ગાંધીનગરઃ મુખ્ય પ્રધાન વિજય રૂપાણી આગામી વિધાનસભા ચૂંટણીના સુકાની રહેશે અને તેમના નેતૃત્વમાં જ ગુજરાતમાં નવી સરકારની રચના થશે. આ સ્પષ્ટ સંકેત ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે આપ્યો છે.
દિલ્હીમાં ન્યૂઝ એજનસી સાથે વાતચીતમાં અમિત શાહે ગુજરાતમાં આવી રહેલી વિધાનસભાની ચૂંટણીઓ રૂપાણીની આગેવાનીમાં જ લડાવવામાં આવશે તેવો સંકેત આપ્યો હતો. કર્ણાટકમાં યેદુરપ્પાની આગેવાનીમાં ભાજપ વિધાનસભાની ચૂંટણીઓ લડશે તેમ અમિત શાહે જણાવ્યું ત્યારે ન્યૂઝ એજન્સીએ એવો સવાલ કર્યો હતો કે ગુજરાતમાં વિજય રૂપાણી પાર્ટીના મુખ્ય પ્રધાન પદનો ચહેરો હશે કે કેમ?
આ પ્રશ્નના જવાબમાં શાહે કહ્યું હતું કે ‘રૂપાણી હાલ મુખ્ય પ્રધાન તો છે જ’ એમ કહીને હસતા હસતા ઉમેર્યું કે તેનો અર્થ એ પણ થાય છે કે તેઓ હવે પછીના મુખ્ય પ્રધાન પદનો ચહેરો રહેશે.
કોંગ્રેસમાં જ છું, અને રહેવાનો છુંઃ શંકરસિંહ વાઘેલા
બીજી તરફ, કોંગ્રેસના ગુજરાત રાજ્યના ના પ્રભારી અશોક ગેહલોતે એવું નિવેદન કર્યું છે કે શંકરસિંહ બાપુ નારાજ નથી, બધી ગેરસમજો ફેલાવાઈ છે. પ્રજા પરીવર્તન ઈચ્છે છે અને ૨૨ વર્ષથી ગુજરાતમાં કોંગ્રેસની સરકાર નથી. બાપુ સાથે મારે વ્યુહાત્મક વાતચીત થઈ છે હવે કોઈ કન્ફ્યુઝન નથી.
શંકરસિંહ વાઘેલાએ પણ ગેહલોતના નિવેદને સમર્થન આપતા કહ્યું હતું કે કોણ કહે છે કે મને પ્રોબલેમ છે? એમ કહી પોતે કોંગ્રેસમાં છે અને ક્યાંય જવાનું નથી તેમ જણાવ્યુ હતું. તેમણે ચોખવટ કરી કે ભરતસિંહ સાથે કોઈ પ્રોબલેમ નથી અને ભાજપ જ આવો ધુમાડો ફેલાવે છે.
વિદેશયાત્રાથી પરત આવેલા વાઘેલાએ કોંગ્રેસ કોંગ્રેસ કાર્યાલય ખાતે પત્રકારોને કરેલા સંબોધનમાં સ્પષ્ટ કર્યું હતું કે તેઓ કોંગ્રેસમાં જ છે. આ સાથે તેમણે છેલ્લા કેટલાક દિવસથી ચાલી રહેલી અટકળો, વિવાદો પર પુર્ણ વિરામ મુકી દીધું હતું. પત્રકારોના સવાલોના જવાબો આપતા ગેહલોતે કહ્યુ કે ‘કોંગ્રેસ એકસંપ થઈને ચૂંટણીમાં ઉતરશે. ઈલેક્શન કમિટી ઉમેદવારો જાહેર કરશે અને પરિણામો પછી ધારાસભ્યો મુખ્ય પ્રધાનની વરણી કરશે’

