કચ્છમાં આ વર્ષે ચોમાસું તરબતર

Wednesday 31st May 2017 06:57 EDT
 

ભુજઃ મેઘરાજા એ કચ્છના ભાગ્યવિધાતા છે. ચોમાસું નિષ્ફળ જાય, અધકચરો વરસાદ પડે તો કચ્છીઓના હૈયે ફાળ પડે. આથી જ આગામી ચોમાસું કેવું જશે, સારું જશે, અતિ સારું જશે કે નબળું જશે તેના વર્તારા માટે નખત્રાણામાં અભ્યાસુઓની બેઠક યોજાઇ હતી. બેઠકના અંતે અભ્યાસુઓએ એવું તારણ કાઢ્યું હતું કે આ વર્ષે તમામ પરિબળો વરસાદ માટે અનુકૂળ રહેશે.
આ બેઠકમાં અભ્યાસુઓ દિવાળી બાદ વાતાવરણમાં થતા ફેરફારો, આકાશદર્શન, વનરાઇ તેમજ વૃક્ષો પરથી ચોમાસાનું - વરસાદનું તારણ કાઢે છે. આ તમામ સંયોગો વરસાદ માટે અનુકૂળ હોવાથી ચાલુ વર્ષે ચોમાસું ખૂબ જ સારું રહેશે તેવો નિષ્કર્ષ કાઢવામાં આવ્યો હતો.
‘જો વરસે આદ્રા તો બારેમાસ પાધરા’ એ ભડલી વાક્યના આધારે જણાવાયું હતું કે ચાલુ વર્ષે આદ્રા નક્ષત્રમાં વાવણીલાયક વરસાદ પડશે. ત્યાર બાદ અમુક દિવસોના વિરામ બાદ જુલાઈમાં ફરી ચોમાસું સક્રિય થતાં મધ્યમસર વરસાદ પડશે. જ્યારે ઓગસ્ટ મહિનો વરસાદથી ભરપૂર રહેશે.
ચાલુ વર્ષે કુદરતી રીતે ચોમાસાના એંધાણ કે શુકન આપતા સારા ચિહનો જોવા મળ્યા છે. જેમાં હોળીનો પવન દક્ષિણથી પશ્ચિમ ખૂણે વહેતો હોવાનું જણાયું હતું, જે સારા ચોમાસાનો અત્યંત શુભ સંકેત માનવામાં આવે છે. સાથે સાથે જ વનરાઇમાં પીલુના ઝાડો, ખાખરાનાં વૃક્ષો, કંઢો સારા પ્રમાણમાં ખીલ્યા છે. ચાલુ વર્ષે એક અંદાજ પ્રમાણે આગામી તા. ૨૩ જૂનથી ૨૭ જૂન એમ સુધી પાંચ દિવસ વાવણીલાયક વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યાર બાદ તા. ૧૮ જુલાઇથી ૨૧ જુલાઇ દરમિયાન મધ્યમસર વરસાદ પડવાની સંભાવના છે. તો ઓગસ્ટમાં ૧૯થી ૨૭ એમ નવ દિવસ સુધી જિલ્લામાં સર્વત્ર ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી. આ ઉપરાંત નવથી ૧૪ સપ્ટેમ્બર હળવો વરસાદ, અને તા. ૧૮થી ૨૨ સપ્ટેમ્બર પાંચ દિવસ વરસાદ પડશે તેવો વર્તારો રજૂ થયો હતો.


comments powered by Disqus