસ મીજેબર્ગ’ની વિઝીટ બુકમાં મોદીએ તેમના હસ્તાક્ષર કર્યાં, ત્યારબાદ મિટિંગ શરૂ થઈ હતી.
વડા પ્રધાન મોદી જર્મનીથી સ્પેન, ફ્રાંસ અને રશિયાના પ્રવાસે પણ જવાના છે. આ ચારેય દેશોમાં તેઓ કુલ ૨૦ કાર્યક્રમોમાં ભાગ લેશે.
મોદીનો આ જર્મની પ્રવાસી ભારત-જર્મનીના સંબંધોને એક નવી ઊંચાઇએ લઈ જશે. મર્કેલે રવિવારે મ્યુનિકમાં એક ચૂંટણી સભાને સંબોધતાં એ વાતના સંકેત આપ્યા કે તેઓ એશિયાઈ દેશો સાથે સંબંધ મજબૂત બનાવવા પર ભાર મૂકશે. મિટિંગ પછી વડા પ્રધાને ટ્વિટર પર લખ્યુંઃ ‘મર્કેલ સાથે ખૂબ વાતચીત થઈ.’
વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં, ભવ્ય મહેલના બગીચામાં બંને નેતાઓની પરસ્પર થઈ રહેલી વાતચીત દરમિયાન ખેંચેલા ફોટા મૂકતા કહ્યું, ‘આ એક અર્થપૂર્ણ ભાગીદારી છે.’ ચાન્સેલર મર્કેલે પ્રાઈવેટ ડિનર પહેલાં શલોસ મીજેબર્ગમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની કરી.
આ દરમિયાન, મોદી સાથે ગયેલા પ્રતિનિધિ મંડળમાં સામેલ થયેલા વરિષ્ઠ પ્રધાન પણ તેમની સમકક્ષનાં જર્મનીના પ્રધાનો સાથે વાતચીત કરી રહ્યા હતા. આ પ્રધાનોમાં વેપારપ્રધાન નિર્મલા સીતારમન, ઊર્જાપ્રધાન પિયૂષ ગોયલ અને વિદેશ રાજ્યપ્રધાન એમ. જે. અકબરનો સમાવેશ થાય છે.
વડા પ્રધાન મોદી છ દિવસના વિદેશ પ્રવાસના પ્રથમ ચરણમાં સોમવારે જર્મની પહોંચ્યા હતા. તેમણે એવી આશા વ્યક્ત કરી હતી કે આ મુલાકાતથી બંને દેશોના દ્વિપક્ષીય સંબંધોમાં એક નવો અધ્યાયનો આરંભ થશે. વડા પ્રધાન મોદીના નેતૃત્વમાં ભારતીય પ્રતિનિધિ મંડળે પણ જર્મન ચાન્સેલર એન્જેલા મર્કેલ સાથે મુલાકાત કરી હતી.
તાજેતરમાં યુકે, જર્મની અને ફ્રાંસમાં ઈસ્લામિક સ્ટેટ દ્વારા આતંકવાદી હુમલા થયા છે. આ કારણસર વડા પ્રધાન મોદીના નિવેદનને યુરોપ સાથેના સંબંધ માટે ખૂબ જ મહત્ત્વનું ગણવામાં આવી રહ્યું છે. આ પ્રવાસ દરમિયાન વડા પ્રધાન મોદી દ્વિપક્ષીય વેપાર વધારવા સંરક્ષણ, ઊર્જા, કૃષિ, વિજ્ઞાન અને ટેક્નોલોજી તેમજ આરોગ્ય ક્ષેત્રે મહત્ત્વના કરાર કરશે.
જર્મનીના અગ્રણી અખબારોના પ્રતિનિધિઓ સાથેની વાતચીતમાં વડા પ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, આજે માણસજાત આતંકવાદનો ભયાનક સામનો કરી રહી છે. અમે અપીલ કરીએ છીએ કે, આતંકવાદ સામે લડવા યુરોપિયન દેશો યુનાઈટેડ નેશન્સ અંતર્ગત મહત્ત્વની ભૂમિકા ભજવે. યુરોપ પણ આતંકવાદનો ભારે સામનો કરી રહ્યું છે.
વડા પ્રધાને કહ્યું હતું કે, જર્મની વિશ્વના સૌથી મોટા અને ખુલ્લા અર્થતંત્રો પૈકીનું એક છે. અમે જર્મની સાથેનો વ્યૂહાત્મક અને વેપારી સંબંધ મજબૂત કરવા માગીએ છીએ. તેમણે કહ્યું હતું કે, મેક ઈન ઈન્ડિયા, સ્કિલ ઈન્ડિયા, સ્ટાર્ટ અપ ઈન્ડિયા, ક્લિન ઈન્ડિયા અને સ્માર્ટ સિટીઝ જેવી ભારતની મહત્ત્વાકાંક્ષી યોજનાઓમાં જર્મની અમારું મહત્ત્વનું ભાગીદાર બની શકે છે. જર્મનીની જેમ ઇયુ પણ વિશ્વ માટે વિકાસ અને સુરક્ષાને લઈને રચનાત્મક ભૂમિકા ભજવી શકે છે.

૪ દેશ, ૬ દિવસ, ૨૦થી વધુ કાર્યક્રમ

મોદીએ વર્ષના સૌથી મહત્ત્વના વિદેશ પ્રવાસનો સોમવારે પ્રારંભ કર્યો હતો. સાડા આઠ કલાકની ઉડાન બાદ જર્મનીના બર્લિન એરપોર્ટ પર પહોંચ્યા હતા. તેઓ ૩ જૂન સુધી યુરોપના દેશો જર્મની, સ્પેન, રશિયા અને ફ્રાન્સના પ્રવાસે રહેશે. આર્થિક, સંરક્ષણ, વિજ્ઞાન અને ટેક્નોલોજી અને ન્યુક્લિયર એનર્જી એજન્ડામાં રહેશે. યુરોપીયન યુનિયન-ભારત વચ્ચે મુક્ત વ્યાપાર કરાર અંગે પણ મંત્રણા થશે. મોદી આ દેશોના બિઝનેસ લીડર્સને ‘મેક ઇન ઇન્ડિયા’ પ્રોજેક્ટ અંતર્ગત ભારતમાં વેપાર કરવા માટે આમંત્રિત પણ કરશે.
મોદી જર્મનીથી સ્પેન જશે. પહેલી અને બીજી જૂને રશિયામાં હશે. બીજી જૂને રાત્રે ફ્રાન્સ પહોંચશે. તેઓ ફ્રાન્સના નવા રાષ્ટ્રપતિ મૈક્રોંના પહેલા મહેમાન હશે, જેથી વ્યૂહાત્મક અને રાજકીય ક્ષેત્રમાં પ્રવાસ વડા પ્રધાન મોદી માટે ખૂબ મહત્ત્વનો છે.
પ્રવાસ બાદ મોદી કઝાકિસ્તાનમાં શાંઘાઇ સહયોગ સંગઠનની બેઠકમાં ભાગ લેશે. અહીં તેઓ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગને મળશે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો એજન્ડા

જર્મની: સૈન્ય સમજૂતી કેન્દ્રસ્થાને

• મોદીનો જર્મનીનો બીજો પ્રવાસ છે. આઇસીજી સમિટમાં ગત વખતની જેમ આ વખતે પણ પણ ઘણા મહત્ત્વના કરાર થશે. ચાન્સેલર એન્જેલા મર્કેલ સાથે મુલાકાત. બીજા દિવસે મોદી અને મર્કેલ ચતુર્થ ઇન્ડિયા-જર્મની ઇન્ટર-ગવર્નમેન્ટલ કોન્સુલેશન્સ (આઇસીજી)માં ભાગ લેશે. બંને નેતા એક બિઝનેસ ઇવેન્ટને પણ સંબોધન કરશે, જેમાં બંને દેશોના ટોપ સીઇઓ સામેલ રહેશે. અગાઉના આઇસીજીની જેમ વખતે પણ મહત્વના કરાર થશે.
ભારતમાં જર્મનીની ૧૬૦૦ કંપનીઓ છે. તેમાં ૬૦૦ સંયુક્ત વેન્ચર છે. અહીં સૈન્ય અને સોલાર એનર્જી સાથે સંબંધિત ઘણી મોટી સમજૂતીઓ થાય છે. મોદીની કોશિશ મેક ઇન ઇન્ડિયા હેઠળ ઘણી મોટી કંપનીઓને ભારત લાવવાની હશે.
બિઝનેસ: જર્મની ભારતમાં ૭મો સૌથી મોટો રોકાણકાર દેશ છે. એપ્રિલ ૨૦૦૦થી માર્ચ ૨૦૧૭ સુધી ૯.૬૯ અબજ ડોલરનું રોકાણ થઇ ગયું છે. ૨૦૧૬માં ૧૯.૪૮ અબજ ડોલરનો બિઝનેસ થયો છે.

સ્પેન: ઈન્ફ્રાસ્ટ્રક્ચર, એનર્જી અને રેલવે પર ફોકસ

• મોદી સ્પેનમાં રાષ્ટ્રપતિ મારિયાનો રાજોય સાથે મુલાકાત કરશે. ઈન્ફ્રાસ્ટ્રક્ચરના નિર્માણ અને એનર્જી સેક્ટર ઉપર પણ સ્પેનના પ્રેસિડેન્ટ મારિયાનો રાજયો સાથે વાતચીત થઈ શકે છે. સ્પેનમાં મોદી કિંગ ફેલિફ સાથે પણ મુલાકાત કરશે.
ઉપરાંત દેશમાં રોકાણ લાવવા માટે સ્પેનિશ બિઝનેસ લીડર્સ સાથે પણ રાઉન્ડ ટેબલ ચર્ચા થશે.
બિઝનેસ: રેલવે સાથે બિઝનેસ કરવા ઈચ્છુક સ્પેનના હળવા કોચ બનાવતી કંપની ટેલ્ગોના અધિકારી મોદી સાથે મુલાકાત કરશે. હાલ ૨૦૦ સ્પેનિશ કંપની ભારતમાં છે. એપ્રિલ ૨૦૦૦થી ૨૦૧૬ સુધી ૨.૩૨ બિલિયન ડોલરનું રોકાણ કર્યુ છે. ૨૦૧૬માં બિઝનેસ ૫.૨૨ બિલિયન ડોલર હતું.

રશિયા: ચીનના વન રોડ વન બેલ્ટનો મુદ્દો મુખ્ય

• મોદી રશિયામાં બે દિવસ રોકાણ કરશે અને ઇન્વેસ્ટર્સને મળશે. રાષ્ટ્રપતિ પુતિન સાથે સેન્ટ પીટર્સબર્ગમાં ૧૮મી ભારત-રશિયા વાર્ષિક બેઠકમાં ભાગ લેશે. અહીં મોદી ઇન્ટરનેશનલ ઇકોનોમિક ફોરમમાં પણ ભાગ લેશે. તેમાં ૧ હજાર ગ્લોબલ ઇન્વેસ્ટર્સ ભાગ લેશે. ૨ જૂને મોદીને ગેસ્ટ ઓફ ઓનરથી નવાજાશે.
વિદેશીરોકાણ, સંરક્ષણ અને ન્યુક્લિયર પ્લાન્ટ મુખ્ય એજન્ડા હશે. ઘણી મોટી સૈન્ય સમજૂતી થઇ શકે છે. રશિયાની કોશિશ કુડનકુલમ્ ન્યુક્લિયર પ્રોજેક્ટના પાંચમા અને છઠ્ઠા પ્લાન્ટના નિર્માણ સંબંધિત કરાર પર હસ્તાક્ષર કરાવવાની હશે. ભારત ચીનના પ્રોજેક્ટ વન રોડ વન બેલ્ટનો મુદ્દો ઉઠાવી શકે છે. રશિયામાં પણ તેનો વિરોધ થઇ રહ્યો છે.
બિઝનેસ: રશિયામાં ભારતીય રોકાણ ૧૨ બિલિયન ડોલર અને ભારતમાં રશિયાનું રોકાણ ૧૬ બિલિયન ડોલર છે. ૨૦૧૬માં બંને દેશો વચ્ચે ૭.૭૧ બિલિયન ડોલરનો કરાર થયો. ડિસેમ્બર ૨૦૧૪માં બંને દેશોના વડાએ ૨૦૨૫ સુધી વેપારને ૩૦ બિલિયન ડોલર કરવાનું લક્ષ્ય રાખ્યું છે.

ફ્રાન્સ: મુક્ત વેપાર સમજૂતી પર ચર્ચા

• ફ્રાન્સ ભારતનો નવમો સૌથી મોટો રોકાણકાર દેશ છે. મૈક્રોં અને મોદી વચ્ચે આતંકવાદ અંગે ચર્ચા થશે. બીજી જૂને મોદી યાત્રાના છેલ્લા પડાવ માટે ફ્રાન્સ રવાના થશે. અહીં પેરિસમાં ફ્રાન્સના નવા રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મૈક્રોં સાથે ચર્ચા કરશે. બંને દેશોના વ્યૂહાત્મક સંબંધ મજબૂત થવાની આશા છે. બંને દેશો આતંકવાદથી પીડિત છે. આથી વાતચીતમાં ટેરર મુખ્ય મુદ્દો હશે.
બંને દેશો વચ્ચે નાગરિક પરમાણુ, સંરક્ષણ અને આર્થિક ક્ષેત્રોમાં મજબૂત સહયોગ છે. ફ્રાન્સ, જર્મની અને સ્પેનની યાત્રા દરમિયાન ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચે મુક્ત વેપાર સમજૂતી મહત્વનો મુદ્દો રહેશે. ભારતે ૨૦૧૫માં દ્વિપક્ષીય રોકાણ સંરક્ષણ સંધિઓ (બીઆઇટી)ને બદલે નવી બીઆઇટી અપનાવી, જેમાં યુરોપના ઘણા દેશો સામેલ છે.
બિઝનેસ: ફ્રાન્સ ભારતનું નવમું સૌથી મોટું રોકાણકાર છે. એપ્રિલ ૨૦૦૦થી જાન્યુઆરી ૨૦૧૭ સુધી ૫.૫૫ બિલિયન ડોલરનું રોકાણ છે. ૨૦૧૬માં બિઝનેસ ૯.૬૦ બિલિયન ડોલરનું રહ્યું.


comments powered by Disqus