ક્રાંતિકારી નિર્ણયો સાથે લોકપ્રિયતાના સર્વોચ્ચ શીખરે

Wednesday 31st May 2017 06:33 EDT
 
 

નવી દિલ્હીઃ મોદી સરકારે દેશની શાસનધૂરા સંભાળ્યાને ત્રણ વર્ષ પૂરાં થયાં છે. ૨૬ મે ૨૦૧૪ના રોજ સત્તાના સૂત્રો સંભાળતી વેળા મોદી સરકારે લોકો સમક્ષ નૂતન ભારતના નિર્માણનું સ્વપ્ન લોકો સમક્ષ રજૂ કર્યું હતું, જે ઘણા અંશે સાકાર થતું જોવા મળ્યું છે. દેશમાં અગાઉ ક્યારેય ન લેવાયા હોય એવા કેટલાક ક્રાંતિકારી પગલાં પણ લેવાયા છે. મોદી સરકારે વીતેલા ત્રણ વર્ષમાં અસાધારણ લોકપ્રિયતા હાંસલ કરી છે, જ્યારે વિવાદોનું પ્રમાણ નહીંવત્ રહ્યું છે એ તો પ્રતિસ્પર્ધીઓ પણ સ્વીકારી રહ્યા છે.
સિમાચિહનરૂપ નિર્ણયો
• લાલ બત્તી કલ્ચર ખતમઃ દેશમાં વીઆઈપી કલ્ચર ખતમ કરવા માટે મોદી સરકારે પહેલી મેથી પ્રધાનોની ગાડીઓ પરથી લાલ બત્તી દૂર કરી છે. સરકારના આ નિર્ણયને તમામ રાજ્યોએ સમર્થન આપ્યું છે. હવે દેશમાં ફક્ત પાંચ વ્યક્તિવિશેષ રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, વડા પ્રધાન, લોકસભા અધ્યક્ષ અને સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસના વાહન પર જ લાલ બત્તી જોવા મળશે.
• પાક વીમા યોજનાઃ ખેડૂતો માટે પાક વીમા યોજનાની શરૂઆત ઐતિહાસિક પગલું હતું. આમ એટલા માટે કહી શકાય કે અત્યાર સુધી પાકનો વીમો ઉતારાતો હતો, પણ ખેડૂતોને નુકસાન થાય ત્યારે વળતર આપવા શરતો મૂકી દેવાતી હતી. જેનાથી ખેડૂતોને નુકસાન ભરપાઈ થઈ શકતું નહોતું.
• પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજનાઃ માત્ર ૧૨ રૂપિયા પ્રતિ વર્ષ પ્રીમિયમમાં બે લાખ રૂપિયાનો દુર્ઘટનાનો વીમો. યોજના અંતર્ગત ૯.૪૩ કરોડ પોલિસી નોંધાઈ છે.
• પ્રધાનમંત્રી જીવનજ્યોતિ વીમા યોજનાઃ સ્વાભાવિક કે દુર્ઘટનામાં મૃત્યુ સમયે બેન્કમાં બચત ખાતું ધરાવનારને ૩૩૦ રૂપિયાનું પ્રીમિયમ ભરતા ૨ લાખનું વીમા સંરક્ષણ.
• અટલ પેન્શન યોજનાઃ ૬૦ વર્ષ બાદ અસંગઠિત ક્ષેત્રના લોકોની નિશ્ચિત આવક નિર્ધારિત કરવા અટલ પેન્શન યોજનામાં સરકાર પ્રીમિયમની ૫૦ ટકા રકમ ભરશે. ૫૦ ટકા રકમ લોકોએ ભરવાની રહેશે. ૬૦ વર્ષ બાદ દર મહિને પેન્શન મળતું રહેશે.
• ઇન્ટરવ્યૂ પ્રથા રદઃ સરકારી નોકરીમાં ગ્રૂપ બી અને ગ્રૂપ સી માટે ઇન્ટરવ્યૂ પ્રથા રદ કરવા સાથે કેટલીય સેવાઓ માટે સેલ્ફ સર્ટિફિકેશન નીતિ ચાલુ કરી. હવે લેખિત પરીક્ષાના મેરિટ ગુણના આધારે ઉમેદવારની નિયુક્ત થવા લાગી છે.
• સ્ટાર્ટઅપ ઇન્ડિયા, ડિજિટલ ઇન્ડિયાઃ મોદી સરકારે ૨૧મી સદીને ધ્યાનમાં રાખીને જે નવા રોજગારવાંચ્છુ પગલાંની શરૂઆત કરી છે તેમાં સ્ટાર્ટઅપ ઇન્ડિયા સહિતના અભિયાન મહત્ત્વના છે. સ્ટાર્ટઅપ શરૂ કરવા સરકારે પ્રક્રિયા સરળ કરી છે. સ્કિલ ઇન્ડિયા પણ આવી પહેલ છે. ડિજિટલ ઇન્ડિયા થકી લોકોને ટેકનોલોજીથી જોડવાનો પ્રયાસ છે.
• મેક ઈન ઇન્ડિયાઃ મેક ઈન ઇન્ડિયા થકી ટેકનોલોજી અને સંરક્ષણ ક્ષેત્રે સાધન-સરંજામનું ભારતમાં જ નિર્માણ શરૂ કરવાનું લક્ષ્ય નક્કી થયું. વિવિધ સેકટરને આયોજનનો ભરપૂર લાભ મળ્યો છે.
• નેશનલ હેલ્થ પોલિસીઃ ૧૫ વર્ષ બાદ વર્તમાન સરકારે દેશમાં નવી સ્વાસ્થ્ય નીતિ દાખલ કરી છે. રાષ્ટ્રીય સ્વાસ્થ નીતિ તમામને વિનામૂલ્ય દવા અને નિશ્ચિત સ્વાસ્થ્ય સેવા આપશે. આ નીતિનો હેતુ સ્વાસ્થ્યની સારવાર માટે થતો ખર્ચ ઘટાડવાનો છે. આ નીતિનો અમલ થયા બાદ સામાન્ય પ્રજાની સારવાર સરળ અને સહજ થશે.
• જૂના કાયદાઃ પહેલા ૭૦૦ દિવસોમાં જ ભારત સરકારે ૧,૧૭૮ કાયદા રદ કરી નાખ્યા. વાસ્તવમાં હાલની વ્યવસ્થામાં આ કાયદાની કોઇ વ્યવહારિકતા જ રહી નહોતી.
• વન રેન્ક-વન પેન્શનઃ ભારત સરકારે દાયકાઓથી અનિર્ણિત વન રેન્ક વન પેન્શનના પ્રશ્નને ઉકેલી મોટી સફળતા મેળવી છે. એક માર્ચ ૨૦૧૬ના દિવસે તેનો પહેલો હપ્તો અપાયો. સૈનિકોની ઘણી જૂની માગ પુરી થતા તેમના આત્મવિશ્વાસમાં વધારો થયો.
• સંરક્ષણ સોદાઓને મંજૂરીઃ ફ્રાન્સ પાસેથી સરકારની ૩૬ રફાલ વિમાનની ખરીદી કરવાનો નિર્ણય લેવાયો છે. તો ૧૪૫ એમએમ-૭૭૭ અલ્ટ્રા લાઇટ હોવિત્ઝર તોપની પણ ખરીદી થશે. અમેરિકા પાસેથી ૨૨ અપાચે હેલિકોપ્ટરની ખરીદી. આ ઉપરાંત ૧૫ ચિનૂક હેલિકોપ્ટર પણ ખરીદાશે.


comments powered by Disqus