અમરેલી: શહેર પોલીસની લોકલ ક્રાઇમ બ્રાન્ચે ભાવનગર અને લાઠી પંથકના બે શખ્સોને રૂ. ૧.૧૧ કરોડની રૂ. ૫૦૦ અને રૂ. ૨૦૦૦ના દરની બનાવટી નોટ સાથે ઝડપી લીધા હતા. બન્ને શખ્સો મોટર સાઈકલ પર નોટની ડિલીવરી આપવા અમરેલી આવતા હતાં ત્યારે ઝડપાયા હતાં. આ સાથે જ નકલી નોટનું રાજ્યવ્યાપી નેટવર્ક ખૂલ્યું છે.
પોલીસે ચોક્કસ બાતમીના આધારે ૨૫ મેના રોજ લાઠી રોડ લાલાવાવ હનુમાન મંદિર પાસેથી નંબર વગરના મોટર સાયકલ પર જતા ભાવનગરના ગુંદીકોળિયાના સચીન ગુલાબ પરમાર (૨૧) અને લાઠીના લુવારીયા દરવાજા પાસે રહેતા પરેશ જગદીશ સોલંકી (૨૫)ને અટકાવ્યા હતા. તેમના થેલાની તપાસ કરતાં બે હજારના દરની ૪૫૫૨ અને ૫૦૦ના દરની ૩૯૮૨ નકલી નોટ મળીને કુલ ૧,૧૦,૯૫,૦૦૦ની બનાવટી ચલણી નોટ મળી હતી. આ શખસોએ ચારેક માસથી નકલી નોટો છાપવાનું શરૂ કર્યુ હતું. આ નોટ એ હદે અસલ જેવી હતી કે અધિકારીઓ પણ તે જોઇને આંચકો ખાઇ ગયા હતાં.
ભાવનગરનો સચીન પરમાર ઝડપથી નાણા એકઠા કરવા નકલી નોટ છાપવાનું કામ કરતો હતો. તેણે તાજેતરમાં કચ્છમાંથી માઈનિંગ એન્જીનીયરીંગનો અભ્યાસ પૂરો કર્યો હતો. તેની સાથે ૧૦-૧૨ શખ્સો સંડોવાયેલા છે.

