દસકાઓ જૂનો ગિરનાર વિવાદઃ સનાતન સમાજ અને જૈનો વચ્ચે સમાધાન

Wednesday 31st May 2017 06:55 EDT
 
 

જૂનાગઢઃ ગિરનારના દત્ત શિખર અને જૈન દેરાસરોની જગ્યાના મુદ્દે સાધુ-સંતો અને જૈન સમાજ વચ્ચે વર્ષોથી વિવાદ ચાલતો રહ્યો છે. જોકે દસકાઓ જૂના આ વિવાદનો ૨૫ મેના રોજ સુખદ અંત આવ્યો છે. હિન્દુ સનાતન સમાજ અને જૈન સમાજ વચ્ચે ઐતિહાસિક સમાધાન થયું છે. જોકે આ સમાધાનમાં હાલ કોર્ટમાં પેન્ડીંગ રહેલો પાંચમી ટૂંક - દત્ત શિખરનો મુદ્દો સામેલ નથી.
૨૫ જૂને ભવનાથ તળેટીમાં રુદ્રેશ્વર જાગીર આશ્રમમાં હિન્દુ સનાતન સમાજ અને જૈન શ્વેતાંબર સમાજનાં સાધુ-સંતો અને અગ્રણીઓની એક બેઠક કલેકટર ડો. રાહુલ ગુપ્તાની ઉપસ્થિતિમાં યોજાઇ હતી.
બન્ને પક્ષે સુમેળભર્યા વાતાવરણમાં ચર્ચા-વિચારણા બાદ ગિરનારને લઇ ઐતિહાસિક સમાધાન કરવામાં આવ્યું હતું. જેમાં ગિરનારની પાંચમી ટૂંક (દત્ત શિખર) ઉપર દર્શન - વંદન કરવા આવતા જૈન શ્વેતાંબર યાત્રાળુઓને ત્યાંની વ્યવસ્થા સમિતી રોકશે નહીં. ઉપરાંત જૈન દેરાસર ખાતે આવેલા સુરજ કુંડ, ભીમ કુંડ અને ડોકટર કુંડ સાર્વજનિક કરવામાં આવ્યા છે.
આ ઉપરાંત ગિરનારને લઇ કોઇ પણ વિવાદ અંગે કોઇએ પણ કોર્ટનો આશ્રય લેશે નહીં. જોકે પાંચમી ટૂંક (દત્ત શિખર)ને લઇ કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે તે યથાવત્ રહેશે. પાંચમી ટૂંક મુદ્દે કોઇ સમજૂતી થઇ નથી.
સર્વસંમત નિર્ણય
• ગિરનાર પરનાં કુંડની માલિકી દેવચંદ લક્ષ્મીચંદની છે, જે કાયમ રહેશે.
• કુંડની વ્યવસ્થા દેવચંદ લક્ષ્મીચંદ ટ્રસ્ટનાં ચોકીદારો સંભાળશે
• સાર્વજનિક રસ્તા પર આવેલી લાઇટને ટ્રસ્ટ બંધ કરાવશે નહીં
• ભીમકુંડમાં દોરડું બંધાશે નહીં અને ત્યાં લાઇટની વ્યવસ્થા શેઠ દેવચંદ લક્ષ્મીચંદ ટ્રસ્ટ દ્વારા કરી અપાશે
• પહેલી ટૂંક ઉપર જૈન શ્વેતાંબર સમાજની માલિકીનાં તમામ દેરાસરો આવેલા છે. તે વિશે સનાતન હિન્દુ સમાજને કોઇ પણ પ્રકારનો વિવાદ નથી અને તે ભવિષ્યમાં કરશે નહીં
• બન્ને સમાજ ગિરનાર તીર્થ ઉપર સંપથી રહે અને દુધમાં સાકર ભળે તેમ હળીમળીને રહે તેવી વ્યવસ્થા કરાઇ છે.
મહામંડલેશ્વર ભારતીબાપુએ જણાવ્યું હતું કે, સાધુ સમાજ અને જૈન સમાજ દ્વારા સાથે મળી ગિરનારનો વિકાસ કરાશે. ગિરનાર પર યાત્રાળુઓની સુવિધા ઉભી કરાશે. અન્નક્ષેત્રો, છાપરા અને સીડી વગેરેનાં રીપેરિંગનાં કામ પણ થશે.


comments powered by Disqus